Achyut Potdar Death: ‘3 ઇડિયટ્સ’ ફિલ્મમાં પ્રોફેસરની ભૂમિકા ભજવનાર અચ્યુત પોતદારનું નિધન,91 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
અભિનેતા અચ્યુત પોતદારે 91 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા છે. તેઓ હિન્દી ફિલ્મોમાં સહાયક ભૂમિકાઓ માટે જાણીતા છે. અચ્યુત પોતદાર આમિર ખાનની ફિલ્મ ‘3 ઇડિયટ્સ’માં પ્રોફેસરની ભૂમિકા ભજવી હતી. ફિલ્મમાં તેમનો એક પ્રખ્યાત ડાયલોગ હતો, ‘હે કહેના ક્યા ચાહતે હો?’ આ ડાયલોગ ફિલ્મ પછી ખૂબ જ લોકપ્રિય થયો હતો. અચ્યુત પોતદારને 18 ઓગસ્ટના રોજ, તેમને મુંબઈના થાણેની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. અભિનેતા વય સંબંધિત રોગોથી પીડાતા હતા. તેમના અંતિમ સંસ્કાર આજે કરવામાં આવશે.
અચ્યુત પોતદારે આ દુનિયાને કહ્યું અલવિદા
અચ્યુત પોતદાર ટેલિવિઝન અને બોલિવૂડના જાણીતા અભિનેતા હતા. અભિનેતાના મૃત્યુના સમાચારથી તેમના ચાહકોમાં શોકની લાગણી છવાઈ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, તેમણે હિન્દી સિનેમા ઉપરાંત મરાઠી ઉદ્યોગમાં પણ પોતાની ઓળખ બનાવી હતી. તેઓ એક અનુભવી કલાકાર હતા જે પોતાના અભિનયથી લોકોના દિલ કેવી રીતે જીતવા તે જાણતા હતા.
અચ્યુત પોતદારે 125 થી વધુ ફિલ્મોમાં કર્યું કામ
અચ્યુત પોતદારે તેમની અભિનય કારકિર્દીમાં 125 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. આમાં હિન્દી, મરાઠી અને અન્ય ભાષાઓની ફિલ્મોનો સમાવેશ થાય છે. આ અભિનેતા ‘અર્ધ સત્ય’, ‘તેજાબ’, ‘દિલવાલે’, ‘વાસ્તવ’, ‘પરિણીતા’, ‘દબંગ’, ‘3 ઇડિયટ્સ’ અને ‘લગે રહો મુન્ના ભાઈ’ જેવી ફિલ્મો માટે જાણીતા છે.

તેમણે આમિર ખાન અભિનીત ફિલ્મ ‘3 ઇડિયટ્સ’ માં પ્રોફેસરની ભૂમિકા ભજવી હતી. ફિલ્મ ‘અરે કહેના ક્યા ચાહતે હો’ નો તેમનો સંવાદ ખૂબ પ્રખ્યાત થયો હતો. આજે પણ મોટાભાગના લોકો તેમને આ સંવાદથી ઓળખે છે. ફિલ્મમાં તેમનો રોલ નાનો પણ રમુજી હતો.
તેમણે સેનામાં પણ કામ કર્યું હતું
અચ્યુત પોતદારે મધ્યપ્રદેશમાં પ્રોફેસર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેમણે ભારતીય સેનામાં કેપ્ટન તરીકે દેશની સેવા કરી. ઘણા વર્ષો સુધી દેશની સેવા કર્યા પછી, તેઓ 1967 માં સેનામાંથી નિવૃત્ત થયા. ત્યારબાદ, તેમણે લગભગ 25 વર્ષ સુધી ઇન્ડિયન ઓઇલમાં એક્ઝિક્યુટિવ તરીકે કામ કર્યું.
અચ્યુત પોતદારે 44 વર્ષની ઉંમરે અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો. 80ના દાયકામાં તેઓ મોટા પડદા પર હિટ રહ્યા. ફિલ્મો પછી, તેઓ ટીવીની દુનિયામાં પ્રવેશ્યા. ટીવી પર, તેમણે ‘વાગલે કી દુનિયા’, ‘શ્રીમતી તેંડુલકર’, ‘માઝા હોશીલ ના’ અને ‘ભારત કી ખોજ’ જેવા શોમાં કામ કર્યું. ભલે તે નાનો હોય કે મોટો, તેઓ દરેક પાત્રમાં પોતાને કેવી રીતે ઢાળવો તે જાણતા હતા.
