દિલ્હી : આપના પૂર્વ મંત્રી રાજકુમાર સહિત 6 આગેવાનો ભાજપમાં જોડાયા
આપના પૂર્વ ધારાસભ્ય કરતાર સિંઘે પણ કેસરી ખેસ પહેરી લીધો
દિલ્હી સરકારના પૂર્વ મંત્રી રાજકુમાર આનંદ બુધવારે ભાજપમાં જોડાયા હતા. લોકસભા ચૂંટણી પહેલા તેમણે દિલ્હી સરકારને અનુસૂચિત જાતિ વિરોધી ગણાવીને મંત્રી પદની સાથે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. તેઓ બસપમાં જોડાયા અને લોકસભા ચૂંટણી લડ્યા હતા. પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો. બુધવારે તેઓ ભાજપમાં જોડાયા હતા. બીજેપીના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહ અને દિલ્હી પ્રદેશ ભાજપ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ તેમનું પાર્ટીમાં સ્વાગત કર્યું હતું.
આ ઉપરાંત છતરપુરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય કરતાર સિંહ તંવર પણ પાર્ટી છોડીને બીજેપીમાં જોડાયા હતા. પટેલ નગરના ભૂતપૂર્વ ધારાસભ્ય વીણા આનંદ, છતરપુરના કાઉન્સિલર ઉમેશ સિંહ ફોગાટ, હિમાચલ પ્રદેશના આપના પ્રભારી રતનેશ ગુપ્તા અને સહ-પ્રભારી સચિન રાય પણ ભાજપમાં જોડાઈ ગયા હતા.
આ એ જ રાજકુમાર આનંદ છે, જે દિલ્હી સરકારમાં સમાજ કલ્યાણ મંત્રી હતા. જ્યારે અરવિંદ કેજરીવાલ જેલમાં હતા ત્યારે તેમણે આપ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો અને પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું અને બીએસપીમાં જોડાયા હતા. આ પછી બસપાએ તેમને નવી દિલ્હી સીટથી લોકસભાની ટિકિટ આપી હતી. જો કે દિલ્હીમાં બસપા પાસે સમર્થન નથી.