દિલ્હીમાં ચૂંટણી પહેલા આપમાં ભંગાણ : ૭ ધારાસભ્યોએ પક્ષ છોડ્યો
બધાનો એક જ સૂર : પક્ષમાં ઈમાનદારી રહી નથી અને લોકો ત્રાસી ગયા છે
દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. આમ આદમી પાર્ટીના સાત ધારાસભ્યોએ પાર્ટીના પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપી દીધું છે. આમાં ત્રિલોકપુરીના ધારાસભ્ય રોહિત મેહરૌલિયા, જનકપુરીના ધારાસભ્ય રાજેશ ઋષિ, કસ્તુરબા નગરના ધારાસભ્ય મદનલાલ, પાલમના ધારાસભ્ય ભાવના ગૌર, મહેરૌલીના ધારાસભ્ય નરેશ યાદવ, આદર્શ નગર બેઠક પરથી પવન શર્મા અને બિજવાસન બેઠક પરથી ધારાસભ્ય બીએસ જૂનનો સમાવેશ થાય છે.
ધારાસભ્યોએ પોતાના પત્રમાં કહ્યું છે કે આમ આદમી પાર્ટી જે ઈમાદાર વિધારધારા પર ટકી રહી હતી, તે વિચારધારાથી સંપૂર્ણ પણે પાર્ટી ભટકી ગઈ છે. આમ આદમી પાર્ટીની આ દુર્દશા જોઈને મન ખૂબ દુખી છે.
મેહરૌલિયા ધારાસભ્ય નરેશ યાદવે લખ્યું છે કે હું આમ આદમી પાર્ટી ઈમાનદારીની રાજનીતિ માટે જોડાયો હતો, પરંતુ આજે ક્યાંય ઈમાનદારી નથી દેખાતી.
નરેશ યાદવે કહ્યું કે વિસ્તારની જનતાએ મને કહ્યું કે આ પાર્ટી છોડવી જોઈએ, કારણ કે તેમણે લોકો સાથે દગો કર્યો છે. આમ આદમી પાર્ટીમાં અમુક જ લોકો ઈમાનદારીની રાજનીતિ વાળા છે. માત્ર તેમની સાથે જ મારી મિત્રતા રહેશે.
કસ્તુરબા નગર ધારાસભ્ય મદનલાલે પોતાના રાજીનામામાં લખ્યું કે મારો આમ આદમી પાર્ટી પરથી સંપૂર્ણપણે વિશ્વાસ તૂટી ગયો છે, એટલા માટે હું પાર્ટીથી રાજીનામું આપી રહ્યો છું.
ત્રિલોકપૂરી ધારાસભ્ય રોહિત મહેરૌલિયાએ રાજીનામું આપતા X પર લખ્યું કે જેમને બાબાસાહેબ આંબેડકરની માત્ર ફોટો જોઈએ, તેમના વિચાર નહીં. એવામાં આજથી આવા બનાવટી લોકો સાથેનો મારો સંબંધ પૂરો થઈ ગયો છે.
જનકપુરીના ધારાસભ્ય રાજેશ ઋષિએ રાજીનામું આપતાં X પર લખ્યું કે પાર્ટી કરપ્શન અને ભત્રીજાવાદનો ખાડો બની ગઈ છે, જેઓ અખંડિતતાના રક્ષક બનવાના હતા તેઓ તેના સૌથી મોટા ઉલ્લંઘન કરનારા બની ગયા છે, હું હવે એવા સંગઠનનો ભાગ રહી શકતો નથી જેણે પોતાનો નૈતિકતા ગુમાવી દીધી હોય.