રાજકોટના સાંગણવા ચોકને 8 કિન્નરોએ બાનમાં લીધો : પોલીસ ઉપર હુમલો, નો-એન્ટ્રીમાં જઇ રહેલી રિક્ષાને અટકાવતા જ મામલો બીચકયો
દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો હોવાથી ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે અને તેમાં પણ ખાસ કરીને ખરીદી માટે પ્રખ્યાત બજારોમાં અંધાધુંધી ન સર્જાય તે માટે રસ્તાઓને વન-વે અથવા નો-એન્ટ્રી જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે આવા જ એક નો-એન્ટ્રી જાહેર કરાયેલા રસ્તા પર જબરદસ્તીથી રીક્ષા ઘુસાડવાનો પ્રયાસ કરાતા મામલો બિચક્યો હતો. અને 8 કિન્નર તેમજ રીક્ષા ચાલકે ટ્રાફિક વિભાગના કોન્સ્ટેબલ ઉપર હુમલો કરતાં તમામ સામે હિતેન્દ્રસિંહ શાવદુભા ગોહિલે એ-ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે, તેઓ સાંગણવા ચોકમાં પોતાની ફરજ પર હાજર હતા ત્યારે ઢેબર ચોક તરફથી જીજે-3-એઝેડ-7450 નંબરની રીક્ષા નો-એન્ટ્રી જાહેર કરાયેલા રસ્તા પર જવાનો પ્રયત્ન કરી રહી હોય તેને અટકાવી હતી. આ પછી ચાલકને નો-એન્ટ્રી બાબતે સમજાવતા તેણે તું બીજા કોઈને રોકતો નથી અમને જ કેમ રોકે છે, અમારી રીક્ષા કોઈ ન રોકે. તેમ કહી ઝગડો શરૂ કરી દીધો હતો.
આ પણ વાંચો :60 કરોડ રૂપિયાના છેતરપિંડી કેસમાં મુંબઈ પોલીસ શિલ્પા શેટ્ટીના ઘરે પહોંચી : 4.30 કલાક સુધી પૂછપરછ, જાણો શું છે સમગ્ર મામલો
આ પછી રીક્ષામાંથી એક કિન્નરે નીચે ઉતરી પોલીસને કહ્યું હતું કે, હું રાજકોટ કિન્નર અખાડાની ગાદીપતી મિરાદે છું. તમે મને ઓળખતા નથી. હવે જુઓ તમારી શું હાલત થાય છે. આ પછી મીરાદેએ ફોન કરી અન્ય 8 કિન્નરોને સ્થળ પર બોલાવી લઈ અશ્લી બખેડો શરૂ કરી દઈ હિતેન્દ્રસિંહને ઢીકાપાટુનો માર મારવાનું શરૂ કરતાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતાં. મહામહેનતે હિતેન્દ્રસિંહને છોડાવી સાઇડમાં લઇ જવામાં આવ્યા હતાં. ત્યારબાદ પોલીસ કન્ટ્રોલરૂમને જાણ કરતાં પોલીસ દોડી આવી હતી. એ-ડિવિઝન પોલીસે કિન્નર મીરાદે તેમજ અન્ય 8 કિન્નરો અને રીક્ષાના ચાલક સહિતના સામે ગુનો દાખલ કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, કિન્નર મિરાદે સહિતનાએ અગાઉ પણ એ-ડિવિઝન પોલીસ મથક બહાર જબરદસ્ત બખેડો કરી ટ્રાફિક જામ કરાવ્યો હતો.
