થોડી તો દયા રાખો…અમેરિકામાં ICE દ્વારા 5 વર્ષના બાળકની અટકાયત,સ્કૂલમાંથી ઘરે આવ્યો એ સાથે જ ઉઠાવી લીધો,જાણો શું છે મામલો
અમેરિકામાં ઇમિગ્રેશન કાર્યવાહી હેઠળ મિનેસોટામાં માત્ર પાંચ વર્ષના બાળકને ICE (ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એનફોર્સમેન્ટ) દ્વારા અટકાયત કરી ડીટેન્શન સેન્ટરમાં મોકલી અપાતા ભારે રોષની લાગણી ફેલાઈ છે.પ્રી-સ્કૂલમાંથી ઘરે પરત ફરેલા ઇક્વાડોરિયન બાળક લિયમ કોનેજો રામોસને તેના પિતા સહિત અટકાવી બાદમાં ટેક્સાસના ડિલી સ્થિત ફેમિલી ડિટેન્શન સેન્ટરમાં ખસેડવામાં આવ્યો હોવાનું પરિવારના વકીલે જણાવ્યું છે.
સાક્ષીઓના જણાવ્યા અનુસાર, લિયમ તેના પિતા સાથે પ્રી-સ્કૂલથી પરત ફર્યો ત્યારે ઘરના ડ્રાઇવવેમાં માસ્ક પહેરેલા અને હથિયારધારી ફેડરલ એજન્ટ્સે પહેલા પિતાને અટકાવ્યો હતો .ઘટનાના દ્રશ્યો સોશિયલ મીડિયામાં વ્યાપક રીતે ફરતા થયા છે, જેમાં બાળક ભયભીત હાલતમાં નજરે પડે છે.
કોલંબિયા હાઇટ્સ પબ્લિક સ્કૂલ ડિસ્ટ્રિક્ટના સુપરિન્ટેન્ડન્ટ ઝીના સ્ટેનવિકે જણાવ્યું કે આ અગાઉ પણ સ્કૂલના ત્રણ બાળકોની આ રીતે જ અટકાયત કરવામાં આવી હતી. પરિવારના વકીલ મુજબ, બાળક અને તેના પિતા બંને અમેરિકા ખાતે કાયદેસર રીતે આશ્રય માગનાર છે અને તેમનો કેસ હજુ પેન્ડિંગ છે.
આ પણ વાંચો :નવતર પહેલ: રાજ્યની 13 હજારથી વધુ ગ્રામ પંચાયતોમાં ‘બાલિકા પંચાયત’ની રચના, દીકરીઓને તાલીમ આપી વધુ સશક્ત બનાવાશે
સ્કૂલ સંચાલનનો આરોપ છે કે પિતાની ધરપકડ બાદ ICE એજન્ટ્સે બાળકને તેની માતાને ઘરમાંથી બહાર લાવવા માટે ‘બેટ’ તરીકે ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો. સ્કૂલ અધિકારીઓ અને પડોશીઓએ બાળકને સંભાળવાની તૈયારી બતાવી હોવા છતાં મંજૂરી ન અપાઈ હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો. હોમલેન્ડ સિક્યોરિટી વિભાગે જો કે આ આરોપોને નકારી કાઢ્યા છે. વિભાગના જણાવ્યા મુજબ, બાળકના પિતાએ જ બાળકને પોતાની સાથે રાખવાનો આગ્રહ કર્યો હતો અને બાળકની સુરક્ષા માટે એક અધિકારી તેની સાથે રહ્યો હતો.
વર્તમાન અને પૂર્વ ઉપરાષ્ટ્રપતિ સામસામે
સોશિયલ મીડિયા પર આ ઘટના એટલી વાયરલ થઈ કે અમેરિકાના વર્તમાન ઉપરાષ્ટ્રપતિ જેડીવેન્સ અને પૂર્વ ઉપરાષ્ટ્રપતિ સામસામે આવી ગયા હતા. ઉપપ્રમુખ જેડી વેન્સએ ICEના બચાવમાં કહ્યું કે બાળકના પિતાએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને બાળકને એકલું છોડ્યું હતું. તેમણે પૂછ્યું કે શું અધિકારીઓ પાંચ વર્ષના બાળકને ઠંડીમાં મરી જવા દે? બીજી તરફ પૂર્વ ઉપપ્રમુખ કમલા હેરિસે ઘટનાની કડક ટીકા કરતા લખ્યું,“ શું પાંચ વર્ષના બાળક ગુનેગાર છે ?લિયમ રામોસ માત્ર એક બાળક છે. તેને પરિવાર સાથે ઘેર હોવું જોઈએ.”
