જયપુરમાં CM ભજનલાલ શર્માના કાફલા સાથે કાર અથડાતાં સર્જાયો અકસ્માત : 9 લોકો ઘાયલ, 2ની હાલત નાજુક
રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માના કાફલાને અકસ્માતનો નડ્યો હતો. જયપુરમાં બુધવારે બપોરે થયેલા આ અકસ્માતમાં કાફલામાં તૈનાત સુરક્ષાકર્મીઓ સહિત 9 લોકો ઘાયલ થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘાયલોમાં બેની હાલત નાજુક છે, જેમને ICUમાં ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ પોલીસે ઘટનાસ્થળે પહોંચી અકસ્માત સર્જેલી કારોને રસ્તા પરથી હટાવી ટ્રાફિકને સુચારૂ રીતે ચાલુ કરાવ્યો હતો. કાફલામાં વાહનને ટક્કર મારનાર કારનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, સીએમ ભજનલાલે ટ્રાફિક પોલીસને તેમના કાફલાની અવરજવર દરમિયાન સામાન્ય લોકોને ન રોકવાની સૂચના આપી હતી. આવી સ્થિતિમાં સીએમ જ્યારે રવાના થયા ત્યારે રોંગ સાઈડથી આવી રહેલું વાહન તેમના કાફલામાં ઘુસી ગયું અને સુરક્ષાકર્મીઓના વાહનને ટક્કર મારી. જેમાં 5 સુરક્ષાકર્મીઓ સહિત 9 લોકો ઘાયલ થયા હતા. આમાંથી બે સુરક્ષા કર્મચારીઓની ગંભીર હાલતને જોતા તેમને આઈસીયુમાં ખસેડવામાં આવ્યા છે. મુખ્યમંત્રી પોતે ઘાયલોને હોસ્પિટલમાં લઈ ગયા અને સારવાર માટે દાખલ કર્યા.
મુખ્યમંત્રી કાર્યાલયના એક અધિકારીએ પીટીઆઈને જણાવ્યું હતું કે અકસ્માત એનઆરઆઈ સર્કલ પાસે થયો હતો, જ્યારે મુખ્યમંત્રીના કાફલામાં એક વાહન કારને અથડાતા ટાળવાના પ્રયાસમાં રોડ ડિવાઈડર સાથે અથડાયું હતું. તેમણે કહ્યું કે મુખ્યમંત્રીએ તેમની કાર રોકી અને ઘાયલોને હોસ્પિટલ લઈ ગયા હતા.
તેમણે કહ્યું, “CMનો કાફલો હંમેશની જેમ આગળ વધી રહ્યો હતો અને ત્યાં કોઈ ટ્રાફિક સ્ટોપ ન હતો. આ દરમિયાન અકસ્માત થયો હતો. મુખ્યમંત્રીએ મામલાની માહિતી લીધી અને એમ્બ્યુલન્સ આવવાની રાહ જોઈને સમય બગાડવાને બદલે ગંભીર રીતે ઘાયલ વ્યક્તિને પોતાના વાહનમાં હોસ્પિટલમાં લઈ ગયા હતા.