લો બોલો ! સમૂહ લગ્નમાં 555 દીકરીઓને સોનાની જગ્યાએ મેટલના ઘરેણાં ધાબડી દેવાયા, પોલીસ તપાસ શરૂ
રાજકોટમાં થોડા સમય પહેલાં રેલનગરમાં સમૂહ લગ્નનું આયોજન કરી આયોજકો પૈસા ઉઘરાવીને ફરાર થઈ જતાં પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી હતી જ્યારે ચંદ્રેશ છત્રોલા નામનો મુખ્ય સૂત્રધાર હજુ હાથમાં આવ્યો નથી ત્યાં ગત મહિને 27 એપ્રિલે ઈન્ટરનેશનલ એરપોર્ટ પાસે 555 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન શિવાજી સેના ગુજરાત દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં સોનાની જગ્યાએ મેટલના ઘરેણાં ધાબડી દેવામાં આવ્યા હોવાના આક્ષેપ થતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
સમૂહલગ્નમાં પરણનાર સોનલબેન વસંતભાઈ વોરા (રહે.લખતર)એ પોલીસમાં કરેલી અરજીમાં જણાવ્યું છે કે શિવાજી સેના ગુજરાત દ્વારા 555 દીકરીઓનો 26મો સમૂહ લગ્ન કાર્યક્રમ 27 એપ્રિલને રવિવારે યોજવામાં આવ્યો હતો. આ સામૂહિક લગ્નમાં સોનલબેનને પરણાવવા માટે તેમના પિતા વસંતભાઈ વોરાએ પણ ફોર્મ ભર્યું હતું. ફોર્મ ભર્યું ત્યારે સમૂહ લગ્નના આયોજક વિક્રમ સોરાણી, પીન્ટુ પટેલ, અક્ષય ધાડવી દ્વારા અમને જણાવાયું હતું કે દીકરીને કરિયાવરમાં સોના-ચાંદીનું દાન આપવાનું છે. આ પ્રકારની જાહેરાત પત્રિકા મારફતે પણ કરવામાં આવી હતી. આયોજકો દ્વારા વરપક્ષ પાસેથી 21,000 લેવામાં આવ્યા હોવાનું પણ અરજીમાં જણાવાયું હતું.
લગ્ન પૂર્ણ થયા બાદ કરિયાવરમાં આવેલો સોનાનો દાણો જ્વેલર્સ પાસે તપાસ કરાવાતાં બગસરાનો હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત વીંટી સહિતના ઘરેણા અન્ય ધાતુના હોવાનું ધ્યાન પર આવ્યું હતું. એકંદરે સોનાનો દાણો, પગના કોયડા, ચાંદીની વીંટી સહિતનું બધું જ ખોટું નીકળ્યું હતું. આટલું ઓછું હોય તેમ મા માટલાના નામે કન્યાની વિદાય વખથે પરાણે રૂા.2100 લેવામાં આવ્યાનું પણ અરજીમાં જણાવાયું હતું. એકંદરે આ સમૂહ લગ્નના આયોજકો વિક્રમ સોરાણી, પિન્ટુ પટેલ, રોશની પ્રજાપતિ, અક્ષય ધાડવી, રાહુલ શીશા, પ્રિયંકા, જયંતી સહિતનાએ મળીને 555 કન્યા સાથે છેતરપિંડી કરી હોય તેમની સામે ગુનો દાખલ કરવા માંગ કરવામાં આવી હતી.
બીજી બાજુ સમૂહ લગ્નના આયોજક વિક્રમ સોરાણીએ જણાવ્યું હતું કે અમે એકમાત્ર સોનાની ચૂંક આપવાનો વાયદો કર્યો હતો. આ સિવાય અન્ય જે વસ્તુ જેમાં વીંટી, ચાંદીના વીંછીયા, સીક્કો સહિતની વસ્તુ અન્ય મેટલની હોવાનું કહ્યું હતું કેમ કે આ વસ્તુ અમને દાતા તરફથી મળી હતી. જ્યારે એરપોર્ટ પોલીસ મથકના પીઆઈ સાવલિયાનો સંપર્ક સાધવામાં આવતાં તેમણે કહ્યું હતું કે કૂવાડવા રોડ પોલીસ મથક તરફથી અમને અરજી ટ્રાન્સફર કરવામાં આવી છે જે હજુ સુધી મળી નથી. અરજી મળ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.