રાજદ્વારી સંબંધોના 70 વર્ષ પૂરા : વડાપ્રધાન મોદી પોલેન્ડ પહોંચ્યા
:
- મિલીટરી એરપોર્ટ પર ભવ્ય સ્વાગત : જામ સાહેબ મેમોરિયલની મુલાકાત લીધી
- આજે યુક્રેન જવા રવાના થશે; ઝેલેન્સકી સાથે મુલાકાત; યુધ્ધ રોકવા પ્રયાસ, 45 વર્ષ બાદ ભારતીય વડા પૉલેન્ડમાં
વોઇસ ઓફ ડે હ્નવી દિલ્હી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોલેન્ડ અને યુક્રેનની મુલાકાતે ગયા છે. બુધવારે મુલાકાત માટે પ્રયાણ કરતાં મોદીએ જણાવ્યું હતું કે તેઓ યુક્રેનમાં સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલની ચર્ચા કરશે કારણ કે ભારત વહેલી શાંતિ અને સ્થિરતા ઇચ્છે છે. મોદીએ પોલેન્ડથી તેમની મુલાકાત શરૂ કરી છે જે 45 વર્ષમાં કોઈ ભારતીય વડાપ્રધાનની આ દેશની પ્રથમ મુલાકાત છે. ભારત પૉલેન્ડના રાજદ્વારી સંબંધોને 70 વર્ષ પૂરા થઈ રહ્યા છે.
વડાપ્રધાનનું સાંજે વોરસો મિલીટરી એરપોર્ટ પર ભવ્ય સ્વાગત થયું હતું. રાત્રે 8 વાગે મોદીએ જામનગરના જામસાહેબ મેમોરિયલ પર જઈને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા. જામ સાહેબે બીજા વિશ્વયુધ્ધમાં સેંકડો પૉલિશ નાગરિકોને આશરો આપ્યો હતો માટે એમની યાદમાં મેમોરિયલ બનાવાયું છે. વડાપ્રધાન ભારતીય સમુદાય સાથે પણ મુલાકાત કરશે અને સંબોધન કરશે.
આ પછી, 23 ઓગસ્ટ આવતીકાલે મોદી યુક્રેનની રાજધાની કિવ પહોંચશે આવું પહેલીવાર થઈ રહ્યું છે જ્યારે કોઈ ભારતીય વડાપ્રધાન સક્રિય યુદ્ધ ક્ષેત્રમાં જશે. 1991માં યુક્રેનને સ્વતંત્રતા મળ્યા બાદ ભારતીય સરકારના વડાની પણ આ પ્રથમ મુલાકાત હશે. યુક્રેનની યાત્રાને પગલે દુનિયાભરની નજર મોદી પર મંડાઇ છે. તેઓ યુધ્ધ રોકાવવા માટે પ્રયત્નશીલ રહ્યા છે
પોલૈંડ સાથે જૂનો નાતો
મોદીએ પોતાના નિવેદનમાં કહ્યું કે હું પોલેન્ડ અને યુક્રેનની સત્તાવાર મુલાકાતે જઈ રહ્યો છું. મારી આ મુલાકાત પોલેન્ડ સાથે રાજદ્વારી સંબંધોના 70 વર્ષ પૂર્ણ થવાના અવસર પર થઈ રહી છે. પોલેન્ડ મધ્ય યુરોપમાં અમારું આર્થિક ભાગીદાર છે. યુક્રેનની મુલાકાત અંગે પીએમએ કહ્યું કે તેઓ યુક્રેન સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલ પર રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે તેમના મંતવ્યો શેર કરવા આતુર છે.
આ પહેલા મોદીએ પુતિનને કહ્યું હતું કે યુદ્ધના મેદાનમાં ઉકેલ શોધી શકાતો નથી અને સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલ માટે ભારત શું પગલાં લઈ શકે છે તે જોવા માટે તેમની યુક્રેનની મુલાકાત પર નજર રાખવામાં આવી રહી છે.
વડાપ્રધાન ડોનાલ્ડ ટસ્કને મળશે
મોદીએ કહ્યું કે તેઓ એવા સમયે પોલેન્ડની મુલાકાતે છે જ્યારે બંને દેશો રાજદ્વારી સંબંધોની 70મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છે. તેમણે કહ્યું કે પોલેન્ડ મધ્ય યુરોપમાં મુખ્ય આર્થિક ભાગીદાર છે. વડાપ્રધાન ડોનાલ્ડ ટસ્ક અને રાષ્ટ્રપતિ એન્ડ્રેજ ડુડાને મળવા ઉપરાંત મોદી દ્વિપક્ષીય ભાગીદારીને આગળ વધારવા પોલેન્ડમાં ભારતીય સમુદાયના સભ્યોને પણ મળશે.