ભૂગર્ભમાં ઉથલપાથલને કારણે હિમાલયમાં આવી શકે છે મોટી આફત, વાંચો
ભારતીય ટેક્ટોનિક પ્લેટ યુરેશિયન પ્લેટની નીચે જઈ રહી છે. જેના દબાણને કારણે તેના બે ટુકડા થઈ ગયા છે.
અત્યારના સમયમાં ભૂગર્ભમાં મોટી હલચલ ચાલી રહી છે અને આગામી દિવસોમાં હિમાલયમાં મોટો ભૂકંપ આવી શકે છે.
ભારતીય ટેકટોનિક પ્લેટ અને યુરેશિયન પ્લેટ વચ્ચેની અથડામણ 60 મિલિયન વર્ષો પહેલા શરૂ થઈ હતી. પહેલા ભારત એક ટાપુ હતો. પરંતુ જમીનની નીચેની મોટી મોટી જમીનો જ્યારે એકબીજા સાથે અથડાઈ ત્યારે હિમાલયની રચના થઈ. અને ત્યારે જ ભારતની પણ ઉત્પત્તિ થઈ. આ જ રીતે જમીન ઉપર ઘણી જગ્યાઓ અસ્તિત્વમાં આવી અને આ જ રીતે હિમાલય પણ રચાયો અને પછી ધીરે ધીરે હિમાલયની અંદર રહસ્યો રચાતા રહ્યા.
વૈજ્ઞાનિકોનું માનવું છે કે ભારતીય ટેક્ટોનિક પ્લેટ યુરેશિયન પ્લેટની નીચે જઈ રહી છે. જેના દબાણને કારણે તેના બે ટુકડા થઈ ગયા છે. આને ડિલેમિનેશન કહેવામાં આવે છે. પરંતુ ઉપરનો ભાગ એટલે કે કે યુરેશિયન પ્લેટ મોટી થઈ રહીછે. જેના કારણે હિમાલયની ઊંચાઈ વધી રહી છે.
યુટ્રેચ યુનિવર્સિટીના પ્રોફેસર જિયોડાયનેમિસ્ટ ડ્યુવ વાન હિન્સબર્ગન કહે છે કે જમીનની અંદર બે ખંડો એકબીજા સાથે કેવી રીતે વર્તે છે એટલે કે બે ખંડોની જમીન કેવી રીતે એકબીજા સાથે અથડાય છે કે પછી કોઈ ઘટના કે જમીનની અંદર બને છે તેના વિશે અમે કંઈ જ જાણી શક્યા નથી. પરંતુ આ એક ખૂબ જ ડરામણી અને આઘાતજનક બાબત છે. જો આવી અથડામણો સતત ચાલતી રહે તો હિમાલયમાં ઘણા મોટા પ્રમાણમાં ભૂકંપ આવી શકે છે.
મોનાશ યુનિવર્સિટીના પ્રોફેસર જીઓડાયનેમિસ્ટ ફેબિયો કેપિટાનોએ કહ્યું હતું કે આ માત્ર એક ટ્રેલર છે. સંપૂર્ણ ફિલ્મની તો આપણે કલ્પના જ ના કરી શખીએ. અમે અભ્યાસ કરી રહ્યા છીએ. જેથી આપણે શક્ય તેટલી વધુ માહિતી એકઠી કરી શકીએ. અમે ભૂસ્તરશાસ્ત્રીય અસ્થિરતાનો અભ્યાસ કરી રહ્યા છીએ. હાલમાં અમે સૌથી મોટી ટેક્ટોનિક પ્લેટ પર કામ કરી રહ્યા છીએ. આમ તો જો કે ક્યારેય કોઈ પ્લેટ બે ભાગમાં તૂટી ગઈ હોય તેવું જોવા મળ્યું નથી. પરંતુ હાલમાં આવતા ભૂકંપને જોઈને એવું સમજાય છે કે જમીનની અંદર ઘણી મોટી હલચલ થઈ રહી છે.
એરિઝોના યુનિવર્સિટીના ભૂસ્તરશાસ્ત્રી પીટર ડેસેલેસે જણાવ્યું હતું કે જો ભારતીય પ્લેટના ભંગાણનો યોગ્ય રીતે અભ્યાસ કરવો હોય તો આપણે હિમાલયની ઉત્પત્તિ પર નજર રાખવી પડે અને સંશોધન કરવું પડે અને હિમાલયની 2500 કિલોમીટર લાંબી રેન્જથી નીચે અભ્યાસ કરવો પડશે. જો કે એ કેટલા અંશે શક્ય છે તે તો સમય જ જણાવશે. કારણકે આ પ્લેટ કોઈ જગ્યાએ એકસરખી જાડાઈ કે પહોળાઈ ધરાવતી નથી. ત્યારે તેનો અભ્યાસ કરવો પણ એટલો જ અઘરો થઈ પડે છે.
આ જાણકારોએ કહ્યું કે, તિબેટમાં અનેક જગ્યાએ એવા જળ સ્ત્રોત છે જ્યાં હિલીયમ-૩ જોવા મળ્યું છે. દક્ષિણી તિબેટમાં ૧૦૦૦ કિલોમીટરમાં ફેલાયેલા ૨૦૦ પ્રાકૃતિક જળસ્ત્રોતનાં સેમ્પલ લેવામાં આવ્યા હતા અર્થાત જમીનમાંથી હિલીયમ બહાર આવી રહ્યું છે. ભારતીય પ્લેટ મેન્ટલ તરફ ગઈ છે એટલે આવું થઇ રહ્યુ છે અને ભારતીય પ્લેટ બે ટુકડામાં તૂટી રહી છે તે દર્શાવે છે.