આ તારીખે સુપ્રીમ કોર્ટના 6 જજનું પ્રતિનિધિમંડળ મણિપુરની મુલાકાતે જશે : રાહત શિબિરોની મુલાકાત લઈ વિગતો મેળવશે
મણીપુરમાં ભારે અશાંતિ છે ત્યારે નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટીએ બુધવારે જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ બીઆર ગવઈ અને અન્ય પાંચ ન્યાયાધીશોનું એક પ્રતિનિધિમંડળ 22 માર્ચે જાતીય હિંસાથી પ્રભાવિત મણિપુરમાં રાહત શિબિરોની મુલાકાત લેશે અને સ્થિતિની સમીક્ષા કરી જરૂરી વિગતો મેળવશે.
એમણે કહ્યું કે, જસ્ટિસ ગવઈ જેઓ ઓથોરિટીના કાર્યકારી અધ્યક્ષ પણ છે તેઓ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંત, વિક્રમ નાથ, એમએમ સુંદ્રેશ, કેવી વિશ્વનાથન અને એન. કોટીસ્વર સિંહ સાથે મણિપુર હાઈકોર્ટના દ્વિવાર્ષિક સમારોહના અવસર પર રાહત શિબિરોની મુલાકાત લેશે.
નાલસાએ નિવેદનમાં જણાવ્યું કે, ‘3 મે, 2023ના રોજ ચાલુ થયેલી વિનાશક સાંપ્રદાયિક હિંસામાં સેંકડો લોકો માર્યા ગયા અને 50,000થી વધુ લોકો વિસ્થાપિત થઈ ગયા અને ઘણા લોકો મણિપુરમાં રાહત શિબિરોમાં આશ્રય લઈ રહ્યા છે.’
કોંગ્રેસે મણિપુરમાં રાહત શિબિરોની મુલાકાત લેવાના સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોના નિર્ણયનું સ્વાગત કર્યું છે. કોંગ્રેસના સંચાર મહાસચિવ જયરામ રમેશે સુપ્રીમ કોર્ટના ઓગસ્ટ 2023ના ચુકાદાને યાદ કર્યો જેમાં તેમણે કહ્યું હતું કે, ‘ઉત્તરપૂર્વીય રાજ્યમાં બંધારણીય તંત્ર સંપૂર્ણપણે ધ્વસ્ત થઈ ગયું છે.’