થોડી મેઘરાજાની, થોડી નર્મદામૈયાની કૃપાથી રાજકોટનો આજી ડેમ છલોછલ ભરાયો : ન્યારી ડેમ હજુ અઢી ફૂટ ખાલી
રાજકોટ સહિત સમગ્ર જિલ્લામાં છેલ્લા બે દિવસથી ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે ત્યારે દર વર્ષની માફક આ વર્ષે પણ શહેરીજનોના સૌથી પ્રિય તેમજ પીવાનું પાણી પૂરું પાડવાનો મુખ્ય સ્ત્રોત એવો આજી ડેમ છલોછલ ભરાઈ ગયો છે. જો કે દર વર્ષે આ ડેમ વરસાદી પાણીથી છલકાઈ જાય છે પરંતુ આ વર્ષે થોડી કૃપા મેઘરાજાની રહી તો થોડી કૃપા નર્મદા મૈયાની રહેવા પામી હતી કેમ કે વરસાદ પૂરતો નહીં પડતાં મહાપાલિકા દ્વારા સરકાર પાસેથી સૌની યોજના મારફતે નર્મદાનું નીર મંગાવી તેના થકી ડેમ ભરવામાં આવ્યો હતો.
હજુ ગત મહિને જ નર્મદા નીરથી ડેમ ભરવામાં આવ્યો હતો પરંતુ ઉપરવાસમાં વરસાદ વરસતા વેચાતું પાણી બંધ કરી દેવામાં આવ્યું હતું. આ રીતે 125 MCFT પાણી વરસાદી પાણીની આવક થતા 29 ફૂટનો ડેમ છલોછલ ભરાઈ ચૂક્યો છે અને અત્યારે પવનની લહેરખી આવે એટલે પાણી ઓવરફ્લો થઈ જતું હોવાનું જાણવા મળ્યું હતું.
આ પણ વાંચો :આજથી રાજકોટમાં હેલ્મેટ (મગજમારી) ફરજિયાત! એક વાહન બીજીવાર પકડાય એટલે સીધો 1000 હજારનો ચાંદલો
હજુ વરસાદની શક્યતા હોવાથી પાણીની આવક થાય તેમ છે એટલા માટે જંગલેશ્વર સહિતના વિસ્તારોને ફાયરબ્રિગેડ દ્વારા માઈક થકી સાવચેત પણ કરવામાં આવી રહ્યા છે. બીજી બાજુ ન્યારી ડેમ હજુ અઢી ફૂટ ખાલી હોવાનું જાણવા મળ્યું છે. ખાસ કરીને સૌની યોજનાનું પાણી સરકાર પાસેથી વેચાતું લેવામાં આવી રહ્યું હોય આ પેટે 1470 કરોડથી વધુનું ચૂકવણું પણ બાકી છે.