‘I love Muhammad’ તોફાનો બાદ બરેલીમાં 38 દુકાનો સીલ: સ્થાનિક તંત્ર દ્વારા રાતોરાત કરવામાં આવી કાર્યવાહી
ઉતર પ્રદેશના બરેલીમાં “આઇ લવ મુહમ્મદ” પોસ્ટર વિવાદને લઈને થયેલા તોફાનો બાદ સ્થાનિક તંત્ર દ્વારા કથિત રીતે વકફની જમીન પર આવેલી 38 દુકાનોને સીલ કરી દેવામાં આવી હતી. દુકાનદારોએ આ કાર્યવાહી વેરભાવના કારણે કરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો હતો, જ્યારે જિલ્લા તંત્રે તેને કાયદો અને શાંતિ જાળવવા માટે જરૂરી ગણાવી હતી.
બરેલી શહેરના નૉવેલ્ટી ચોક વિસ્તારમાં આવેલી લગભગ 38 દુકાનોને સોમવારે રાતોરાત ખાલી કરાવીને સીલ કરી દેવામાં આવી હતી. આ દુકાનો મુખ્યત્વે કપડાં અને ચપ્પલ-સૅન્ડલ જેવી વસ્તુઓનું વેચાણ કરતી હતી. દુકાનદારોનું કહેવું છે કે આ તમામ દુકાનો વકફ બોર્ડની માલિકીની જમીન પર આવેલી છે અને વર્ષોથી તેઓ ભાડે વ્યવસાય ચલાવતા હતા.
અસરગ્રસ્ત દુકાનદારોએ આક્ષેપ કર્યો કે ગયા શુક્રવારે “આઇ લવ મુહમ્મદ” અભિયાનને લઈને પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચેની અથડામણ બાદ તંત્રે બદલો લેવા માટે આ કાર્યવાહી કરી છે.એક દુકાનદાર મોહમ્મદ વારિસે જણાવ્યું કે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જમીન માલિકી મુદ્દે કેસ દાખલ કરવામાં આવ્યો હતો, પણ અમારી પાસે અદાલતનો સ્ટે ઓર્ડર છે. છતાં અમને કોઈ નોટિસ આપ્યા વિના ત્રણ કલાકમાં દુકાનો ખાલી કરવા મજબૂર કરવામાં આવ્યા. આ કાર્યવાહી ઇત્તેહાદ-એ-મિલ્લત કાઉન્સિલ *(IMC) અને તેના પ્રવક્તા ડૉ. નફીસ અહમદ વિરુદ્ધ રાજકીય વેરભાવના કારણે કરવામાં આવી હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો.
આ પણ વાંચો :“તું મારી સાથે સૂઈશ કે નહીં?”દિલ્હી અશ્લીલ બાબાની વોટ્સએપ ચેટ લીક, UN અને બ્રિક્સના વીઝીટીંગ કાર્ડ્સ મળ્યા
જો કે જિલ્લા કલેક્ટર *(DM) અવિનાશ સિંહે દુકાનદારોના આક્ષેપોને નકારી કાઢતા કહ્યું કે તમામ દસ્તાવેજોની તપાસ કર્યા બાદ જ આ કાર્યવાહી હાથ ધરાઇ છે. તેમણે કોઈની પાસે દસ્તાવેજ હોય તો રજુ કરવા જણાવ્યું હતું. સાથે જ તેમણે, તોફાનો દરમિયાન જેઓએ કાયદો અને શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરનાર આવો વિરુદ્ધ લેવાની ચેતવણી આપી હતી.
આ પણ વાંચો :રૂ.8 લાખ પરત મેળવવા પોલીસ મથકના પગથિયા ઘસવા મજબૂર બન્યો રાજકોટનો યુવાન : વડાપ્રધાન સુધી કરવી પડી ફરિયાદ
નોંધનીય છે કે શુક્રવારની ઘટનાઓ બાદ પોલીસે *IMC પ્રમુખ તૌકીર રઝા સહિત 56 લોકોની ધરપકડ કરી હતી. તંત્રે રવિવારે એક અન્ય આરોપી સાથે જોડાયેલા ત્રણ બેન્ક્વેટ હૉલ પણ સીલ કર્યા હતા. આ વચ્ચે શહેરના કેટલાક વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવા સોમવાર સાંજ સુધી બંધ રાખવામાં આવી હતી.
