એક્ટર પ્રીત કામાણીનો રંગીલા રાજકોટ પ્રત્યે પ્રેમ : કહ્યું- હું ભલે મોટો સ્ટાર બની જાઉં પણ હૃદયમાંથી રાજકોટ ક્યારેય નહીં ભૂસાય
છેલ્લા ચાર સપ્તાહથી રાજકોટ સહિત દેશના 118 સિનેમાઘરોમાં લોકોને ઘેલું લગાડી રહેલી ફિલ્મ `હિર એક્સપ્રેસ’ના મુખ્ય પાત્ર એવા રાજકોટના પ્રિત કામાણીએ રાજકોટમાં પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે હું ભલે મોટો સ્ટાર બની જાઉં પણ મારા હૃદયમાંથી રાજકોટ ક્યારેય નીકળી શકશે નહીં. હુંતો કાઠિયાવાડી હોવાનો ગર્વ અનુભવું છે જે કાયમ અનુભવતો જ રહેવાનો છું.

પ્રિત કામાણીએ હાલ જેનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે તે પેઈડ પીઆર મતલબ કે પૈસા ચૂકવીને પબ્લીસિટી કરાવવા અંગે કહ્યું કે આ ટ્રેન્ડથી કશું હાંસલ થઈ શકતું નથી અને આપણી ફિલ્મ જોયા બાદ લોકો પ્રેમ આપે એ જ મહત્ત્વનું છે. આ પ્રેમ અમને `હિર એક્સપ્રેસ’ થકી પ્રાપ્ત થયો છે. હું એક ગુજરાતી કલાકાર છું અને તે નાતે હું બોલિવૂડ ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવી રહ્યો હોવાથી દરેક કાઠિયાવાડી પણ આ બાબતે ગર્વ અનુભવશે જેમાં મને કોઈ આશંકા નથી.
પ્રિતે ઉમેર્યું કે મારો લક્ષ્યાંક પૈસા પાછળ દોડવાનો નહીં પરંતુ એવી લોકચાહના હાંસલ કરવાનો છે કે લોકો એમ બોલી ઉઠે કે રાજકોટના યુવાને બોલિવૂડને હચમચાવી નાખ્યું છે. હાલ મારી નેટફ્લિક્સમાં હાલ્ફ સીએ વેબસિરીઝ પણ ચાલી રહી છે જેને પણ લાખો વ્યૂઅર્સ મળ્યા છે. આવો જ પ્રેમ મને મળતો રહેશે તે માટે હું કોઈ કચાશ રાખીશ નહીં. આ પત્રકાર પરિષદમાં સંજયરાજ ગ્રુપના દર્શનીલ રાજ્યગુરુ તેમજ સ્વરાજ રાજ્યગુરુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ફિલ્મ `હિર એક્સપ્રેસ’ના ડાયરેક્ટર પત્રકાર પરિષદમાં વીડિયો કોલથી જોડાયા હતા.
