ઉત્તરકાશી : સુરંગમાંથી મજૂરોને કાઢવા આડે નવા પડકાર, શું થયું ? જુઓ
ઉત્તરકાશીમાં સુરંગમાં ફસાઈ ગયેલી મજૂરોની જિંદગી આગળ અનેક પડકારો આવી રહ્યા છે અને મુશ્કેલી વધી રહી છે. પહેલા મશીન બંધ પડી ગઈ હતી અને હવે મોસમ વિલન બની રહ્યું છે. હવામાન વિભાગએ ઉત્તરાખંડ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે અને ભારે વરસાદની સાથે હિમવર્ષાની પણ ચેતવણી આપી છે જેના પગલે બચાવ કામગીરીમાં વધુ મુશ્કેલી ઉભી થઈ શકે છે. હવે સેનાને મદદ માટે ઊતરવામાં આવી છે.
ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાના સિલ્ક્યારામાં ટનલમાં ફસાયેલા 41 મજૂરોને બચાવવાની કામગીરી માટે ઓપરેશન ચાલી રહ્યું છે જેનો આજે 15મો દિવસ છે ત્યારે ઓવરેશનમાં ડ્રિલિંગ માટે ઉપયોગમાં લેવાતા ઓગર મશીનમાં વારંવાર સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે હવે વધુ એક મુશ્કેલીનો ખતરો મંડરાઈ રહ્યો છે જેમાં ભારતીય હવામાન વિભાગે ઉતરાંખડમાં યલો એલર્ટ જાહેર કર્યું છે અને રાજ્યમાં ભારે વરસાદની સાથે હિમવર્ષાની પણ ચેતવણી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ દિવસથી 80 સે.મી.ના વ્યાસની છેલ્લી 10 મીટરની પાઇપ નાખવાની કામગીરી કરવામાં આવી નથી. હજૂ પણ મજૂરોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે કેટલાક પડકારોનો સામનો કરવો પડી શકે છે.
સુત્રોમાંથી મળતા અહેવાલ મુજબ ઓગર મશીનની બ્લેડ કાટમાળમાં ફસાઈ ગઈ હોવાથી બચાવ કાર્યનું કામ ખોરવાઈ ગયું છે અને હવે અન્ય વિકલ્પો પર વિચાર કરવામાં આવી રહ્યો છે. આ પહેલા શુક્રવારે લગભગ આખો દિવસ ડ્રિલિંગનું કામ ખોરવાયું હતું, અને આંતરરાષ્ટ્રીય નિષ્ણાત આર્નોલ્ડ ડિક્સે જણાવ્યું હતું કે ઓગર મશીન ખરાબ થઈ ગઈ હોવાથી કામગારી બંધ કરવામાં આવી છે. આ તરફ જ્યારે એક બાજુ બચાવ કાર્યમાં સતત સમસ્યા આવી રહી છે ત્યારે હવામાન વિભાગે વરસાદ અને હિમવર્ષાની આગાહી કરતા ચિંતામાં વધારો કર્યો છે. હિમવર્ષાને કારણે વીજળી ખોરવાઈ જવાની શક્યતા વધી જશે તેમજ ભારે વરસાદથી ભૂસ્ખલન થવાની પણ ભીતિ સેવાઈ રહી છે.