જમ્મુ-કાશ્મીરમાં ઠાર થયેલા 60 ટકા આતંકી પાકના હતા : સેના પ્રમુખે આપી માહિતી
દેશના સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ સોમવારે દેશની સરહદો અને સુરક્ષા અંગે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે ચીન, પાકિસ્તાન, મ્યાનમાર સરહદ અને કાશ્મીર પર સુરક્ષા માટે લેવામાં આવી રહેલા પગલાં વિશે માહિતી આપી હતી. તેમણે પીસી દરમિયાન એવી માહિતી આપીહતી કે જમ્મુ- કાશ્મીરમાં પાછલા વર્ષે માર્યા ગયેલા આતંકીઓ પૈકી 60 ટકા પાકિસ્તાની હતા.
એમણે એમ પણ કહ્યું હતું કે આજની સ્થિતિમાં ખીણમાં જે કોઈ પણ આતંકીઓ બચેલા છે તે પૈકીનાં 80 ટકા પાકિસ્તાની જ છે તેવું લાગે છે . જો કે જવાનો હમેશા સક્રિય અને જાગૃત હોય છે . એલએસી અંગે એમણે કહ્યું કે અહીં સ્થિતિ સ્થિર છે પણ સામાન્ય નથી.
આર્મી ચીફે કહ્યું કે મારું મિશન સંપૂર્ણ સ્પેક્ટ્રમ તૈયારી સુનિશ્ચિત કરવાનું અને ભારતીય સેનાને આત્મનિર્ભર ભવિષ્ય માટે તૈયાર કરવાનું છે, જેથી તે રાષ્ટ્રીય સુરક્ષા પ્રણાલીમાં એક સંબંધિત અને મુખ્ય સ્તંભ બની શકે, જે રાષ્ટ્ર નિર્માણમાં પણ અર્થપૂર્ણ યોગદાન આપે છે.
સતત પેટ્રોલિંગ થાય છે
ચીન સાથેના તણાવ અને તાજેતરના વિકાસ પર બોલતા, જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું, “પરિસ્થિતિ સંવેદનશીલ છે પણ સ્થિર છે. ડેમચોકના ડેપ્સાંગમાં પેટ્રોલિંગ શરૂ થઈ ગયું છે. અમારી જમાવટ સંતુલિત અને મજબૂત છે.
એલએસી વિશે વાત કરતા તેમણે કહ્યું કે મેં મારા બધા કોર્પ્સ કમાન્ડરોને પેટ્રોલિંગ અને ચરાઈને લગતા આ મુદ્દાઓ (ચીન સરહદ) ને જમીની સ્તરે સંભાળવાની જવાબદારી સોંપી છે, જેથી આ નાના મુદ્દાઓ લશ્કરી સ્તરે જ ઉકેલી શકાય. . તેમણે કહ્યું કે એલએસી પર આપણી પોતાની તૈનાતી પણ સંતુલિત અને મજબૂત છે.