એક્ટર રાજપાલ યાદવ અને કપિલ શર્મા સહિત 4 સેલિબ્રિટીને મળ્યો જાનથી મારી નાખવાનો ધમકી ભર્યો ઈમેલ, પોલીસ તપાસ શરૂ
કોમેડિયન અને અભિનેતા કપિલ શર્મા અને રાજપાલ યાદવને ધમકીભર્યો ઈમેલ મોકલવામાં આવ્યો છે. આ ઇમેઇલ કથિત રીતે પાકિસ્તાનથી મોકલવામાં આવ્યો છે. આ બે સ્ટાર્સ ઉપરાંત સુગંધા મિશ્રા અને રેમો ડિસોઝાને પણ ધમકીઓ મળી છે. આ મામલે પોલીસે ફરિયાદ નોંધી છે.
શરૂઆતની તપાસમાં શું ખુલ્યું ?
અભિનેતા રાજપાલ યાદવ, હાસ્ય કલાકાર કપિલ શર્મા, સુગંધા મિશ્રા અને રેમો ડિસોઝાને મળેલા ધમકીભર્યા ઇમેઇલના કેસમાં પોલીસે એફઆઈઆર નોંધી છે અને તપાસ ચાલુ છે. આ સ્ટાર્સને ઈમેલ મોકલનાર વ્યક્તિએ ધમકી આપી છે કે જો આઠ કલાકમાં આ સ્ટાર્સ તરફથી કોઈ જવાબ નહીં મળે તો કાર્યવાહી કરવામાં આવશે. રિપોર્ટ અનુસાર, શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે ધમકીભર્યો ઈમેલ પાકિસ્તાનથી મોકલવામાં આવ્યો હતો.
સ્ટાર્સના નજીકના મિત્રો અને પરિવારને નિશાન બનાવવામાં આવ્યા હતા
ઈમેલમાં ફક્ત આ સ્ટાર્સ જ નહીં, પરંતુ તેમના નજીકના લોકો અને સંબંધીઓને પણ નિશાન બનાવવામાં આવ્યા છે. આ મામલે મુંબઈના અંબોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે કલમ 351 (3) હેઠળ કેસ દાખલ કર્યો છે. પોલીસ તપાસ મુજબ, ઈમેલનો આઈપી એડ્રેસ પાકિસ્તાનનો છે. હાલમાં, આ સ્ટાર્સ કે તેમના પરિવારો દ્વારા આ સંદર્ભમાં કોઈ નિવેદન જારી કરવામાં આવ્યું નથી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ધમકીભર્યો ઈમેલ વિષ્ણુ નામના વ્યક્તિ દ્વારા મોકલવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું હતું કે, ‘અમે આ બધું પબ્લિસિટી સ્ટંટ તરીકે નથી કરી રહ્યા. અમારી પાસે તમારી બધી પ્રવૃત્તિઓ વિશે માહિતી છે. અમને આગામી 8 કલાકમાં તમારા તરફથી તાત્કાલિક પ્રતિસાદની અપેક્ષા છે. જો અમને કોઈ જવાબ નહીં મળે, તો અમે માની લઈશું કે તમે આ બાબતને ગંભીરતાથી નથી લઈ રહ્યા – વિષ્ણુ. પોલીસ IP એડ્રેસ અને અન્ય ટેકનિકલ માહિતીના આધારે તેની તપાસ કરી રહી છે.
‘મામલાની તપાસ કરવામાં આવી રહી છે’
કપિલે આ મામલે ફરિયાદ નોંધાવી છે. કપિલ શર્મા ઉપરાંત, આવો જ ઈ-મેલમાં બોલિવૂડ એક્ટર રાજપાલ યાદવ, હાસ્ય કલાકાર સુગંધા શર્મા અને ડાન્સ કોરિયોગ્રાફર રેમો ડિસોઝાના નામ પણ શામેલ છે. સુગંધા અને રેમોએ આ મામલે મુંબઈ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ ઉપરાંત રાજપાલ યાદવની પત્ની રાધા યાદવે મુંબઈના અંબોલી પોલીસ સ્ટેશનમાં એક અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે કહ્યું છે કે આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. આ કેસમાં, મુંબઈ પોલીસે BNS ની કલમ 351(3) હેઠળ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. પોલીસે તપાસ શરૂ કરી છે. જોકે, આ અંગે કપિલ શર્મા, રાજપાલ યાદવ કે રેમો ડિસોઝા તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
પાકિસ્તાનથી આવ્યો હતો ઈ-મેલ
આ સેલિબ્રિટીઓની ફરિયાદ બાદ, મુંબઈ પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે અને આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ધમકીભર્યા ઈમેલ પાકિસ્તાનથી આવ્યા છે, જેનું ઈ-મેલ એડ્રેસ don99284@gmail.com છે. મેસેજ મોકલનાર વ્યક્તિનું નામ વિષ્ણુ હોવાનું કહેવાય છે, જેણે આ સ્ટાર્સને ધમકી આપી છે.