બેન્ક ખાતા ભાડે આપી ‘કમાણી’ કરવાનો ધીકતો ધંધોઃ 6 દિવસમાં 215 પકડાયા
`ઓપરેશન મ્યુલ હન્ટ’ હેઠળ હજુ અનેક ગુના દાખલ કરી ધરપકડ કરાશેઃ ડીજીપી વિકાસ સહાય
365 લોકો સામે ફરિયાદઃ સાયબર ગુનેગારોને એકાઉન્ટ ભાડે આપ્યા બાદ મામૂલી કમિશનની લ્હાયમાં કરોડો રૂપિયાની હેરાફેરીના નિમિત્ત બનનારા લોકો પોલીસને ઝપટે ચડ્યા
સાયબર છેતરપિંડી ઉપર જનોઈવઢ ઘા કરી મુળ સુધી પહોંચવા માટે મથી રહેલી ગુજરાત પોલીસને મહત્ત્વની સફળતા સાંપડી રહી છે. સાયબર માફિયાઓ દ્વારા અવનવા કીમિયા અખત્યાર કરીને લોકોને છેતરવામાં આવે છે અને ત્યારપછી તેમના પાસેથી લાખો-કરોડો રૂપિયા ઉસેડી લઈને તે પૈસા ભાડે લીધેલા બેન્ક એકાઉન્ટમાં જમા કરાવી ચાંઉ કરી જવામાં આવતા હોવાનું ધ્યાન પર આવતાં જ પોલીસે ઓપરેશન મ્યુલ હન્ટ' શરૂ કરી છ દિવસમાં જ 215 લોકોની ધરપકડ કરી હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.
રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા સહિતના મુખ્ય શહેરો ઉપરાંત જે-તે જિલ્લામાં પણ આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. ખાસ કરીને પોતાનું બેન્ક એકાઉન્ટ કમાણી કરવાના આશયથી સાયબર માફિયાઓને સોંપી દેવામાં આવતું હોવાથી આવા લોકો સામે પોલીસે ગુના નોંધી ધરપકડ કરવાનું શરૂ કર્યું છે.
છ દિવસથી ચાલી રહેલી આ કાર્યવાહી દરમિયાન 365 લોકો સામે ફરિયાદ નોંધી 215ની ધરપકડ કરી લેવામાં આવી હોવાનું રાજ્યના પોલીસવડા વિકાસ સહાયે એક્સ ઉપર જણાવ્યું હતું. હજુ આવનારા દિવસોમાં પણઓપરેશન મ્યુલ હન્ટ’ વધુ જોર પકડશે અને દરેક સ્તરના માફિયાઓ સુધી પહોંચી તેમની ધરપકડ કરવામાં આવશે. સાયબર માફિયાઓ એકાઉન્ટ ભાડે આપનાર ધારકને મામૂલી કમિશન જેવું કે એકથી દસ હજાર રૂપિયા ચૂકવી પોતે લાખો-કરોડો રૂપિયા ઉપાડી ઘરભેગા કરી દેતા હોવાનું જાણતા હોવા છતાં લોકો લાલચમાં આવીને બેન્ક એકાઉન્ટ ભાડે આપી રહ્યા હોવાથી પોલીસે મુળમાં ઘા કરી આવા લોકોને પકડ્યા છે. હવે એકાઉન્ટ ભાડે મેળવવા માટે સર્ચ ઓપરેશન ચલાવનાર લોકોને પકડવામાં આવશે. એકંદરે આખેઆખી ચેઈનને તોડી પાડવા માટે પોલીસ અત્યારે મથી રહી છે.
