26/11ના મુંબઈ હુમલાની જેમ દિલ્હીને હચમચાવાનું ખૌફનાક ષડયંત્ર રચ્યું’તું : લાલ કિલ્લો, ઇન્ડિયા ગેટ,ગૌરી શંકર મંદિર હતા નિશાન પર
દિલ્હી બ્લાસ્ટ કેસની તપાસ દરમિયાન અનેક ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. તપાસની અધિકારીઓની આખરી પૂછપરછ દરમિયાન ડો. મુઝમ્મિલે વટાણા વેરી દીધા હતા. બહાર આવેલી વિગત મુજબ આતંકવાદીઓ 26/11ના મુંબઈ હુમલાની જેમ દિલ્હીમાં શ્રેણીબદ્ધ હુમલાઓ કરવા માંગતા હતા.એ માટે રાષ્ટ્રીય રાજધાનીના હૃદયમાં ટોચના સ્થળો, જેમાં લાલ કિલ્લો, ઈન્ડિયા ગેટ, કોન્સ્ટિટ્યુશન ક્લબ અને ગૌરી શંકર મંદિરને પસંદ કરવામાં આવ્યા હતા. તે ઉપરાંત દેશભરના રેલ્વે સ્ટેશનો અને શોપિંગ મોલ પર હુમલાનું આયોજન હતું.
અત્રે એ યાદ કરવું આવશ્યક છે કે 26 નવેમ્બર, 2008 ના રોજ મુંબઈ હુમલા દરમિયાન, તાજમહેલ હોટેલ, ઓબેરોય ટ્રાઇડેન્ટ હોટેલ, છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને લિયોપોલ્ડ હોસ્પિટલ સહિત 12 સ્થળોએ એકસાથે ગોળીબાર અને બોમ્બ વિસ્ફોટ થયા હતા.
દિલ્હીમાં આ કાવતરું જાન્યુઆરીથી ચાલી રહ્યું હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે પાકિસ્તાન સ્થિત જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલું આ આતંકવાદી મોડ્યુલ મહિનાઓથી હુમલાની યોજના બનાવી રહ્યું હતું. આ જૂથ 200 શક્તિશાળી ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) અથવા સરળ શબ્દોમાં કહીએ તો બોમ્બ તૈયાર કરી રહ્યું હતું, જેથી માત્ર દિલ્હી જ નહીં પરંતુ ગુરુગ્રામ અને ફરીદાબાદમાં પણ હાઇ-પ્રોફાઇલ વિસ્તારોને નિશાન બનાવી શકાય.
આ પણ વાંચો :ચૂંટણીફંડનાં નામે 2500 કરોડનાં કાળા-ધોળા : NCP અને જનતા પર ITના દરોડા,કરોડોની કરચોરી પકડાઈ તેવી શંકા
સૂત્રોએ જણાવ્યું કે આતંકવાદીઓ ધાર્મિક સ્થળોને નિશાન બનાવીને સાંપ્રદાયિક તણાવ ભડકાવવાનું કાવતરું ઘડી રહ્યા હતા, અને ઉમેર્યું હતું કે જમ્મુ અને કાશ્મીરના પુલવામા, શોપિયા અને અનંતનાગના કેટલાક કટ્ટરપંથી ડોકટરોને તેમના “વ્હાઇટ કોલર” કવરને કારણે આ કામ માટે પસંદ કરવામાં આવ્યા હતા. તેમણે ટૂંક સમયમાં ફરીદાબાદમાં પોતાનો બેઝ સ્થાપિત કરી લીધો હતો.
ડોક્ટર હોવાને કારણે, તેઓ શંકા કર્યા વિના NCRમાં સરળતાથી ફરી શકતા હતા. ત્યારબાદ તેઓએ વિસ્ફોટકોનો સંગ્રહ કરવા માટે ધૌજ અને ફતેહપુર ટાગા વિસ્તારોમાં રૂમ ભાડે લીધા હતા જ્યાં તેમની આ પ્રવૃત્તિઓ ચાલતી હતી.
દિવાળીનો હુમલો રદ થયો, 26જાન્યુ.એ કરે એ પહેલા પકડાઈ ગયા
ડોક્ટર ડો. મુઝમ્મિલની આખરી પૂછપરત દરમિયાન સામે આવેલી વિગત મુજબ દિવાળી પર ભીડભાડવાળી જગ્યાએ હુમલો કરવાની તેમની યોજના હતી, પરંતુ તે આયોજન અમલમાં મૂકી શકાયું નહીં.આતંકવાદીઓએ આગામી 26મી જાન્યુઆરીએ હુમલો કરવાનું પણ આયોજન કર્યું હતું અને તે માટે તેણે અને ઉમરે લાલ કિલ્લાની રેકી કરી હતી.જો કે તે પહેલા જ સુરક્ષા એજન્સીઓએ ત્રાટકીને આ મોડ્યુલમાં સામેલ તમામ લોકોની ધરપકડ કરી લેતા આ ષડયંત્ર નિષ્ફળ ગયું છે.
ગભરાઈ જવાને કારણે ભૂલથી આકસ્મિક વિસ્ફોટ થયાની સંભાવના
ટોચના ગુપ્તચર સૂત્રોએ એક પ્રસાર માધ્ય્મને જણાવ્યા મુજબ હતું કે વિસ્ફોટ સ્થળના પ્રારંભિક મૂલ્યાંકનમાં
વિસ્ફોટકો લઈ જતી વખતે ભૂલને કારણે આકસ્મિક વિસ્ફોટ થયો હોવાની સંભાવના તેજ બની છે. એ સામગ્રીના સ્થળાંતર અથવા તો તેનો નિકાલ કરવાના પ્રયત્નમાં વિસ્ફોટ થયો હોઈ શકે તેવું તપાસનીશ અધિકારીઓનું માનવું છે.સૂત્રોના માનવા મુજબ ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) ને અયોગ્ય રીતે એસેમ્બલ કર્યું હોય તેવું લાગે છે, જેના કારણે IED ની મર્યાદિત અસર થઈ હતી.વધુ પુરાવાઓ આકસ્મિક વિસ્ફોટ તરફ ઈશારો કરે છે કારણ કે ત્યાં કોઈ બ્લાસ્ટ ક્રેટર નહોતું અને સ્થળ પર કોઈ પ્રોજેક્ટાઇલનો અભાવ હતો. તપાસકર્તાઓ માને છે કે શંકાસ્પદો, ગભરાટમાં, મહત્તમ નુકસાન માટે IED ને હથિયાર બનાવી શક્યા નહીં.
