ટેક્સ ચોરી માટે ૨૦૦ ટકા દંડ, ૫૦ લાખથી વધુની ચોરી બદલ જેલ
નાણામંત્રી નિર્મલા સીતારમણે ગુરુવારે લોકસભામાં નવું આવકવેરા બિલ 2025 સંસદના બંને ગૃહોમાં રજૂ કર્યું હતું. આ નવો કાયદો આવકવેરા કાયદા 1961નું સ્થાન લેશે. ૬૩ વર્ષ પછી થઈ રહેલા આ મોટા પરિવર્તનમાં ઘણા મહત્વપૂર્ણ સુધારા કરવામાં આવ્યા છે.
બુધવારના રોજ બહાર પાડવામાં આવેલા ડ્રાફ્ટ કોપી અનુસાર, નવો આવકવેરા કાયદો પહેલા કરતા ટૂંકો, સરળ અને સમજવામાં સરળ હશે. આનાથી કરદાતાઓ માટે જટિલતા ઓછી થશે અને કર પ્રણાલી વધુ સ્પષ્ટ બનશે. નવો કાયદો ૨૦૨૬ એપ્રિલમાં લાગુ થશે.

આ છે મહત્વના ફેરફાર
નવા કાયદા હેઠળ વર્ચ્યુઅલ કરન્સી પર ટેક્સ લાગશે. તેને બિનઘોષિત આવક ગણવામાં આવશે. ડિજિટલ વ્યવહારોને પણ કાયદાકીય રીતે કંટ્રોલ કરવામાં આવશે . નોકરિયાત કરદાતાઓ ડિજિટલ પ્રૂફ આપી શકશે , પહેલા દસ્તાવેજ આપવા પડતાં હતા.
ટીડીએસ રિટર્ન ના કરવા બદલ દરરોજ રૂપિયા ૫૦૦ ની પેનલ્ટી લાગશે . આ પહેલા રૂપિયા ૧૦ હજારથી ૧ લાખ સુધીની પેનલ્ટી હતી. આવક વેરા દરોડામાં ઇલેક્ટ્રોનિક રેકોર્ડ, ડિજિટલ પુરાવા વગેરેને વર્ચ્યુઅલલી સીઝ કરી શકાશે. દરેક દાનનું ઓડિટ અનિવાર્ય બનશે.
એ જ રીતે ટેક્સ ચોરી કરવા બદલ હવે ૨૦૦ ટકા દંડ વસૂલવામાં આવશે . જો ૫૦ લાખ થી વધુની ટેક્સ ચોરી કરી હોય તો જેલ સજાની જોગવાઈ પણ કરાઇ છે . રૂપિયા ૨ લાખથી વધુ રકમની રોકડ લેવડ-દેવડ કરી હોય તો ૧૦૦ ટકા પેનલ્ટી લાગશે. રૂપિયા ૧૦ લાખથી વધુની રોકડ ડિપોઝિટ હોય તો રિપોર્ટિંગ જરૂરી બનશે.