અદાણીને એક દિવસમાં જ 10,13,27,30,32,800 રૂપિયાની ખોટ
અમેરિકાના લાંચ કૌભાંડના સમાચાર પછી ગૌતમ અદાણીની સંપત્તિ ઘટી
ગૌતમ અદાણી અબજોપતિઓની યાદીમાં ટોપ 20માંથી બહાર થઈ 25માં સ્થાને
કાયમ સમાચારોમાં ચમકતા રહેતા અદાણી ગ્રુપનાં માલિક ગૌતમ અદાણી વધુ એક વખત મુશ્કેલીમાં આવ્યા છે અને તેમની સંપતિનું ધોવાણ થયું છે.
અદાણી ગ્રૂપના માલિક અને દેશના બીજા સૌથી ધનિક ઉદ્યોગપતિ ગૌતમ અદાણી ઉપર ધરપકડની તલવાર લટકી રહી છે તેવા સમાચાર આવતાની સાથે જ અદાણીના શેર પત્તાની જેમ વેરવિખેર થઈ ગયા અને ગૌતમ અદાણી અબજોપતિઓની યાદીમાં ટોપ 20માંથી બહાર થઈ ગયા હતા. એક સમયે અબજોપતિઓની યાદીમાં બીજા-ત્રીજા સ્થાને રહેલા અદાણી અમેરિકાથી આવી રહેલા સમાચારોને કારણે 25માં સ્થાને પહોંચી ગયા છે.ગુરુવારે તેમને એક જ દિવસમાં 10,13,27,30,32,800 રૂપિયાની ખોટ ગઈ છે.
અમેરિકાનું લાંચ કૌભાંડ બહાર આવ્યા બાદ થોડા કલાકોમાં અદાણી જૂથનું માર્કેટ કેપ ઘટીને રૂ. 2.53 લાખ કરોડ થઈ ગયું હતું. અદાણીના શેરમાં થયેલા ઘટાડાને કારણે અને માર્કેટ કેપમાં થયેલા કડાકાને કારણે ગૌતમ અદાણીની સંપત્તિ થોડા કલાકોમાં 12 અબજ ડોલર ઘટી ગઈ હતી. જો ભારતીય રૂપિયામાં જોવામાં આવે તો 10,13,27,30,32,800 રૂપિયાની સંપત્તિનો ઘટાડો થયો છે. ફોર્બ્સના રિયલ ટાઈમ બિલિયોનેર ઈન્ડેક્સમાં આ સમાચાર પહેલા 17માં નંબર પર રહેલા ગૌતમ અદાણી 25માં સ્થાને સરકી ગયા છે.
અમેરિકાથી સમાચાર આવ્યા ત્યારે અદાણીની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝ અને અદાણી પોર્ટ્સમાં મોટા ભાગના શેરોમાં 15 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. અદાણી પાવર અને અદાણી ગ્રીન 13 થી 17 ટકા ઘટ્યા હતા. જ્યારે અદાણી એનર્જી સોલ્યુશનમાં 20 ટકાનો ઘટાડો થયો છે. ACC 12 ટકાથી વધુ અને અબુન્જા સિમેન્ટ 13 ટકા ઘટ્યો છે.