અયોધ્યામાં ભવ્ય રામ મંદિરની સાથે થોડાક કિલોમીટર દૂર શું બનાવવામાં આવશે વાંચો
- મક્કાના ઈમામ કરશે શિલાન્યાસ
- ૨૧ ફૂટ ઊંચું વિશ્વનું સૌથી મોટું કુરાન રાખવામાં આવશે
અયોધ્યામાં ભવ્ય રામ મંદિરની સાથે સાથે લગભગ 25 કિલોમીટર દૂર એક મસ્જિદ પણ બનાવવામાં આવશે. મક્કાના પવિત્ર કાબામાં નમાઝ ભણાવનારા ઈમામ-એ-હરમ દ્વારા આ મસ્જિદનો પાયો નાખવામાં આવશે. આ મસ્જિદનું નામ મસ્જિદ મોહમ્મદ બિન અબ્દુલ્લા રાખવામાં આવ્યું છે. ગત ઓક્ટોબરમાં મુંબઈમાં યોજાયેલી બેઠકમાં મસ્જિદનું નામ મસ્જિદ મોહમ્મદ બિન અબ્દુલ્લા રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ બેઠકમાં ઘણા વરિષ્ઠ મૌલવીઓ અને ઈન્ડો-ઈસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશનના પ્રમુખ ઝુફર અહમદ ફારૂકી પણ હાજર હતા. જેમાં મસ્જિદની નવી ડિઝાઇન પણ બહાર પાડવામાં આવી હતી.
મુંબઈ ભાજપના નેતા અને મસ્જિદ મુહમ્મદ બિન અબ્દુલ્લા વિકાસ સમિતિના અધ્યક્ષ હાજી અરાફાત શેખે કહ્યું કે અયોધ્યાના ધન્નીપુરમાં બનાવવામાં આવનાર નવી મસ્જિદ ભારતની સૌથી મોટી હશે. અહીં દુનિયાનું સૌથી મોટું કુરાન પણ હશે. તેની ઊંચાઈ 21 ફૂટ અને પહોળાઈ 36 ફૂટ હશે. શેખના કહેવા મુજબ મસ્જિદમાં પાંચ મિનારા હશે. આ ઇસ્લામના પાંચ સ્તંભો – કલમા, નમાઝ, રોઝા, હજ અને જકાતનું પ્રતીક હશે.
રામ મંદિર-બાબરી મસ્જિદ વિવાદ પર 100 વર્ષથી વધુ લાંબી કાનૂની લડાઈ 9 નવેમ્બર 2019 ના રોજ સમાપ્ત થઈ. સુપ્રીમ કોર્ટની 5 સભ્યોની બંધારણીય બેન્ચે 9 નવેમ્બર 2019ના રોજ રામ મંદિરની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. આ નિર્ણયમાં કોર્ટે યુપી સરકારને બાબરી મસ્જિદ સમિતિને અયોધ્યામાં રામજન્મભૂમિથી 25 કિલોમીટર દૂર મસ્જિદ બનાવવા માટે જમીન આપવાનો નિર્દેશ આપ્યો હતો. આ જમીન પર નવી મસ્જિદ બનાવવામાં આવશે.
ભાજપના નેતા હાજી અરાફાત શેખે કહ્યું કે તેઓ ફાઉન્ડેશનના ટ્રસ્ટી છે અને હવે તેમને મસ્જિદની વિકાસ સમિતિના વડા પણ બનાવવામાં આવ્યા છે. મસ્જિદ ઉપરાંત, સંકુલમાં કેન્સર હોસ્પિટલ, શાળા અને કોલેજો, એક સંગ્રહાલય અને પુસ્તકાલય અને સંપૂર્ણ શાકાહારી રસોડું પણ હશે. જેમાં ત્યાં આવનાર લોકોને મફત ભોજન આપવામાં આવશે.
શેખે જણાવ્યું હતું કે, મુખ્ય આકર્ષણ વઝુ ખાના અથવા નહાવાના સ્થળની નજીકનું વિશાળ માછલીઘર હશે જેમાં પુરુષો અને સ્ત્રીઓ માટે અલગ-અલગ વિભાગો હશે. તેણે કહ્યું કે મસ્જિદ તાજમહેલ જેટલી સુંદર હશે. અહીં સાંજની નમાજ માટે અઝાન સાથે ફુવારા ચાલશે.