2025 : પેન્શનથી લઈને થાઈલેન્ડની ટ્રીપ સુધી બધામાં ધરખમ ફેરફારો વાજતે ગાજતે આવી રહ્યા છે !!
૨૦૨૫ ની ધમાકેદાર શરૂઆત થઇ ગઈ છે- એવું બધા કહેતા હોય છે. પરંતુ થોભો. ધમાકા હવે થશે. ૨૦૨૫ કઈ આપણા માટે ફૂલોની પાંખડી પાથરેલો પાથ લઈને નથી આવી રહ્યું. ધમાકો આપણા ખિસ્સામાં થવાનો છે. આ વર્ષ આપણું પાકીટ હળવું કરશે. આ જ સાલ આપણા ડેબીટ કાર્ડ, ક્રેડીટ કાર્ડ સૌથી વધુ ઘસાશે. યુપીઆઈ ટ્રાન્ઝેક્શનમાં મોટી મોટી કિંમતો વાળા આંકડાથી ચુકવણી કરવી પડશે. નિયમો અને કાયદાઓ પણ બદલાઈ રહ્યા છે. જીએસટી સિવાય વિઝાના નિયમો પણ બદલી રહ્યા છે. બહુ બધા ફેરફારો આવી રહ્યા છે. ફેરફારો તો ઘટાડાના પણ હોય અને વધારાના પણ. પરંતુ ૨૦૨૫ માં મુખ્યત્વે બધું વધવાનું છે. શું?
1. એલપીજી ગેસ
રાંધણ ગેસના બાટલાની વાત આવે એટલે ખબર નહિ કેમ આપણને બધાને સ્મૃતિ ઈરાની યાદ આવે. ભાજપના સભ્યો હવે ભલે ‘ક્યું કી સાસ ભી કભી બહુ થી’ના નાયિકાજીને યાદ ન કરતા હોય પણ એલપીજી ગેસ બોટલની વાત નીકળે એટલે સ્મૃતિ મેડમ યાદ આવ્યા વિના રહે નહિ. ખેર, બીત ગઈ સો બાત ગઈ. અત્યારે એલપીજી સાથે શું થઈ રહ્યું છે? આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવ વધી રહ્યા છે. એલપીજી પ્રોસેસ કરવાની પ્રક્રિયા ખર્ચાળ બની રહી છે. નિર્મલાજીને ગમે ત્યારે ટેક્સ વધારવાનો મૂડ આવતો હોય છે. તો મિત્રો, તૈયાર રહો – એલપીજીના ભાવ વધી શકે છે.
વર્તમાન ભાવ: દિલ્હીમાં સ્થાનિક એલપીજીની કિંમત ₹803 છે, ઘણા મહિનાઓથી યથાવત છે, પરંતુ કોમર્શિયલ એલપીજીના દરો સતત વધી રહ્યા છે.
2. મોટરગાડીના ભાવ – પમ પમ પમ
દર વર્ષના ડીસેમ્બરમાં ગાડીની કંપનીઓ સ્ટોક ક્લીયરન્સ કરે કારણ કે જાન્યુઆરીથી ભાવ વધવાના હોય. આ વખતે પણ એવું છે જ. કાર કંપનીઓએ ભાવવધારો જાહેર કરી દીધો છે. જુદા જુદા સેગમેન્ટની ગાડીઓમાં ૨ થી ૪ ટકાનો ધરખમ વધારો આવી રહ્યો છે. તેના કારનો છે – ઉત્પાદન ખર્ચમાં વધારો, વધુ વેતન, નૂર શુલ્ક અને ભારતીય ચલણની ફોરેકસ માર્કેટમાં વધઘટ. મારુતિ, હ્યુન્ડાઈ, ટાટા સહિત તમામ મુખ્ય કાર બ્રાન્ડ્સના ભાવ વધશે. સાથે સાથે BMW અને Audi જેવી લક્ઝરી બ્રાન્ડ પણ ભાવ વધારશે.
3. ઇન્ટરનેટને સેવા કહેતો હો તો સેવા મોંઘી કેમ થાય?
ડેટા રિચાર્જના ભાવવધાર્રમાં નવું શું છે? Jio, Airtel અને BSNL જેવા ટેલિકોમ ઓપરેટર મોબાઈલ ડેટા ચાર્જમાં વધારો કરી શકે છે. કારણ કે ટેલિકોમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા માટે ટેલિકોમ્યુનિકેશન વિભાગના નવા નિયમો આવ્યા છે જેની સાથે કમ્પ્લાય કરવું પડે એમ છે. (રાઈટ ઓફ વે રૂલ્સ, 2024)
4. ફિક્સ્ડ ડિપોઝિટ (FD) નિયમો અપડેટ કર્યા
ફિક્સ્ડ ડીપોઝીટ પર મળતા વ્યાજના દરો તો સતત ઘટી રહ્યા છે. હોમ લોન અને કાર લોનના ભાવ સતત વધી રહ્યા છે. પચાસ વર્ષ પછી લોકો બેન્કિંગ સીસ્ટમ ઉપર ભરોસો કરશે કે કેમ તે સવાલ છે. ખેર, ૨૦૨૫ માં ભારતીય રિઝર્વ બેંક દ્વારા નિર્ધારિત NBFCs અને HFCs સાથે FD માટે નવા સલામતીનાં પગલાં બદલાઈ રહ્યા છે. બેંકના ખાતાધારકોને ખાસ કઈ ફરક નહિ પડે પણ બેન્કર્સનું કામ વધી જશે. પ્રવાહી અસ્કયામતોના સંચાલન અને થાપણો સ્વીકારવા પર કડક માર્ગદર્શિકા દ્વારા જાહેર થાપણોને વધુ સારું રક્ષણ મળશે. જો કે વ્યાજદર ઘટશે કે નહિ તેના વિષે અત્યારે કઈ પણ સ્પષ્ટ થયું નથી.
5. પેન્શન
ઉપરના ચાર ફેરફારો તણાવ આપે એવા હતા તો આ રાહતદાયી છે. પેન્શનર લોકો માટે સારા સમાચાર છે. પેન્શનરો વધારાની ચકાસણી વિના એટલે કે બિનજરૂરી ફોર્માલીટી વિના કોઈપણ બેંક શાખામાંથી પોતાના પૈસાનો સીધો ઉપાડ કરી શકે છે. આ હકારાત્મક ફેરફારથી ઘણા લાભો થશે. જેમ કે – EPFO હેઠળના 78 લાખથી વધુ પેન્શનરોને કેન્દ્રિય પેન્શન ચુકવણી સિસ્ટમનો લાભ મળશે. વડીલોના આશીર્વાદ મેળવી રહી છે સરકાર. (માસ્ટરસ્ટ્રોક?)
6. GST બનશે કડક
GST એવી માથાકૂટ છે કે એમાં દર થોડા દિવસે ફેરફારો આવે જ રાખે. જો કે હવે જીએસટી કડકાઈથી વસુલવા માટે અમુક ફેરફારો કરવામાં આવ્યા છે. ભાઈ કા, ચાચા કા, બાપ કા- સબ કા જીએસટી કાટેગી વો નિર્મલા તાઈ. ચાલો, મજાક છોડીને સીરીયસ વાત કરીએ. મલ્ટિ-ફેક્ટર ઓથેન્ટિકેશનનું અનુપાલન થશે. બહેતર સુરક્ષા માટે તમામ GST પોર્ટલ વપરાશકર્તાઓ માટે ફરજિયાત બનાવવામાં આવશે. બીજા ફેરફારોમાં એવું છે કે બીલ માટેના આધાર દસ્તાવેજો 180 દિવસથી વધુ જૂના ન હોવા જોઈએ. બીલ તેમની બનાવટની તારીખથી 360 દિવસથી આગળ વધારી શકાતા નથી. (આ ફેરફાર લાગુ કરવા બદલ જે ખર્ચો થશે એ વળી પોપકોર્નને બદલે સેવ-મમરા ઉપર જીએસટી નાખીને વસુલવામાં આવશે?)
7. UPI 123Pay મર્યાદા બમણી
જે પણ વાચક મિત્રો UPI 123Pay વાંચીને માથું ખંજવાળી રાય છે તે લોકો માટે સરળ શબ્દોમાં વ્યાખ્યા:- UPI 123Pay એ પેમેન્ટ સોલ્યુશન છે જે વપરાશકર્તાઓને સ્માર્ટફોન અથવા ઇન્ટરનેટ કનેક્શનની જરૂરિયાત વિના યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) ID નો ઉપયોગ કરીને ડિજિટલ વ્યવહારો કરવા દે છે. સમજાયું ને? હવે આગળ વાત. UPI 123Pay માટે ટ્રાન્ઝેક્શન મર્યાદા ₹5,000 થી વધીને ₹10,000 થશે.
8. જૂના એન્ડ્રોઇડ ફોન પર WhatsApp બંધ?!
શું? વ્હોટસએપ બંધ? ના ના- ચિંતા ન કરો. જુના ફોનની વાત નથી ચાલતી આ તો KitKat (Samsung, LG, HTC, વગેરે) જેવી જૂની ઓપરેટિંગ સિસ્ટમ ચલાવતા ફોનની વાત છે. બાબા આદમના જમાનાની ઓપરેટીંગ સીસ્ટમ જે ફોનમાં હશે તેમાં વ્હોટસએપ નહિ ચાલે. પણ આવું શા માટે? મેટાનો જવાબ છે – ફોર બેટર સિક્યોરીટી રીઝન્સ.
9. અમેરીકાના વિઝા નિયમો બદલાયા
રિશેડ્યુલિંગ ફ્લેક્સિબિલિટી: અરજદારો કોઈપણ વધારાના શુલ્ક વિના એકવાર વિઝા એપોઇન્ટમેન્ટ ફરીથી શેડ્યૂલ કરી શકે છે.
H-1B પ્રક્રિયાનું આધુનિકીકરણ: નવા નિયમો, 17 જાન્યુઆરી, 2025 થી અમલી, F-1 વિઝા ધારકો માટે સંક્રમણને સરળ બનાવશે.
10. થાઈલેન્ડની નવી ઈ-વિઝા સિસ્ટમ
થાઈલેન્ડનું નામ વાંચીને ઘણાને ગલગલીયા થાય. હવે તો એ દેશે વિઝાની પ્રોસેસ સાવ સરળ કરી નાખી છે. તમામ દેશોના પ્રવાસીઓ હવે ઈ-વિઝા માટે ઓનલાઈન અરજી કરી શકશે, જેનાથી થાઈલેન્ડની મુસાફરી માટે વધુ જફા નહિ. થાઈલેન્ડમાં સૌથી વધુ પ્રવાસીઓ ભારતીય જ હોય છે – આ હકીકત ભૂલવી નહિ.
તો આ વર્ષ દરમિયાન સરેરાશ ભારતીયના જીવનના રોજીંદા કામોમાં ઘણા ફેરફારો આવશે. ફુગાવો વધી રહ્યો છે અને આઈપીઓ લાગતા નથી. તો શું કરીશું? આખો દિવસ ઇન્સ્ટાગ્રામની રીલ જોવાના બદલે મહેનત કરીશું. તમારા બજેટ અને દિનચર્યાને તે મુજબ ગોઠવવા માટે એડવાન્સ પ્લાનિંગ કરીશું.