કેનેડામાં કાર એક્સિડન્ટમાં 3 ભારતીય યુવકોના મોત
બ્રેમ્પટન ખાતે ‘બની ઘટના : મૃતદેહોને ભારત પરત લાવવા ક્રાઉડ ફંડિંગ શરૂ, હજારો ડોલરની જરૂર
કેનેડાના બ્રેમ્પટન ખાતે એક રોડ એક્સિડન્ટમાં ત્રણ ભારતીય યુવાનોના મોત થયા છે. તેમાંથી બે યુવાનો સગા ભાઈ છે. પોલીસે જણાવ્યા પ્રમાણે માર્ગ અકસ્માતમાં 23 વર્ષના રિતિક છાબરા, તેનો 22 વર્ષીય ભાઈ રોહન છાબરા અને તેમનો 24 વર્ષીય મિત્ર ગૌરવ ફાસગે માર્યા ગયા છે. કેનેડાના બ્રેમ્પટન ખાતે અત્યંત સ્પીડમાં જતી કારને એક્સિડન્ટ નડ્યા પછી ત્રણ ભારતીયોના મોત નિપજ્યા છે.
ત્રણેય યુવાનોના મૃતદેહોને ભારત લાવવાનું વિકટ કામ હવે કરવાનું છે જેના માટે ફંડ એકત્રીકરણ શરૂ કરવામાં આવ્યું છે જેથી તેમના પરિવારજનોને આ યુવકોના બોડી મળી શકે. પોલીસે જણાવ્યું કે એક્સિડન્ટ વખતે કાર અત્યંત હાઈ સ્પીડમાં હતી. જોકે, અકસ્માત કઈ રીતે થયો તે જાણી શકાયું નથી.
રિપોર્ટ્સ પ્રમાણે વહેલી સવારે આ અકસ્માત થયો હતો. પોલીસે આ કેસમાં એક વ્યક્તિની ધરપકડ પણ કરી છે. એવું માનવામાં આવે છે કે બે કાર વચ્ચે રેસ લગાવવામાં આવી હતી જેમાં એક કાર પોતાનો કન્ટ્રોલ ગુમાવી બેસી હતી અને તેની ટક્કર થઈ ગઈ હતી. અકસ્માતમાં મૃત્યુ પામનાર રિતિક છાબરાનો તો તે દિવસે બર્થડે હતો. રિતિક માટે જન્મદિવસ જ જીવલેણ સાબિત થયો છે.
ત્રણ યુવાનોના મોત પછી એક યુવકના કઝીને Gofundme પર ડોનેશન માટે અરજી કરી છે કારણ કે તે પોતાના ભાઈને ભારત પરત લાવવા માટે નાણાકીય મદદ ઈચ્છે છે.
ગૌરવના ભાઈએ લખ્યું છે કે તેના મૃતદેહને ભારત પરત લાવવા માટે લગભગ 12,000 ડોલરનો ખર્ચ થશે. જ્યારે રિતિક અને રોહનની કેનેડામાં અંતિમ વિધિ કરવા માટે લગભ 16,000 ડોલરની જરૂર પડશે. બંને માટે આઠ-આઠ હજાર ડોલરની જરૂર પડશે. અમે કુલ મળીને 65,000 ડોલર એકઠા કરવા માટે ટાર્ગેટ રાખ્યો છે જેથી વધારાની રકમ તેના પરિવારજનોને આપીને તેમને મદદ કરી શકાય.