વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો : ઇન્સ્ટાગ્રામમાં પરિચય કેળવી નરાધમે 13 વર્ષની સગીરા પર બે વાર દુષ્કર્મ આચર્યું
નાની ઉંમરના બાળકોમાં વધતો જતો સોશિયલ મીડિયાનો ઉપયોગ એ ખરેખર સમાજ માટે લાલબત્તી સામાન છે. શહેરમાં રહેતી 13 વર્ષની સગીરા સાથે ઈન્સ્ટાગ્રામ મારફતે પરિચય કેળવ્યા બાદ તેણીને મળવા માટે બોલાવી નરાધમે તેની સાથે બે વાર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બનતાં જ ચકચાર મચી જવા પામ્યો હતો. બનાવ અંગે પોલીસે પોક્સો સહિતની કલમના આધારે આરોપીને દબોચી લીધો છે.
બનવાની વિગતો મુજબ, ભોગ બનનારાના પિતાએ ભક્તિનગર પોલીસ મથકમાં આરોપી મીત મનીષભાઈ ચુડાસમા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, મંગળવારે બપોરે ત્રણ વાગ્યે તે ઘરે જમવા માટે ગયેલા ત્યારે તેમની 13 વર્ષની દીકરી ઘરે હાજર હોય જે તેમને કહીને બહાર શેરીમાં આવેલી કેબિનમાં નાસ્તો લેવા માટે ગઈ હતી. જે બાદ ફરિયાદી પાછા પોતાના કામે ચાલ્યા ગયા હતા. રાત્રિના 9 વાગ્યા આસપાસ ફરિયાદીને પત્નીએ ફોન કરીને જણાવેલ કે, તમે પોલીસ મથકે આવો જ્યાં પત્નીએ કહ્યું હતું કે 13 વર્ષની પુત્રી બપોરે ભાગ લેવાનું કહી મોડે સુધી ઘરે ન આવતાં અને તે ઘર પાસેથી જ કોઈ યુવક ભેગી બાઈકમાં બેસીને જતી હોય જેને નાની 11 વર્ષની દિકરી જોઈ જતા મને જણાવેલ હતું. જેથી તેણે આજુબાજુ તપાસ કરી પણ સગીરા ક્યાય જોવા મળેલ નહીં અને રાત્રે ૭વાગ્યા આસપાસ તે ઘરે આવી હતી.
ઘરે આવતાં જ માતાએ તેણીને ક્યાં ગઈ હતી ? તેવું પૂછતાં બહેનપણીના ઘરનું જણાવેલ જેથી માતાએ રૂબરૂ નામ આપેલ બહેનપણીના ઘરે તપાસ કરતા સગીરા ત્યાં નહીં આવી હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ ફરી માતાએ સગીરાને પૂછતા તેણે જણાવેલ કે, છેલ્લા 20 દિવસથી આરોપી મીત મનીષભાઈ ચુડાસમા સાથે મિત્રતા થયેલી હોય જેથી ગત તારીખ 4/5/25ના પણ આરોપી તેને ટુ વ્હીલરમાં બેસાડી પોતાના ઘરે લઈ ગયેલો હતો જ્યાં લગ્ન કરવાનું કહી શરીર સબંધ બાંધ્યો હતો. અને જે બાદ આજે પણ તે ફરી તેના ઘરે લઈ ગયો અને ફરી લગ્ન કરવાનું કહી શરીર સબંધ બાંધેલો હતો. ઘટના અંગે ભક્તિનગર પોલીસે પોક્સો સહિતની કલમના આધારે ગુન્હો નોંધી આરોપીની ધરપકડ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.