પ્રેમીના લગ્નના એક દિવસ પહેલાં જ પ્રેમિકાનો પાંચમા માળેથી ઝંપલાવી આપઘાત: રાજકોટની કટારિયા ચોકડી પાસેની ઘટના
રાજકોટના કાલાવડ રોડ પર કટારિયા ચોકડી પાસે ગુજરાત હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરમાં રહેતી અને ન્યારી ડેમ નજીક સોલાર કંપનીમાં નોકરી કરતી 30 વર્ષીય યુવતીએ પ્રેમીના લગ્નના એક દિવસ જ પહેલાં જ પાંચમા માળેથી ઝંપલાવી આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી જવા પામી હતી.
આ અંગે વધુમાં જાણવા મળેલી વિગત પ્રમાણે પલક નિલેશભાઈ ઝાલા કે જે બે બહેનમાં મોટી છે તે જે સોલાર કંપનીમાં નોકરી કરતી હતી ત્યાં જ હિરેન રાણપરિયા નામનો યુવક તેના સીનિયર તરીકે નોકરી કરતો હતો. આ પછી બન્ને વચ્ચે આંખ મળી જતાં સંબંધ પ્રેમમાં પરિણમ્યો હતો. બન્ને વચ્ચે નિયમિત વાતચીત થતી હોવાથી એકબીજા ઉપર ગળાડૂબ વિશ્વાસ પણ બેસી ગયો હતો. પલકે તેના માતાને પણ હિરેન સાથે પ્રેમ હોવાની વાત કહી લગ્ન માટે કહેતા માતાએ પણ પરવાનગી આપી હતી. જો કે હિરેને પલકને અંધારામાં જ રાખી હોય તે પ્રકારે અન્ય સ્થળે લગ્નની વાત ચાલી રહ્યાનું છુપાવ્યું હતું.
આ પણ વાંચો :પોલીસનો RMCને જવાબ, અમારા પાસે હાલ પૈસા નથી, આવતાં વર્ષે વેરો ભરશુ! મહાપાલિકા સરકારી તંત્ર સામે ચૂપ
હદ તો ત્યાં થઈ ગઈ કે આજે સોમવારે હિરેનના લગ્નનો માંડવો હતો આમ છતાં તેણે પલક સાથે સંબંધ તોડ્યો ન્હોતો. પલકે રવિવારે પણ હિરેન સાથે વાત કરી લગ્ન અંગેનું કહેતાં હિરેને `મારો પરિવાર નહીં માને’ તેવો જવાબ આપતાં જ પલકને લાગી આવ્યું હતું અને તે બપોરે 2ઃ30 વાગ્યે પોતાના માતાને તડકો ખાવા જાવ છું કહીને અગાશી પર પહોંચી ગઈ હતી. ત્યારબાદ અંદાજે 20 જ મિનિટમાં જમીન પર ધડામ કરતું કંઈક પડ્યું હોવાનો અવાજ આવતા જ બધા એકઠા થઈ ગયા હતા અને જોયું તો પલકે જ ઝંપલાવ્યું હતું. પલકને ઘાયલ અવસ્થામાં હોસ્પિટલે ખસેડાઈ હતી જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી.
જ્યારે આપઘાતનો અન્ય એક બનાવ રવિવારે બપોરે 2ઃ30 વાગ્યા આસપાસ બન્યો હતો. બાલાજી હોલ સીજીસ હોસ્પિટલની બાજુની શેરીમાં ન્યુ લક્ષ્મી સોસાયટીમાં રહેતા અને લેબ ટેક્નીશ્યન તરીકે નોકરી કરતા ભાવેશ નાગજીભાઈ સંઘાણી (ઉ.વ.40) નામના યુવકે ગળાફાંસો ખાઈ લેતાં મોત નિપજ્યું હતું. ભાવેશના પત્ની સરકારી શાળામાં શિક્ષક છે અને તેના લગ્નને પાંચ વર્ષ જેવો સમયગાળો થઈ ગયો છે. સંતાનમાં તેને બે પુત્ર હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.
