ગણતરીની મિનિટોમાં 80 બોમ્બ : કેવી રીતે ઇઝરાયેલે નસરાલ્લાહની હત્યાનું ઝીણવટપૂર્વક આયોજન કર્યું ??
એક પાવરફુલ ઓપરેશન કે જેના માટે મહિનાઓનું સંશોધન અને આયોજન કરવામાં આવ્યું હતું. ઇઝરાયેલે હિઝબોલ્લાના વડા હસન નસરાલ્લાહને ખતમ કરવા માટે એક ખુબ જોખમી મિશન સફળતાપૂર્વક પાર પાડ્યું. થોડી જ મિનિટોમાં 80 બોમ્બથી દક્ષિણ બેરૂતમાં હિઝબોલ્લાહના અંડરગ્રાઉન્ડ હેડક્વાર્ટર સહિત છ ઈમારતોનો નાશ થયો.
ઈઝરાયેલને નસરાલ્લાહના ઠેકાણા વિશે ઘણા મહિનાઓથી ખબર હતી પરંતુ તેઓ યોગ્ય ક્ષણની રાહ જોઈ રહ્યા હતા. ગયા અઠવાડિયે ઓપરેશનને લીલીઝંડી આપવામાં આવી હતી. ઓપરેશન એટલી હદે ગુપ્ત હતું ઇઝરાયેલી જેટ એરબોર્ન થાય ત્યાં સુધી યુનાઇટેડ સ્ટેટ્સને પણ જાણ કરવામાં આવી ન હતી.
હુમલો ઝડપી અને જીવલેણ હતો. ધ ન્યૂ યોર્ક ટાઈમ્સના જણાવ્યા અનુસાર, ઈઝરાયેલી ડિફેન્સ ફોર્સિસ (આઈડીએફ) એ નસરાલ્લાહના બંકર અને આસપાસની અનેક ઈમારતોને નષ્ટ કરવા માટે થોડીવારમાં 80 બોમ્બનો ઉપયોગ કર્યો હતો. જો કે બોમ્બના ચોક્કસ પ્રકારનો ખુલાસો કરવામાં આવ્યો નથી, તેમ છતાં તેમની વિનાશક શક્તિ જોઇને ખ્યાલ આવે છે કે બહુ ઘાતક શક્તિ ધરાવતા આયુધોનો ઉપયોગ થયો હશે.
યુદ્ધવિરામની વાતચીત વચ્ચે હુમલો
નસરાલ્લાહની હત્યા કરવાની ઇઝરાયેલની યોજના નાજુક સમયે ઘડાઈ હતી, કારણ કે તે યુ.એસ. સાથે યુદ્ધવિરામની ચર્ચામાં વ્યસ્ત હતો. જો કે, ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને ઉચ્ચ સુરક્ષા અધિકારીઓએ ઓપરેશનને આગળ ધપાવ્યું હતું. ગયા સપ્તાહની શરૂઆતમાં, આઈડીએફ ચીફ ઓફ સ્ટાફ હાર્ઝી હલેવી, મોસાદ ચીફ ડેવિડ બાર્નિયા, શિન બેટ ચીફ રોનેન બાર અને સંરક્ષણ પ્રધાન યોવ ગાલાંટ સહિત અગ્રણી વ્યક્તિઓ વચ્ચેની બેઠકમાં નિર્ણયને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, કેટલાક કેબિનેટ મંત્રીઓએ વાંધો વ્યક્ત કર્યો હતો. તેમને ડર હતો કે નસરાલ્લાહની હત્યાથી ગાઝામાં ઈઝરાયેલની ચાલી રહેલી લશ્કરી ગતિવિધિઓ પર નકારાત્મક અસર પડી શકે છે. આ જોખમો હોવા છતાં વડાપ્રધાન મક્કમ હતા. નેતન્યાહુએ અસહમતી કે વિરોધીઓને ગણકાર્યા વિના હુમલો કરવાની પરવાનગી આપી. મંજૂરી મળ્યા પછી, નેતન્યાહુ શુક્રવારે સંયુક્ત રાષ્ટ્ર માટે વિમાનમાં સવાર થયા, એ વિશ્વાસ સાથે કે ઇઝરાયેલી દળો આ મિશન પાર પાડશે. શનિવારની સવાર સુધીમાં, હિઝબુલ્લાએ નસરાલ્લાહના મૃત્યુની તેમજ સધર્ન ફ્રન્ટ કમાન્ડર અલી કરાકીના મૃત્યુની પુષ્ટિ કરી, જેઓ અગાઉના ઇઝરાયેલી હવાઈ હુમલામાં બચી ગયા હતા. નસરાલ્લાહના પિતરાઈ ભાઈ અને સંભવિત અનુગામી, હાશેમ સફીદ્દીન, તે સમયે બંકરમાં નહોતા.
ઓપરેશન અસાધારણ ચોકસાઇ સાથે હાથ ધરવામાં આવ્યું હતું. ઇઝરાયેલ એર ફોર્સ (IAF) એ દક્ષિણ ઇઝરાયેલના હેટઝેરીમ એરબેઝ પરથી F-15I ફાઇટર જેટ તૈનાત કર્યા, જેમાં અડધા પાઇલોટ રીઝર્વમાં રાખવામાં હતા. તેઓ સીધા હિઝબોલ્લાહ-નિયંત્રિત બેરૂતના કેન્દ્રમાં ઉડાન ભરી, અને હિઝબુલ્લાહના ગઢ એવા દહીયેહ જિલ્લાને નિશાન બનાવ્યું.
નસરાલ્લાહની હત્યા લેબનોનના રાજકીય અને લશ્કરી ક્ષેત્રે પાવરફુલ ગણાતા સંગઠન હિઝબોલ્લાહ માટે મોટો ફટકો છે. નસરાલ્લાહ લાંબા સમયથી ઇઝરાયેલના સૌથી પ્રચંડ વિરોધીઓમાંનો એક હતો, જેણે હિઝબોલ્લાહના લશ્કરી અને રાજકીય અભિયાનોનું નેતૃત્વ કર્યું હતું. તેમના મૃત્યુથી સંગઠનમાં નેતૃત્વનો શૂન્યાવકાશ સર્જાવાની અપેક્ષા છે. ઇઝરાયેલનની હિંમતને સલામ તો કરવી જ પડે!