ખેતીની જમીનના ભાગલામાં પરણેલી દીકરીનો પણ ભાગ ગણાય’- સુપ્રીમ કોર્ટ
ખેતીની જમીનના વારસામાં પરિણીત મહિલાઓ સાથે કોઈ ભેદભાવ ન હોવો જોઈએ.
ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જેબી પારડીવાલા અને મનોજ મિશ્રાની બેન્ચે આપ્યો મહત્વનો ચૂકાદો
ખેતીની જમીનના વારસામાં પરિણીત મહિલાઓ સાથે કોઈ ભેદભાવ ન હોવો જોઈએ. તેમને વારસો પણ મળવો જોઈએ તેવું સુપ્રિમ કોર્ટે એક મહત્વનાં ચુકાદામાં જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બનેલી બેન્ચે આ અંગેની પીઆઈએલની નોંધ લીધી છે. પિટિશનમાં ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના કૃષિ જમીન વારસાના કાયદાને પડકારવામાં આવ્યો છે અને આક્ષેપ કરવામાં આવ્યો હતો કે પરિણીત મહિલાઓ સામે ભેદભાવપૂર્ણ જોગવાઈઓ છે. ઉત્તર પ્રદેશ રેવન્યુ કોડ, 2006 અને ઉત્તરાખંડ જમીન કાયદામાં મહિલાઓને વારસાગત ખેતીની જમીન સંબંધિત જોગવાઈઓ બંધારણની કલમ 14 અને 15નું ઉલ્લંઘન કરતી હોવાનું કહેવાય છે.
કોર્ટે કેન્દ્ર સરકાર ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ સરકારને ચાર અઠવાડિયામાં જવાબ આપવા નોટિસ ફટકારી છે. આગામી સુનાવણીની તારીખ 10 ડિસેમ્બર નક્કી કરવામાં આવી છે. રેવન્યુ કોડની કલમ 108 અને 110ની જોગવાઈઓમાં અપરિણીત દીકરીઓને પ્રાથમિકતા આપવામાં આવી છે. એવું કહેવામાં આવ્યું છે કે અપરિણીત પુત્રીને તેના માતા-પિતાની ખેતીની જમીનનો વારસો મળશે અને પરિણીત પુત્રીને ખેતીની જમીનમાં કોઈ વારસાનો હક્ક રહેશે નહીં.
તેને મહિલાઓના અધિકારો અને સ્વતંત્રતાઓનું ઉલ્લંઘન ગણાવીને અરજીમાં ભારપૂર્વક જણાવવામાં આવ્યું હતું કે લગ્ન સ્ત્રીના વારસાના અધિકારોને સમાપ્ત કરવાનું કારણ ન હોવું જોઈએ. કલમ 110 હેઠળ, વિધવાના પુનઃલગ્ન એ ખેતીની જમીન પરના તેના અધિકારને સમાપ્ત કરે છે. પુનર્લગ્ન એ સ્ત્રીના મૃત્યુ સમાન ગણાય છે અને પુનર્લગ્ન કરવાથી વિધવાનો ખેતીની જમીન પરનો અધિકાર આપોઆપ સમાપ્ત થઈ જાય છે. અરજીમાં તેને મહિલાઓના બંધારણીય અધિકારો પર અતિક્રમણ અને ગેરબંધારણીય ગણાવવામાં આવ્યું છે.
રેવન્યુ કોડની કલમ 109 એ જોગવાઈ કરે છે કે જો કોઈ મહિલાને ખેતીની જમીન વારસામાં મળે છે અને તે ફરીથી લગ્ન કરે છે, તો તે તેના અધિકારને સમાપ્ત કરે છે. પુરુષો માટે આવી કોઈ જોગવાઈ નથી. અરજીમાં એવી દલીલ કરવામાં આવી છે કે લગ્નનો અધિકાર એ મૂળભૂત અધિકાર છે અને વારસાના અધિકારો સાથે ચેડા ન કરવા જોઈએ. પુરુષના લગ્ન પર વારસામાં મળેલી ખેતીની જમીન પર કોઈ અસર પડતી નથી, જ્યારે દીકરીના લગ્ન પર તેની જમીન પરની માલિકી સમાપ્ત થઈ જાય છે. જો કોઈ સ્ત્રીને તેના પતિની ખેતીની જમીન વારસામાં મળે છે અને તે પછી મૃત્યુ પામે છે, તો તે જમીન સ્ત્રીના પોતાના પરિવારના સભ્યોને બદલે પતિના વારસદારોને વારસામાં મળે છે.