ગાઝાને ઊભું કરવા 70 અબજ ડોલરની જરૂર: પુનઃનિર્માણ માટે પીસ બોર્ડના સભ્ય દેશો 5 અબજ ડોલર આપશે, ડોનાલ્ડ ટ્રમ્પે કરી જાહેરાત
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગાઝા પટ્ટીના પુનઃનિર્માણ માટે બનાવેલા નવા આંતરરાષ્ટ્રીય મંચ “બોર્ડ ઓફ પીસ” અંગે મહત્વની જાહેરાત કરી છે. ટ્રમ્પના જણાવ્યા મુજબ બોર્ડના સભ્ય દેશોએ મળીને અંદાજે 5 અબજ ડોલર આપવાની પ્રાથમિક પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે, જેને વોશિંગ્ટનમાં યોજાનારી પ્રથમ બેઠકમાં ઔપચારિક રીતે જાહેર કરવામાં આવશે.
ટ્રમ્પે કહ્યું કે બોર્ડ ઓફ પીસ ઇતિહાસનું સૌથી મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય મંચ સાબિત થશે અને તે પોતે તેના અધ્યક્ષ તરીકે કાર્ય કરશે. તેમના અનુસાર ફક્ત નાણાંકીય સહાય જ નહીં પરંતુ ગાઝામાં સ્થિરતા જાળવવા માટે હજારો આંતરરાષ્ટ્રીય સુરક્ષા તથા પોલીસ દળો પણ મોકલવાની તૈયારી સભ્ય દેશોએ દર્શાવી છે.
જો કે કયા દેશો કેટલી રકમ આપશે તેની સ્પષ્ટ માહિતી આપવામાં આવી નથી, પરંતુ ઇન્ડોનેશિયાની સેનાએ માનવતાવાદી અને શાંતિ મિશન હેઠળ ગાઝામાં મોકલવા માટે લગભગ 8,000 સૈનિકો જૂન અંત સુધી તૈયાર રાખવાની જાહેરાત કરી છે. ટ્રમ્પને મળેલી આ પહેલી સત્તાવાર સૈનિકીય પ્રતિબદ્ધતા માનવામાં આવે છે.
આ પણ વાંચો:શોએબ અખતરે ભારત સામે હાર બાદ મહોસીન નકવી ઉપર માછલા ધોયા, કહ્યું-તદન નકામો,અભણ,જાહીલ: ગાળો દેવાનું જ બાકી રાખ્યું
વોશિંગ્ટનમાં યોજાનારી પ્રથમ બેઠકમાં 20થી વધુ સભ્ય દેશોમાંથી કેટલા દેશો હાજર રહેશે તે હજી સ્પષ્ટ નથી. ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ હાજર રહેવાની શક્યતા નથી. નોંધનીય છે કે કેટલાક યુરોપિયન સહયોગી દેશો આ બોર્ડમાં સામેલ નથી થ્યાં જો કે ગાઝાનું પુનઃનિર્માણ અત્યંત મુશ્કેલ ગણાય છે. સંયુક્ત રાષ્ટ્ર, વર્લ્ડ બેંક અને યુરોપિયન યુનિયનના અંદાજ પ્રમાણે બે વર્ષથી વધુ સમય સુધી ચાલેલા ઇઝરાયલી બોમ્બમારામાં ગાઝાના મોટા ભાગના વિસ્તારો ધ્વસ્ત થયા છે અને સમગ્ર પુનઃનિર્માણ માટે આશરે 70 અબજ ડોલર ખર્ચ આવશે.
