ચૂંટણી ટાણે જ મમતા સરકારને મોટો ઝટકો..વાંચો
પશ્ચિમ બંગાળમાં 24000 શિક્ષકોની ભરતી રદ કરતી કલકત્તા હાઇકોર્ટ
શિક્ષકોએ અત્યાર સુધી લીધેલો પગાર પરત કરવા આદેશ
2016 માં થયેલી ભરતી પ્રક્રિયામાં ગેરરીતી થઈ હોવાનો ચુકાદો
પશ્ચિમ બંગાળમાં વર્ષ 2016 માં સરકારી ગ્રાન્ટ લેતી શાળાઓમાં ભરતી માટે લેવાયેલી સ્ટેટ લેવલ સિલેક્શન ટેસ્ટ 2018ની પ્રક્રિયાને રદબાતલજાહેર કરી તેના દ્વારા કરવામાં આવેલી તમામ 24,000 શિક્ષકોની ભરતી રદ કરવાનો કલકત્તા હાઇકોર્ટે આદેશ આપતા ભારે ખળભળાટ મચી ગયો છે. અદાલતે એ તમામ શિક્ષકોને ચાર અઠવાડિયામાં અત્યાર સુધી લીધેલો તમામ પગાર પરત કરવાનો આદેશ આપી એ પગાર પરત મેળવવાની જવાબદારી જિલ્લા મેજિસ્ટ્રેટને સોંપી છે. ભ્રષ્ટાચાર ના આરોપોથી ઘેરાયેલી મમતા સરકાર માટે ચૂંટણી ટાણે જ આવેલો આ ચુકાદો મોટા ઝાટકા સમાન છે.
કલકત્તા હાઇકોર્ટની જસ્ટિસ દેબાંગશુ બાસક અને જસ્ટિસ એમડી શબ્બાર રશિદની બેન્ચે સમગ્ર અંગે વધુ તપાસ હાથ ધરી ત્રણ અઠવાડિયામાં રિપોર્ટ આપવા સીબીઆઈને પણ આદેશ કર્યો છે અને સાથે જ વેસ્ટ બેંગાલ સ્કૂલ સર્વિસ કમિશનને નવેસરથી ભરતી પ્રક્રિયા શરૂ કરવા જણાવ્યું છે. અદાલતે 2016 માં લેવાયેલી પરીક્ષાના તમામ 23 લાખ પેપરોની પુનઃ ચકાસણી કરવાનો પણ આદેશ કર્યો છે.
2016 માં શિક્ષકોની 24,640 ખાલી જગ્યા માટે કુલ 23 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. એ પ્રક્રિયામાં ગેરરીથી થઈ હોવાની પસંદ ન થયેલા અનેક ઉમેદવારોએ અરજી કર્યા બાદ, હાલમાં ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા કલકત્તા હાઇકોર્ટના તત્કાલીન જસ્ટિસ અભિજીત ગંગોપાધ્યાયે સીબીઆઇ તપાસનો આદેશ કર્યો હતો. બાદમાં સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર પશ્ચિમ બંગાળ હાઇકોર્ટની ડિવિઝન બેચ દ્વારા પસંદ ન થયેલા ઉમેદવારોની અરજીઓની સુનવણી કરવામાં આવી હતી. એ અંગેની સુનાવણી 20 માર્ચના રોજ પૂર્ણ થયા અદાલતે ચુકાદો અનામત રાખ્યો હતો. એ દરમિયાન સીબીઆઇએ તપાસ પૂર્ણ કરી હાઇકોર્ટને રિપોર્ટ સુપ્રત કરી દીધો હતો.
ભ્રષ્ટાચાર છાપરે ચડી પોકાર્યો: મમતા બેકફૂટ પર,ભાજપ જોમમાં
સીબીઆઇએ આ બાબતે કરેલી તપાસ બાદ પશ્ચિમ બંગાળના પૂર્વ શિક્ષણ મંત્રી પાર્થ ચેટરજી અને સ્કૂલ સર્વિસ કમિશનના કેટલાક અધિકારીઓની ધરપકડ કરી હતી. મમતા બેનર્જીએ એ કાર્યવાહી પશ્ચિમ બંગાળ સરકારને બદનામ કરવા માટે ભાજપના ઇશારે કરવામાં એવી હોવાનો જે તે સમયે આક્ષેપ કર્યો હતો. જોકે હવે હાઈકોર્ટે પણ ભ્રષ્ટાચાર થયો હોવાનું માણતાં મમતા સરકાર ભીંસમાં મુકાઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે મમતા સરકાર અનેક ભ્રષ્ટાચારો થકી આમ પણ બદનામ થઈ ચૂકી છે.તેમાં એક સાથે 24000 શિક્ષકોને નોકરી ગુમાવવાનો વારો આવતા આ આ મુદ્દો પ્રચારમાં કેન્દ્રસ્થાને આવી જશે.કેટલાક રાજકીય વિશ્લેષકો આ ઘટનાને ગેમ ચેન્જર માની રહ્યા છે.ભાજપને આ મુદ્દો ફાયદો કરાવશે તેવું માનવામાં આવે છે.
અદાલત બહાર ઉતેજનાભર્યા દ્રશ્યો
આ ચકચારી પ્રકરણ અંગે ચુકાદો જાહેર થવાનો હોવાથી ખૂબ મોટી સંખ્યામાં પસંદ થયેલા શિક્ષકો અને પસંદ ન થયેલા ઉમેદવારો અદાલતની બહાર ઉમટી પડ્યા હતા. અદાલતે ચુકાદો જાહેર કરતા જ નોકરી ગુમાવનાર અનેક શિક્ષકો ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા હતા તો બીજી તરફ ભ્રષ્ટ ભરતી પ્રક્રિયાને કારણે નોકરીથી વંચિત રહી ગયેલા ઉમેદવારોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી.એક ઉમેદવારે કહ્યું કે આખરે ન્યાય મળ્યો છે અને હવે મેરીટ ના ધોરણે અમારી પસંદગીનો માર્ગળો થયો છે.