ખાણીપીણીમાં મિલાવટ: એક વર્ષમાં રાજકોટમાંથી પકડાયો 3305 કિલો વાસી ખાદ્યપદાર્થ,11.71 લાખનો દંડ ફટકારાયો
રાજકોટમાં બહારની ખાણીપીણીનું સેવન કેટલી હદે વધી ગયું છે તેનો અંદાજ નાની-મોટી રેસ્ટોરન્ટ, હોટેલ, લારીઓ પર એકઠી થઈ રહેલી ભીડ પરથી આવી જાય છે. બહારનું ખાવાનો લોકોનો ચસ્કો વધી રહ્યો હોય તેનો લાભ લઈને ભેળસેળિયા વેપારીઓ દ્વારા ખાણીપીણીમાં મીલાવટ પણ એટલી જ કરવામાં આવી રહી હોવાથી તંત્ર દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
આ પ્રમાણે રાજકોટમાં એક વર્ષની અંદર 3305 કિલો વાસી અથવા એક્સપાયર થયેલો ખાણીપીણીનો જથ્થો પકડાયો હોવાનું તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. મહાપાલિકાની ફૂડ શાખાએ 1 જાન્યુઆરી-2025થી 31 ડિસેમ્બર-2025 સુધી ઘીના 17, દૂધ અને દૂધની બનાવટના 84, તેલ સહિતના 22, મરી મસાલાના 45 અને તૈયાર ખાદ્યપદાર્થના 223 મળી કુલ 391 નમૂના લીધા હતા જેમાંથી ઘીના પાંચ, દૂધના સાત, અન્ય ડેરી પ્રોડક્ટસના પાંચ, મસાલાના બે, પાણીની બોટલનો એક અને ખાદ્યતેલનો એક નમૂનો ફેઈલ ગયો હોવાનું જણાવાયું છે.
આ પણ વાંચો :વાવડીમાં બનશે રાજકોટનો પહેલો ‘સ્પોન્જ પાર્ક’: તાપમાનને ‘કાબૂ’માં રાખી શકાશે, ચોખ્ખી હવા પ્રાપ્ત થઈ શકશે,જાણો સ્પોન્જ પાર્કમાં બીજુ શું શું હશે?
જ્યારે 78 પેઢીમાંથી 3305 કિલો પડતર, વાસી, એક્સપાયર્ડ વાનગીના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો તો જવાબદારો પાસેથી 11.71 લાખના દંડની વસૂલાત કરવામાં આવી હતી. ફૂડ શાખા દ્વારા ઓનલાઈન તેમજ ઓફલાઈન મળેલી 394 ફરિયાદનું નિરાકરણ લાવવામાં આવ્યાનો દાવો પણ કરાયો હતો.
