2008 મુંબઈ આતંકી હુમલો : સરકાર પર અમેરિકાનું દબાણ હોવાથી PAK સામે કાર્યવાહી કરવામાં આવી નહીં, કોંગી નેતા ચિદમ્બરમની કબૂલાત
કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી પી. ચિદમ્બરમે એક મહત્વનો ખુલાસો કર્યો છે. તેમણે વર્ષ 2008ના મુંબઈ આતંકવાદી હુમલા અંગે કહ્યું કે તત્કાલીન યુપીએ સરકાર પર ભારે આંતરરાષ્ટ્રીય દબાણ હતું. વિદેશ મંત્રાલયના વલણને જોતાં પાકિસ્તાન સામે બદલો લેવાની કાર્યવાહી કરવામાં આવી ન હતી. એમણે કહ્યું કે તેમણે બદલો લેવાનું વિચાર્યું હતું, પરંતુ સરકાર તેનાથી સહમત નહોતી. અમેરિકાના દબાણને લીધે પાકને જવાબ આપી શકાયો નહતો.
ચિદમ્બરમે કહ્યું હતું કે “હું ગૃહમંત્રી એ દિવસે બન્યો જ્યારે આતંકવાદીઓ માર્યા હતા. છેલ્લા આતંકવાદીને 30 નવેમ્બરે માર્યો હતો. મને લાગે છે કે તે રવિવારનો દિવસ હતો, જ્યારે વડાપ્રધાને મને બોલાવ્યો હતો. મને કહેવામાં આવ્યું હતું કે તમને નાણા મંત્રાલયમાંથી ગૃહ મંત્રાલયમાં મોકલવામાં આવી રહ્યા છે, પરંતુ હું તેના માટે તૈયાર નહોતો. તેમણે કહ્યું અમે પહેલાથી જ નિર્ણય લઈ ચૂક્યા છીએ.” આમ હવે રહી રહી ને આ બારામાં કોઈ કબૂલાત થઈ છે ત્યારે ફરીવાર આ બારામાં રાજકીય નિવેદન બાજી શરૂ થઈ છે. જો કે આ વિષે હજુ પણ અનેક ચોખવટ થઈ શકે છે.
ચિદમ્બરમે કહ્યું, “મને સુરક્ષા દળોની તૈયારીઓ વિશે ખબર નહોતી.” મને આપણી ગુપ્તચર એજન્સીઓ દ્વારા કરવામાં આવેલી તૈયારીઓની કોઈ જાણકારી નહોતી. મને ગુપ્તચર એજન્સીઓ દ્વારા પાકિસ્તાન અને પડોશમાં બનાવવામાં આવેલા સંસાધનો વિશે કોઈ જાણકારી નહોતી. મારા મનમાં આવ્યું કે બદલો લેવો જોઈએ. મે વડાપ્રધાન અને અન્ય ખાસ લોકો સાથે આ મામલે વાત કરી, પરંતુ નિષ્કર્ષ મોટાભાગે વિદેશ મંત્રાલય અને આઈએફએસ થી પ્રભાવિત હતો કે આપણે પરિસ્થિતિ પર સીધી પ્રતિક્રિયા ન આપવી જોઈએ, પરંતુ તેની જગ્યાએ કૂટનીતિક અભિગમ અપનાવવો જોઈએ.”
તેમણે સ્વીકાર કરતા કહ્યું, ” એ સમયે અમેરિકી વિદેશ મંત્રી કોંડોલીઝા રાઈસ, મારા પદ સંભાળવાના બે-ત્રણ દિવસ બાદ મને અને વડાપ્રધાનને મળવા આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે પ્રતિક્રિયા ન આપો.”
