મહારાષ્ટ્રની હોસ્પિટલમાં એક દિવસમાં 12 નવજાત સહિત 24 દર્દીઓના મોતથી હડકંપ મચ્યો
મહારાષ્ટ્રમાં નાંદેડની સરકારી હોસ્પિટલમાં 24 કલાકમાં 24 લોકોના મોત થયા છે. જેમાં 12 શિશુઓનો સમાવેશ થાય છે. આ ઘટનાથી આરોગ્ય વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. લોકોએ હોસ્પિટલમાં હંગામો મચાવ્યો હતો અને આ મામલે તપાસની માંગ કરી રહ્યા છે. આ મામલો નાંદેડની શંકરરાવ ચવ્હાણ સરકારી હોસ્પિટલનો છે. પુખ્ત વયના જે દર્દીઓના મોત થયા છે તેમના મોટાભાગના સાપ કરડ્યો હતો અને તેની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયા હતા.
કોણ હતા દર્દીઓ
હોસ્પિટલના ડીને કહ્યું કે વિવિધ બીમારીઓને કારણે છેલ્લા 24 કલાકમાં 24 લોકોના મોત થયા છે જેમાંના મોટાભાગના સર્પદંશના કિસ્સા હતા. 12 નવજાતના પણ મોત થયા છે.
24 દર્દીઓના કેમ થયા મોત
આ ઘટનામાં દવાઓની અછત મોતનું કારણ ગણાવાયું છે. હાફકીન ટ્રેનિંગ, રિસર્ચ એન્ડ ટેસ્ટિંગ ઈન્સ્ટીટ્યૂટે દવાઓ ખરીદવાનું બંધ કરી દીધું છે. આ કારણે રાજ્યભરની સરકારી હોસ્પિટલોમાં દવાઓની ભારે અછત સર્જાઇ છે. દવાઓનો સમયસર પુરવઠો ન મળવાને કારણે દર્દીઓ પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. આવી સ્થિતિમાં શંકરરાવ ચવ્હાણ સરકારી હોસ્પિટલમાં છેલ્લા 24 કલાકમાં 24 દર્દીઓના મોત થયા છે. હોસ્પિટલમાં સ્ટાફની અછતને પણ મોતનું કારણ ગણાવાઈ રહ્યું છે.
શું બોલ્યાં હોસ્પિટલના ડીન
સરકારી હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ એસ.આર.વાકોડેએ એવો દાવો કર્યો હતો કે મૃતકોમાં વધારાના દર્દીઓનો પણ સમાવેશ થાય છે. દર્દીઓને છેલ્લી ઘડીએ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.