ન્યુયોર્કની કોર્નેલ યુનિ.સાથે આજીવન સબંધ રહ્યો: લાખો ડોલરનું દાન કર્યું
દર વર્ષે 20 ભારતીય વિદ્યાર્થીઓને સ્કોલરશીપ
રતન ટાટાએ 1962માં ન્યૂયોર્ક ની પ્રખ્યાત કોર્નેલ યુનિવર્સિટીમાંથી આર્કિટેક્ચર એન્ડ સ્ટ્રક્ચરલ ડિઝાઇનિંગમાં સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરી હતી.
એ સંસ્થા સાથે તેમનો આજીવન સંબંધ રહ્યો હતો.
તેમણે એ સંસ્થાને કરોડોનું દાન આપ્યું હતું. કોર્નેલ યુનિવર્સિટીના સહયોગથી તેમણે ટાટા કોર્નેલ ઇન્સ્ટિટયૂટ ફોર એગ્રીકલ્ચર એન્ડ ન્યુટ્રીશન રિસર્ચ ઇન્સ્ટિટયૂટની સ્થાપના કરી હતી.
2017માં 50 મિલિયન ડોલરના રોકાણ સાથે ન્યૂયોર્ક ખાતે કોર્નેલના રૂઝવેલ્ટ સેન્ટરમાં ટાટા ઇનોવેશન સેન્ટરની સ્થાપના કરવામાં આવી હતી. કોર્નેલ યુનિવર્સિટીમાં દર વર્ષે 20 ભારતીય વિદ્યાર્થીઓને ટાટા સ્કોલરશીપ ફંડ દ્વારા સ્કોલરશીપ આપવામાં આવે છે. અત્યાર સુધીમાં ભારતના 89 વિદ્યાર્થી સહિત કુલ 389 વિદ્યાર્થીઓ તેનો લાભ લઈ ચૂક્યા છે.
રતન ટાટા નિયમિત રીતે પોતાની એ જૂની શૈક્ષણિક સંસ્થાની મુલાકાત લેતા રહેતા હતા. 2009માં તેમના તત્કાલીન ક્લાસમેટ દ્વારા ડોક્યુમેન્ટરી બનાવવામાં આવી હતી. તેમાં રતન ટાટાના એ સંસ્થામાં કરેલા સંબોધનો આવરી લેવામાં આવ્યા હતા. તેમણે કહ્યું હતું,” આપણે એક જ પ્રોજેક્ટ ઉપર સેકડો પેપરો બનાવીએ છીએ, બદલાવતા રહીએ છીએ. એ પ્રક્રિયા એ આપણને સમજાવ્યું છે કે આપણે અવિરત કોશિશ કરતા જ રહીએ અને વિકાસ પામતા રહીએ અને એ જ સિદ્ધાંત વ્યાપાર ઉદ્યોગમાં પણ લાગુ પડે છે. કોશિશ કરતા રહો અવિરત અટક્યા વગર…”
તેમના વિદ્યાર્થીકાળ દરમિયાન કોર્નેલ યુનિવર્સિટીમાં એક યાદગાર ઘટના બની હતી. વિમાન ઉડાડવાનો ટાટાનો શોખ ત્યાં વિકસ્યો હતો. એક દિવસ ત્રણ મિત્રો સાથે ચાર સીટના વિમાનમાં ઉડાન ભરી રહ્યા હતા ત્યારે વિમાનનું એન્જિન ફેલ થતાં ભયંકર દુર્ઘટના થવાનો ભય સર્જાયો હતો પરંતુ રતન ટાટાએ ખુબ સ્વસ્થતાપૂર્વક એ વિમાનનું લેડિંગ કરાવ્યું હતું.