નૃત્યના જલસામાં કાળનું તાંડવ મોટી સંખ્યામાં મોત: અનેકના અપહરણ
રેવ પાર્ટી ઉપર હમાસના આતંકીઓનો ખૂની હુમલો
શનિવારે સવારે ઇઝરાયેલમાં ઘુસેલા હમાસના આતંકીઓએ ગાઝા નજીક એક ખેતરમાં ચાલતી રેવ પાર્ટી ઉપર હુમલો કરતા ભારે અંધાધુંધી ફેલાઈ ગઈ હતી. એ હુમલામાં ઓછામાં ઓછા ૩૦ લોકોના મૃત્યુ થયા હતા. એ જ પાર્ટીમાંથીઅનેક યુવાનો અને યુવતીને હમાસના આંતકીય બંધક બનાવી ઉપાડી ગયા હતા.
એ હુમલામાં બચી ગયેલી તાલ ગિબ્લી નામની યુવતીએ ઘટના વર્ણવતા કહ્યું કે ઇઝરાયલના સુકોટ તહેવારની અંતિમ રાત્રે 11 વાગ્યે શરૂ થયેલી એ રેવ પાર્ટીમાં હજારો લોકો ઉપસ્થિત હતા. યુવાનો, યુવતીઓ અને બાળકો સંગીત ના તાલે નૃત્ય ની મજા માણી રહ્યા હતા ત્યાં સવારે 6:30 વાગ્યાની આસપાસ અચાનક રોકેટ મારો શરૂ થયો હતો. ભયંકર હુમલો થઈ રહ્યો હોવાની શંકા જાગતા ભારે નાસભાગ મચી ગઈ હતી. ભ્ખરી લોકો એક સાથે લોકો પોતાના ઘરે પરત ફરવા લાગતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.
એ દરમિયાન બાઈક અને જીપ જેવા વાહનોમાં અમાસના આતંકવાદીઓ ધસી આવ્યા હતા અને અંધાધુંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. મુશ્કેલી એ હતી કે એ પાર્ટી ખુલ્લા મેદાનમાં હતી.ક્યાંય છુપાવાનો રસ્તો નહોતો. તાલ ગીબ્લી અને તેની મિત્ર ખુલ્લા મેદાનમાં ભાગ્યા હતા. તેમની પાછળ સતત ગોળીબાર ચાલુ હતો. એ બંને યુવતી જેમ તેમ કરીને નજીકના એક જંગલમાં પહોંચી હતી અને ત્યાંથી પસાર થઈ રહેલ એક ગાડીમાં તેમને લિફ્ટ મળી જતા બંનેનો બચાવ થયો હતો. તેના જણાવ્યા મુજબ તેણે રસ્તા ઉપર અનેક મૃતદેહો જોયા હતા. આતંકીઓએ કરેલ ગોળીબારમાં કેટલાક લોકોના ગાડીમાં બેઠા બેઠા જ મૃત્યુ થયા હતા. ગોળીબાર થી બચવા માટે હજારો લોકો નજીકના રણમાં ભાગ્યા હતા તેમાંથી કેટલાયનો હજુ આતો પતો નથી. એ બધા જીવિત છે કે બંધક બન્યા છે તે વિશે રવિવાર મોડી સાંજ સુધી કોઈ પણ જાણકારી પ્રાપ્ત થઈ ન હતી.
એ પાર્ટીમાંથી બંધક બનાવતા હોય તેવા અનેક વિડીયો વાયરલ થયા હતા. એ વિડિયો પરથી બંધક બનાવાયેલી એક યુવતી નું નામ નોવા આરગામની હોવાનું ખુલ્યું હતું. તે યુવતીને બાઈક ઉપર બેસાડી અને આતંકવાદી ઉપાડી ગયા હતા જ્યારે તેના બોયફ્રેન્ડ નું જીપમાં અપહરણ કરાયું હતું.
બંધક મહિલાની તસવીરે વિશ્વને હચમચાવી દીધું
રેવ પાર્ટીમાંથી અપહરણ કરાયેલી અને મારી નખાયેલી એક મહિલાની તસવીરે શનિવારે વિશ્વને સ્તબ્ધ કરી દીધું હતું. જીપમાં અર્ધ નગ્ન હાલતમાં પડેલા મહિલાના મૃતદેહો ઉપર પગ રાખીને બેઠેલા આતંકવાદીઓની એ તસવીર વાયરલ થયા બાદ હમાસ ઉપર સમગ્ર વિશ્વમાંથી ફિટકાર વરસ્યો હતો. જોકે ત્યાં સુધી એ યુવતી ની ઓળખ મળી ન હતી. બાદમાં તેના શરીર ઉપરના ટેટુ જોઈ અને તેના પિતરાઈએ એ યુવતી નું નામ શાની લોક હોવાનું જણાવ્યું હતું. ત્રીસ વર્ષની આ યુવતી ટેટુ આર્ટિસ્ટ છે અને જર્મની અને ઇઝરાયેલનું બેવડું નાગરિકત્વ ધરાવે છે. રેવ પાર્ટીમાં સામેલ આ યુવતી બચવા માટે ભાગી પરંતુ ક્રૂર આતંકવાદીઓના હાથમાં આવી જતાં તેની જિંદગી પર અકાળે પૂર્ણવિરામ મુકાઈ ગયું હતું. હમાસના આતંકવાદીઓએ એ મહિલાના મૃતદેહ સાથે ગાઝામાં પરેડ કરી હોવાનું પણ ખુલ્યું હતું