રાજકોટ, ગોંડલ અને જસદણમાં 48 આયોજકોએ ઇલેક્ટ્રિક સેફટી સર્ટિફિકેટ મેળવ્યા : રાજકોટમાં 43 સ્થળોએ ગરબા આયોજન માટે 68 કનેક્શન અપાયા
TRP ગેમઝોન દુર્ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા મેળા, ગરબા સહિતના આયોજનમાં સ્ટેજ સેફટી અને સ્ટેબિલિટી સર્ટિફિકેટ, ઇલેક્ટ્રિક સેફટી સર્ટિફિકેટ, ફાયર સેફટી, એન્ટ્રી-એક્ઝિટની અલગ વ્યવસ્થા તેમજ સીસીટીવી સહિતના નિયમો ફરજીયાત બનાવ્યા છે ત્યારે રાજકોટ, ગોંડલ અને જસદણમાં નવરાત્રીના 48 આયોજકોએ ઇલેક્ટ્રિક સેફટી સર્ટિફિકેટ રજૂ કરી 68 જેટલા હંગામી વીજ કનેક્શન મેળવ્યા હોવાનું સામે આવ્યું છે.
રાજકોટમાં TRP ગેમઝોન દુર્ઘટના બાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકમેળા, નવરાત્રીના અર્વાચીન રાસતોત્સવ તેમજ જ્યાં -જ્યાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થતા હોય તેવા આયોજન માટે સ્ટેજ સેફટી અને સ્ટેબિલિટી સર્ટિફિકેટ, ઇલેક્ટ્રિક સેફટી સર્ટિફિકેટ, ફાયર સેફટી, એન્ટ્રી-એક્ઝિટની અલગ વ્યવસ્થા તેમજ સીસીટીવી સહિતના નિયમો ફરજીયાત બનાવ્યા છે. નવરાત્રી સંદર્ભે પણ રાજકોટ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ઉપરોક્ત તમામ નિયમોના ચુસ્ત પાલન માટે જાહેરનામું અમલી બનાવ્યું છે ત્યારે રાજકોટ શહેર અને જિલ્લામાં ચાલુ વર્ષે 48 આયોજકો દ્વારા ઇલકેટ્રીક સેફટી સર્ટિફિકેટ મેળવી 68 હંગામી વીજ કનેક્શન મેળવ્યા છે. જેમાં રાજકોટ શહેરમાં 43, ગોંડલમાં એક તેમજ જસદણમાં પાંચ આયોજકોએ આવા સર્ટિફિકેટ મેળવ્યા હોવાનું સામે આવ્યું છે.
