8 ટીમ, 15 મેચ: આજથી ‘ચેમ્પિયન’ બનવાની રેસ શરૂ,આજે પાકિસ્તાન-ન્યુઝીલેન્ડ વચ્ચે પહેલી મેચ, કાલે ભારત-બાંગ્લાદેશ વચ્ચે ટક્કર
- છ મહિનાની અંદર બીજી આઈસીસી ટ્રોફી જીતવાના ઈરાદે ઉતરશે ટીમ ઈન્ડિયા
- 8 ટીમ, 15 મેચ: આજથી `ચેમ્પિયન’ બનવાની રેસ શરૂ
- રવિવારે ભારત-પાકિસ્તાન વચ્ચે જંગ-એ-ક્રિકેટ
- ૯ માર્ચે ફાઈનલ: તમામ મુકાબલા બપોરે ૨:૩૦થી શરૂ થશે
દુનિયાની ટોચની આઠ ટીમ વચ્ચે આજથી ચેમ્પિયન્સ ટ્રોફી શરૂ થવા જઈ રહી છે. આઠ વર્ષ બાદ આ ટૂર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે. રસપ્રદ વાત એ છે કે તેનું આયોજન હાઈબ્રિડ મોડેલના આધારે થશે જેમાં અમુક મેચ પાકિસ્તાન તાો અમુક દુબઈમાં રમાશે. ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન જવાનું નથી એટલા માટે તેની તમામ મેચ દુબઈમાં રમાશે. ચેમ્પિયન્સ ટ્રોફી માટે આઠ ટીમને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ગ્રુપ `એ’માં ભારત, પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશ જ્યારે ગ્રુપ `બી’માં આફ્રિકા, અફઘાનિસ્તાન, ઈંગ્લેન્ડ અને ઑસ્ટે્રલિયા છે. પોતપોતાના ગ્રુપની ટોચની બે ટીમ સેમિફાઈનલ માટે ક્વોલિફાય કરશે. આજે પહેલી મેચ પાકિસ્તાન-ન્યુઝીલેન્ડ વચ્ચે કરાંચીમાં બપોરે ૨:૩૦ વાગ્યાથી શરૂ થશે.
જ્યારે ભારત આવતીકાલે બપોરે ૨:૩૦ વાગ્યાથી બાંગ્લાદેશ સામે રમવા ઉતરશે. ટીમ ઈન્ડિયા પાસે છ મહિનાની અંદર બીજી આઈસીસી ટ્રોફી જીતવાની તક રહેશે. ભારતીય ટીમ પાછલી વખતે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ચેમ્પિયન બનવાથી ચૂકી ગઈ હતી કેમ કે ફાઈનલમાં પાકિસ્તાન સામે તેણે હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો. ભારતે છેલ્લે ૨૦૧૩માં ધોનીની આગેવાનીમાં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી અને હવે ૧૨ વર્ષ બાદ ફરી ટીમની નજર ફરી વખત ચેમ્પિયન્સ બનવા પર રહેશે.
સૌથી વધુ નજર રોહિત શર્મા અને વિરાટ કોહલી પર રહેશે કેમ કે આ બન્ને તેની કારકીર્દિના અંતિમ તબક્કામાં છે. આ ઉપરાંત યુવા ખેલાડીઓ પંત, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, અય્યર સહિતના ખેલાડીઓ ઉપર પણ દારોમદાર રહેશે.
ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત

ટીમ ઈન્ડિયા
રોહિત શર્મા, વિરાટ કોહલી, શુભમન ગીલ, શ્રેયસ અય્યર, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, કે.એલ.રાહુલ, ઋષભ પંત, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી
એક-બે નહીં, કોહલીના `રડાર’ પર રહેશે છ રેકોર્ડ
આજથી શરૂ થઈ રહેલી ચેમ્પિયન્સ ટ્રોફીમાં વિરાટ કોહલીના પ્રદર્શન ઉપર સૌની મીટ મંડાયેલી રહેશે. કોહલીના `રડાર’માં એક-બે નહીં બલ્કે છ રેકોર્ડ રહેશે. કોહલી સૌથી ઝડપી ૧૪ હજાર વન-ડે રન પૂર્ણ કરવા મથામણ કરશે. તેણે અત્યાર સુધી ૨૯૭ વન-ડે મેચની ૧૮૫ ઈનિંગમાં ૧૩૯૬૩ રન બનાવ્યા છે. આમ હવે તે માત્ર ૩૩ રન જ દૂર છે. આ ઉપરાંત તે પોન્ટીંગના એક રેકોર્ડને પણ તોડી શકે છે. કોહલીએ તમામ ફોર્મેટની ૫૪૫ મેચમાં ૨૭૩૮૧ રન બનાવ્યા છે. જો તે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ૧૦૩ રન બનાવે છે તો પોન્ટીંગને પાછળ છોડી દેશે. આ ઉપરાંત વન-ડે રન અને કેચ, રન અને ફિફટી સહિતના રેકોર્ડ કોહલીના નિશાન પર રહેશે.
ન્યુઝીલેન્ડને વધુ એક ઝટકો; ફર્ગ્યુસન `આઉટ’
આજે પાકિસ્તાન સામે મુકાબલો રમવા ઉતરે તે પહેલાં જ ન્યુઝીલેન્ડને મોટો ઝટકો લાગ્યો હતો. ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યુસન ઈજાને કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો. તેની જગ્યાએ કાઈલ જેમીસનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. આ પહેલાં પણ ન્યુઝીલેન્ડની ટીમ ઈજાની સમસ્યા સામે ઝઝૂમી રહી હતી તેમાં ઉમેરો થવા પામ્યો હતો.
ટીમ ઈન્ડિયાના બોલિંગ કોચ મોર્કલ આફ્રિકા રવાના…!
ચેમ્પિયન્સ ટ્રોફીના એક દિવસ પહેલાં ટીમ ઈન્ડિયાના બોલિંગ કોચ મોર્ને મોર્કલ ટૂર્નામેન્ટ છોડીને આફ્રિકા જવા રવાના થયો હતો. મોર્કલના પિતાનું નિધન થતાં તે આફ્રિકા પહોંચ્યો હતો. હવે તે ક્યારે પરત ફરશે તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
ભારતના મુકાબલા

ટીમ ઈન્ડિયા સામે ઉતરે તે પહેલાં જ બાંગ્લાદેશની હાલત ખરાબ !
આવતીકાલે ભારત-બાંગ્લાદેશ વચ્ચે દુબઈમાં ચેમ્પિયન્સ ટ્રોફીનો મુકાબલો રમાશે તે પહેલાં જ બાંગ્લાદેશની હાલત ખરાબ થઈ જવા પામી છે. ચેમ્પિયન્સ ટ્રોફીની વોર્મઅપ મેચમાં તેનો સાત વિકેટે પરાજય થયો હતો. બાંગ્લાદેશને આ પરાજય પાકિસ્તાનની શાહિન્સ ટીમ સામે મળ્યો હતો. તે પૂરી ૪૦ ઓવર પણ રમી શક્યું ન્હોતું. તેણે ૩૮.૨ ઓવરમાં ૨૦૨ રન બનાવ્યા હતા અને તેના વતી કોઈ બેટર ફિફટી પણ બનાવી શક્યો ન્હોતા