17 વર્ષના તરુણે અમેરિકામાં ભારે દોડાદોડી કરાવી દીધી, શું થયું ? જુઓ
અમેરિકાથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા હતા. ફક્ત 17 વર્ષના એક કિશોર પર અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની હત્યા કરવાનું કાવતરું ઘડવાનો આરોપ મુકાયો છે. નિકિતા કાસાપ નામના યુવકની યોજના ટ્રમ્પની હત્યા કરીને અમેરિકાની સરકારને ઉથલાવી પાડવાની હતી. યોજના માટે જરૂરી નાણાં મેળવવા માટે તેણે તેના માતાપિતાની હત્યા પણ કરી દીધી હતી. નિકિતા કાસાપ સામેની કોર્ટ કાર્યવાહી 7 મેના રોજ કરવામાં આવશે. તે ઘરેથી 14 હજાર ડોલર લઈને ફરાર થયો હતો.
અમેરિકાના વિસ્કોન્સિન રાજ્યના રહેવાસી 17 વર્ષના નિકિતા કાસાપ પર એના માતાપિતાની હત્યા કરવાનો આરોપ લાગ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ વિસ્કોન્સિનના વૌકેશા ગામમાં તેણે 11 ફેબ્રુઆરીએ તેની 51 વર્ષીય માતા તાતીઆના કાસાપ અને 51 વર્ષીય સાવકા પિતા ડોનાલ્ડ મેયરને ગોળી મારી દીધી હતી.
તેણે બંને હત્યા સાવકા પિતાની બંદૂક વડે કરી હતી. બંનેના મૃતદેહ ચાદરથી ઢાંકીને નિકિતા ડોનાલ્ડની કાર અને બંદૂક લઈને ઘર છોડીને નીકળી ગયો હતો. જતાં પહેલાં તેણે ઘરમાંથી 14 હજાર ડોલર (આશરે રૂપિયા 8.6 લાખ)ની ચોરી પણ કરી હતી.
મૃતકોની લાશ એમના ઘરમાંથી મળી આવતાં પોલીસ તપાસ શરૂ કરાઈ હતી. તાતીઆનાને ખભા પાસે ગોળી વાગી હતી અને ડોનાલ્ડને માથામાં જીવલેણ ઈજા થઈ હતી. વિસ્કોન્સિન છોડ્યા બાદ નિકિતા એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ભટકતો રહ્યો હતો. પોલીસે કેન્સાસ રાજ્યના વાકીનીમાં તેની ધરપકડ કરી હતી. પોલીસે નિકિતા પાસેથી ડોનાલ્ડની કાર અને બંદૂક જપ્ત કરી હતી. કારમાંથી ડોનાલ્ડનું ડ્રાઈવિંગ લાઈસન્સ પણ મળી આવ્યું હતું.