ટ્રમ્પની જીતથી રોકાણકારોને ૮ લાખ કરોડનો લાભ : સેન્સેક્સમાં 901 પોઇન્ટનો ઉછાળો
તમામ ઇન્ડેક્સમાં ૧ ટકાથી વધુનો વધારો : રૂપિયો ડોલર સામે વધુ તુટ્યો
અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ જીતી ગયા અને તેનો લાભ ભારતના રોકાણકારોને થયો છે. લાભ પાંચમના દિવસે પરિણામ આવતા રોકાણકારોને ૮ લાખ કરોડનો લાભ થયો છે. બુધવારે લગભગ દરેક ઇન્ડેક્સમાં 1 ટકાથી વધુનો વધારો થયો હતો. ઇન્ટ્રા ડે તેજી રહ્યા બાદ સેન્સેક્સ 901 પોઈન્ટ વધીને 80,378.13 ઉપર નિફ્ટી 270.74 પોઈન્ટ વધીને 24,484.05 ઉપર સેટલ થયો હતો.
ભારત ઈલેક્ટ્રોનિક્સ, અદાણી એન્ટરપ્રાઈઝ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ, એચસીએલ ટેક અને વિપ્રોની આગેવાની હેઠળ નિફ્ટી50ના 50માંથી 41 જેટલા ઘટક શેરો 5.33 ટકા સુધીના વધારા સાથે ઊંચકાયા હતા. તેનાથી વિપરીત, SBI લાઇફ, ટાઇટન, HDFC લાઇફ, ઇન્ડસઇન્ડ બેન્ક અને ટ્રેન્ટ 9 ઘટક શેરોમાં હતા જે ઘટીને બંધ આવ્યા હતા.
નિફ્ટી આઇટી ઇન્ડેક્સની આગેવાની હેઠળ તમામ ક્ષેત્રીય સૂચકાંકો લીલા રંગમાં સમાપ્ત થયા હતા, જે 3.99 ટકા વધ્યો હતો. આ પછી OMCs, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને રિયલ્ટી ઇન્ડેક્સમાં પણ 2 ટકાથી વધુનો વધારો થયો હતો.ટ્રમ્પના ટેકેદાર ઈલોન મસ્કની કંપની ટેસ્લાના શેરમાં પણ જોરદાર તેજી જોવા મળી છે.
ડોનાલ્ડ ટ્રમ્પની જીત ભારતીય સહિત અન્ય દેશોના ચલણ માટે નુકસાનકારક સાબિત થઈ છે. ટ્રમ્પની જીતના અહેવાલો સાથે જ રૂપિયો ડોલર સામે 15 પૈસા તૂટી ઓલટાઈમ લૉ 84.25 ના લેવલે પહોંચ્યો હતો.