મુંબઈ એરપોર્ટ પર ખાનગી ચાર્ટર વિમાન ક્રેશ થતાં 3 ઘાયલ
ભારે વરસાદ વચ્ચે વિમાન રન -વે પરથી ફસડાઈ ગયું હતું ,જાનહાની નથી
મુંબઈ એરપોર્ટ પર એક પ્રાઈવેટ ચાર્ટર વિમાન રન -વે પરથી એકાએક ઊતરી ક્રેશ થવાની ઘટના બની હતી જેમાં 3 લોકો ઘાયલ થયા હતા. આ વિમાનમાં 6 મુસાફરો અને 2 ક્રુ મેમ્બર સવાર હતા. વિમાન ખરાબ હવામાનના કારણે ક્રેશ થયું હોવાનું કહેવાય છે. મળતા અહેવાલો મુજબ મુંબઈ એરપોર્ટ પર તમામ વિમાનોનું ટેકઓફ અને લેન્ડિંગ સાંજથી બંધ કરી દેવામાં આવ્યું હતું.
ડીજીસીએએ કહ્યું હતું કે, કોઈ જાનહાનીના અહેવાલો મળ્યા નથી. આ વિમાન વિશાખાપટ્ટનમથી મુંબઈ એરપોર્ટ માટે આવી રહ્યું હતું, ત્યારે ક્રેશ થયું હતું .
VSR વેન્ચર્સ લિયરજેટ 45 વિમાન વીટી-ડીબીએલ મુંબઈ એરપોર્ટ પર રનવે-27 પર લેન્ડ થતી વખતે લપસી ગયુ હતું અને ત્યારે વરસાદ ચાલુ હતો. વિમાનમાં 6 મુસાફરો અને 2 ક્રુ સભ્યો સવાર હતા. ભારે વરસાદના કારણે વિઝિબિલિટી માત્ર 700 મીટર હતી.
પ્લેન ક્રેશ થયા બાદ મુંબઈ એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ તેમજ બચાવ ટીમ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી પુરજોશમાં શરૂ કરી દીધી હતી. એરપોર્ટ પર તમામ પ્લેનોનું લેન્ડિંગ અને ટેકઓફ બંધ કરી દેવામાં આવ્યું હતું.