રાજકોટમાં પરપ્રાંતીયનું ઢીમ ઢાળી દેવાયું : ખુલ્લા પ્લોટમાંથી માથા-કપાળ પર ત્રણ ઘા મારેલી હાલતમાં મૃતદેહ મળ્યો
રાજકોટમાં હત્યાની વધુ એક ઘટના પોલીસ ચોપડે નોંધાઈ હતી જેમાં નાનામવા બાલાજી હોલ પાસે આવેલા ચંદ્રેશનગર ખીજડાવાળા રોડ પર ખુલ્લા પ્લોટમાંથી પરપ્રાંતીય યુવકનું ઢીમ ઢાળી દેવામાં આવ્યું હતું. આ હત્યાને અંજામ આપનારા શંકાસ્પદ શખસને સકંજામાં લઈ માલવિયાનગર પોલીસ મથકે આગળની તપાસ આદરી હતી.
આ અંગે અવધેશ દૂધનાથ રાજભર (ઉ.વ.40) એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તે છેલ્લા પંદર વર્ષથી મેટોડા જીઆઈડીસીમાં આવેલા શિવાસાંઈ બેરિંગ નામના કારખાનામાં મજૂરી કામ કરે છે. જ્યારે મૃતક રાજેશ ઉર્ફે રાજુ કે જેની હત્યા કરાઈ તે દસ વર્ષથી રાજકોટમાં રહી ફેબ્રીકેશનને લગતું મજૂરી કામ કરતો હતો અનેહાલ મવડી ચોકડી પાસે રૂમ ભાડે રાખીને રહેતો હતો.
આ પણ વાંચો : જસદણના ઘેલા સોમનાથ મંદિરમાં મહાપુજા મામલે વિવાદ : ભટ્ટ પરિવારે બાળકો સહિતના સભ્યો દ્વારા અનસન શરૂ
દરમિયાન શુક્રવારે સવારે અવધેશના ફોન ઉપર પોલીસનો ફોન આવ્યો હતો કે તેના ભાણેજ રાજેશ ઉર્ફે રાજુનો મૃતદેહ મળ્યો છે.આ ફોન આવતા જ અવધેશ અને તેનો ભત્રીજો સ્થળ પર દોડી આવ્યા હતા. અહીં શુક્રવારે સવારે દસ વાગ્યે પહેલાં રાજેશ ઉર્ફે રાજુને માથા તેમજ કપાળ પર બોથડ પદાર્થના ત્રણ ઘા મારી હત્યા કરાઈ હોવાનું ધ્યાન પર આવતાં અવધેશ સ્થળ પર જ રડી પડયો હતો.
બીજી બાજુ માલવિયાનગર પોલીસ મથક, ક્રાઈમ બ્રાન્ચ, એલસીબી સહિતે આરોપીને પકડવા દોડધામ શરૂ કરી હતી જેમાં માલિવયાનગર પોલીસ મથકે એક શંકાસ્પદને ઉઠાવી લઈ આગવી ઢબે પૂછપરછ કરી હતી. આ ડખ્ખો દારૂની પાર્ટી કર્યા બાદ થયો હોવાનું પ્રાથમિક અનુમાન છે.
