રાજકોટમાં ૧ વર્ષમાં ૫૯ અકસ્માત ઘટ્યા: સારી બાબત, ટ્રાફિક જામથી લોકો પીલાય છે તેનું શું ? ખરાબ બાબત
ડીસીપી ટ્રાફિકે એક વર્ષમાં કેટલા અકસ્માત ઘટ્યા, કેટલા દંડની વસૂલાત થઈ, કેટલા કાર્યક્રમ થયા તેની વિગતો જાહેર કરી
રોજ કેટલા વિસ્તારમાં ટ્રાફિકજામ થાય છે, એ જામ ન થાય તેના માટે શું કર્યું, પોઈન્ટ પર પોલીસ આરામ' કરે'ને ટીઆરબી જ
કામ’ કેમ કરે છે એ જાહેર કરવાનું ટાળ્યું !!
બ્લેક ફિલ્મ હજુ પણ વેચાઈ રહી છે, સ્કૂલવાનમાં હજુ પણ ઠસોઠસ બાળકો ભરાય જ છે, બસ સ્ટેન્ડ પાછળ હજુ પણ વાહનોના થપ્પા લાગે જ છે ? શા માટે ?
રાજકોટ માટે માથાના દુ:ખાવા સમાન સમસ્યા કઈ છે ? આ પ્રશ્ન દસ લોકોને પૂછવામાં આવે તો તેમાંથી આઠ લોકો એમ જ કહેશે કે ટ્રાફિક સમસ્યા…! અત્યાર સુધીમાં અનેક અધિકારીઓ બદલાઈ ગયા પરંતુ સમસ્યા ઘટવાની જગ્યાએ વકરી ગઈ છે. ૨૦૨૪નું વર્ષ પૂર્ણ થવા તરફ છે જ્યારે આખા વર્ષ દરમિયાન ટ્રાફિક પોલીસે શું કામગીરી કરી તેનું સરવૈયુ જાહેર કરવામાં આવ્યું છે. પોલીસે દાવો કર્યો છે કે પાછલા વર્ષની તુલનાએ આ વર્ષે અકસ્માતની સંખ્યામાં ૫૯નો ઘટાડો આવ્યો છે. આ બાબત અત્યંત આવકારદાયક છે અને હજુ પણ આ સંખ્યામાં ઘટાડો થાય તે ઈચ્છનીય છે પરંતુ દરેક શહેરીજનનો યક્ષપ્રશ્ન એ જ છે કે દરરોજ ટ્રાફિકજામથી જે પીડા અનુભવાઈ રહી છે તેનો ઉકેલ ક્યારે આવશે ?
ડીસીપી (ટ્રાફિક) પૂજા યાદવ દ્વારા જાહેર કરાયા પ્રમાણે ૨૦૨૩માં કુલ ૧૬૬ ફેટલ અકસ્માત થયા હતા જેની સામે આ વર્ષે ૧૫૧, ૨૦૨૩માં ૨૧૯ ગંભીર અકસ્માત થયા હતા જેની સામે આ વર્ષે ૨૦૩, ૨૦૨૩માં ૭૯ સામાન્ય અકસ્માત થયા હતા જેની સામે આ વર્ષે ૫૧ અકસ્માત થયા છે. આમ ૨૦૨૩માં કુલ ૪૬૪ અકસ્માતની સામે આ વર્ષે ૪૦૬ અકસ્માત નોંધાયા છે.
શહેરમાં અકસ્માત ઘટે તે વાત આવકારવી જ ઘટે પરંતુ અકસ્માત ઘટાડીને પોલીસની કામગીરી પૂરી થઈ જતી નથી. શહેરમાં અત્યારે સાંજ પડે એટલે કોઈને કોઈ વિસ્તારમાં વાહનના થપ્પા લાગી જતાં હોય છે. આ અંગેની બોલતી તસવીરો અને વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થાય છે ત્યારે આ જામને ઘટાડવા માટે પોલીસ શું કાર્યવાહી કરી છે તેની વિગતો ડીસીપી દ્વારા જાહેર કરવામાં આવી નથી.
ખાસ વાત એ છે કે ટ્રાફિક પોઈન્ટ ઉપરનો પોલીસ સ્ટાફ `આરામ’ કરે અને જેની મુળ કામગીરી છે જ નહીં તે ટીઆરબી વોર્ડન દંડ ઉઘરાવવા, વાહન રોકવા સહિતની કામગીરી શા માટે કરે છે તેનો જવાબ પણ ડીસીપી સહિતના કોઈ આપી શકે તેમ નથી.
ડીસીપી દ્વારા બ્લેક ફિલ્મનું વેચાણ કરતાં ધંધાર્થીઓ સામે કેટલા કેસ કર્યા તેની વિગત જાહેર કરાઈ છે આમ છતાં હજુ પણ છાનેખૂણે વેચાણ ચાલું જ છે ત્યારે એ શા માટે થઈ રહ્યું છે તેનો જવાબ પણ આપવો જોઈએ. આ ઉપરાંત હજુ પણ અનેક વિસ્તારમાં સ્કૂલવાનમાં ઠસોઠસ વિદ્યાર્થીઓ ભરવામાં આવે છે તો એસ.ટી.બસપોર્ટ પાછળ મનાઈ હોવા છતાં હજુ પણ વાહનના ખડકલા જોવા મળે છે ત્યારે આ બધું રોકવા માટે પોલીસ કેમ નિષ્ફળ જઈ રહી છે તેનો જવાબ પણ આપવો જોઈએ.
એક વર્ષમાં રાજકોટીયન્સે ભર્યો ૯.૫૩ કરોડનો દંડ
૨૦૨૪ના વર્ષમાં ૩,૫૩,૭૨૨ રાજકોટીયન્સે ૯,૫૩,૮૦,૪૧૦ રૂપિયાનો દંડ ભરપાઈ કર્યો હોવાનું ટ્રાફિક પોલીસ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. આ દંડમાં બ્લેક ફિલ્મ, ચાલું મોબાઈલ પર વાતચીત, લાયસન્સ વગર ડ્રાઈવિંગ, ત્રિપલ સ્વારી, હેલ્મેટ વગર વાહન ચલાવવું, સીટબેલ્ટ ન બાંધવો, નંબરપ્લેટ વગર વાહન ચલાવવા ઉપરાંત પોલીસ દ્વારા યોજવામાં આવતી ટ્રાફિક ડ્રાઈવ અંતર્ગત ઝપટે ચડેલા વાહન ચાલકોએ ભરપાઈ કરેલા દંડનો સમાવેશ થાય છે.