સાતમું નોરતું માતા કાલરાત્રિને સમર્પિત : જાણો માતાજીનું સ્વરૂપ, પવિત્ર કથા અને પૂજાના મહત્વ વિશે
નવરાત્રિના સાતમા દિવસે દેવી દુર્ગાના મા કાલરાત્રિ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે દેવીના આ સ્વરૂપની પૂજા કરવાથી ભક્તો દુષ્ટ શક્તિઓથી દૂર રહે છે અને અકાળ મૃત્યુનો ભય નથી રહેતો. એવું પણ માનવામાં આવે છે કે તેમની પૂજા કરવાથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ મા ભગવતીના સાતમા સ્વરૂપ વિશે
દેવી દુર્ગાના સાતમા સ્વરૂપની પૂજા
દેવી દુર્ગાના સાતમા સ્વરૂપની પૂજા સવારે અને રાત્રે બંને સમયે કરવામાં આવે છે. તેની પૂજા કરતા પહેલા દેવી કાલીની મૂર્તિની આસપાસ ગંગાજળનો છંટકાવ કરો. આ પછી ઘીનો દીવો કરવો. પછી તમે દેવી માતાના ચિત્રની સામે રોલી, અક્ષત અને હિબિસ્કસના ફૂલ ચઢાવો. અંતમાં આખા પરિવારની સાથે કપૂર અથવા દીવાથી માતાની આરતી કરો અને જાપ કરો. સવારે અને સાંજે આરતી કરવા સાથે, તમે દુર્ગા ચાલીસા અથવા સપ્તશતીનો પાઠ પણ કરી શકો છો. આ સિવાય તમારે રુદ્રાક્ષની માળાથી મા કાલરાત્રીના મંત્રોનો જાપ કરવો જોઈએ. આ પણ ખૂબ ફળદાયી છે.
માતા કાલરાત્રિનું સ્વરૂપ
દુર્ગાજીનું સાતમું સ્વરૂપ માતા કાલરાત્રિ છે. તેમનો રંગ કાળો હોવાને લીધે તેઓ કાલરાત્રિ તરીકે નામના પામ્યાં છે. અસુરોના રાજા રક્તબીજનો વધ કરવા માટે દેવી દુર્ગાએ પોતાના તેજથી માતા કાલરાત્રિને ઉત્પન્ન કર્યાં હતાં. તેમની પૂજા શુભ ફળદાયી હોવાને લીધે તેમને શુભંકારી પણ કહેવાય છે. માન્યતા છે કે માતા કાલરાત્રિની પૂજા કરવાથી મનુષ્ય સમસ્ત સિદ્ધિઓ પ્રાપ્ત કરી લે છે, માતા કાલરાત્રિ પરાશક્તિઓ(કાળા જાદુ)ની સાધના કરતા જાતકોની વચ્ચે ખૂબ જ જાણીતાં છે, માતાની ભક્તિથી દુષ્ટોનો નાશ થાય છે અને ગ્રહબાધાઓ દૂર થઈ જાય છે. ભક્તોની રક્ષા માટે દેવી દુર્ગા ભયાનક કાળરાત્રિના સ્વરૂપમાં પ્રકટ થયાં હતાં. તેમના ચાર હાથ અને ત્રણ આંખ છે. તેમનો રંગ કાળો છે. તેઓ ભયંકર અને ઉગ્ર સ્વરૂપમાં હોય છે. તેમના નાકથી આગ પ્રકટ થાય છે. તેઓ ગધેડાની સવારી કરે છે. તેમની પૂજા કરવાથી દરેક પ્રકારનાં દુઃખ દૂર થાય છે.
અસુરોનો વધ કરવા માટે માતા દુર્ગા કાલરાત્રિ બન્યાં દેવી કાલરાત્રિનું શરીર રાતના અંધારા જેવું કાળું હોય છે, તેમના વાળ વિખેરાયેલા હોય છે અને તેમના ગળામાં વિદ્યુતની માળા છે. તેમનાં ત્રણ નેત્ર છે તથા તેમના શ્વાસથી અગ્નિ નીકળતો હોય છે. કાલરાત્રિનું વાહન ગર્દભ(ગધેડો) છે.
માતા કાલરાત્રિની ઉત્પત્તિની કથા
માતા કાલરાત્રિની ઉત્પત્તિની કથા પ્રમાણે દૈત્ય શુભ-નિશુંભ અને રક્તબીજે ત્રણેય લોકમાં હાહાકાર મચાવી દીધો હતો. એનાથી ચિંતિત થઈને બધા દેવતાગણો શિવજીની પાસે ગયા, શિવજીએ દેવી પાર્વતીને રાક્ષસોનો વધ કરી પોતાના ભક્તોનું રક્ષણ કરવા કહ્યું. શિવજીની વાત માનીને પાર્વતીજીએ દુર્ગાનું રૂપ ધારણ કર્યું અને શુંભ-નિશુંભનો વધ કર્યો, પરંતુ દુર્ગાજીએ જેવો રક્તબીજને માર્યો તેના શરીરમાંથી નીકળેલા રક્તથી લાખો રક્તબીજ ઉત્પન્ન થઈ ગયાં. એને જોઈને દુર્ગાજીએ પોતાના તેજથી કાલરાત્રિને ઉત્પન્ન કર્યા. ત્યાર બાદ દુર્ગાજીએ રક્તબીજને માર્યો તે તેના શરીરથી નીકળતા રક્તને કાલરાત્રિએ પોતાના મુખમાં ભરી દીધું અને બધાનું ગળું કાપતાં-કાપતાં રક્તબીજનો વધ કર્યો.