PPFના 6 કરોડ એકાઉન્ટ હોલ્ડર્સને મળી મોટી રાહત : આ ફેરફાર કરવા માટે નહીં લાગે ચાર્જ, નાણામંત્રીએ કરી જાહેરાત
કેન્દ્ર સરકારે PPF એકાઉન્ટ હોલ્ડર્સ માટે મોટી રાહત જાહેર કરી છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ શેર કરતાં જણાવ્યું છે કે, PPF ખાતામાં નોમિની અપડેશન માટે હવે કોઈ ચાર્જ ચૂકવવો પડશે નહીં. તદ્દન મફતમાં આ સેવાનો લાભ લઈ શકાશે. નાણા મંત્રીની આ જાહેરાતથી દેશના આશરે 6 કરોડથી વધુ લોકોને લાભ થશે. અત્યાર સુધી આ કામ માટે રૂપિયા 50 ફી લેવાતી હતી.
સરકારે નોટિફિકેશન મારફત PPF ખાતામાં નોમિની ઉમેરવાના નિયમોમાં ફેરફાર કર્યો હોવાનું જણાવ્યું હતું. નાણા મંત્રી નિર્મલા સીતારમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ અંગે જણાવ્યું હતું કે, PPF એકાઉન્ટમાં નોમિનીની વિગતો અપડેટ કરવા માટે અમુક નાણાકીય સંસ્થાઓ પાસેથી ચાર્જ વસૂલવામાં આવી રહ્યો હતો. જે હવે તદ્દન ફ્રી કરવામાં આવ્યો છે. આમ સરકાર જેમ બને તેમ બધા જ કામ શ્રલતથાઈ થાય તે માટે પ્રયાસ કરી રહી છે .
સરકારે બીજી એપ્રિલના રોજ નોટિફિકેશન જાહેર કરી સ્પષ્ટતા કરી હતી કે, PPF એકાઉન્ટમાં નોમિની અપડેશન પર લાગુ તમામ ચાર્જ દૂર કરવામાં આવ્યા છે. સરકારી બચત સંવર્ધન સામાન્ય નિયમ 2018માં આ મહત્ત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. જે મુજબ, સરકાર દ્વારા સંચાલિત સ્મોલ સેવિંગ્સ સ્કીમ્સ માટે નોમિની રદ કરવા તેમજ તેમાં ફેરફાર કરવા માટે ચાર્જ પેટે રૂ. 50 વસૂલવામાં આવતા હતાં.
PPFમાં નોમિની અપડેશન મફત કરવાની સાથે બેન્કિંગ સુધારા બિલ 2025 હેઠળ બેન્કોના સેવિંગ્સ એકાઉન્ટ, કરન્ટ એકાઉન્ટ, લોકર, એફડીના ખાતેદારોની જેમ PPF ખાતેદારો પણ ચાર નોમિની સામેલ કરી શકશે.