રાજકોટમાં આપઘાતના 2 બનાવ : આર્થિક ભીંસથી કંટાળી આધેડનો આપઘાત, બીમારીથી કંટાળી વૃદ્ધે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
રાજકોટમાં ગઇકાલે આપઘાતના બે બનાવ પોલીસ ચોપડે નોંધાય હતા.પ્રથમમાં કોઠારીયા રોડ નંદા હોલ નજીક ખોડિયાર સોસાયટીમાં રહેતાં આધેડે આર્થિક ભીંસથી કંટાળી આપઘાત કર્યો હતો.જ્યારે બીજા બનાવમાં રામનાથપરામાં રહેતાં વૃધ્ધે રાતે ઘરેથી નીકળી જઈ ઘર નજીક જ આવેલા પોતાના ગેરેજમાં જઇ આપઘાત કરી લેતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.
પ્રથમ બનાવની વિગત મુજબ નંદા હોલથી બાબરીયા કોલોની જવાના રસ્તા પર આવેલી ખોડિયાર સોસાયટી-૪માં રહેતાં મયુરભાઇ વસંતભાઇ કથરાણી (ઉ.વ.૪૬) નામના આધેડે છતના હુકમાં શાલ બાંધી ગળાફાંસો ખાઇ લેતાં ૧૦૮ને જાણ કરાઇ હતી. જેઓએ મૃત જાહેર કરતાં ઘટનાની જાણ ભક્તિનગર પોલીસને કરતાં પીએસઆઇ જે. જે. ગોહિલ સહિતના સ્ટાફે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરતાં જાણવા મળ્યું હતું કે,આપઘાત કરનાર મયુરભાઇ છુટક મજૂરી કરતાં હતાં. તેના માતા-પિતા હયાત ન હોઇ હાલમાં પોતે પત્નિ અને એક પુત્રી સાથે ખોડિયાર સોસાયટીમાં કાકાના મકાનમાં રહેતાં હતાં. દેણુ વધી જવાથી અગાઉ તેનું મકાન પણ વેંચાઇ ગયું હતું. હાલમાં આર્થિક ભીંસ પણ ઉભી થઇ હોઇ કંટાળી આ પગલું ભર્યું હતું.
બીજા બનાવમાં રામનાથપરા શેરી નં. ૧૮માં રહેતાં રફિકભાઇ અબ્દુલભાઇ પાયક (ઉ.વ.૫૯) નામના વૃધ્ધે ઘર નજીક શેરી નં. ૨૦માં આવેલા પોતાના રિક્ષા રીપેર કરવાના ગેરેજમાં છતમાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ લેતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ તબિબે તેમને મૃત જાહેર કર્યા હતા. આપઘાત કરનાર રફિકભાઈ ત્રણ ભાઇ અને બે બહેનમાં નાના હતાં. સંતાનમાં ત્રણ દિકરી અને એક દિકરો છે. વહેલી સવારે દિકરી જાગી ત્યારે પિતા ઘરમાં જોવા ન મળતાં પરિવારજનો શોધખોળ કરવા માટે નજીકમાં જ આવેલા ગેરેજ ખાતે ગયા ત્યારે ત્યાં તેઓ લટકતાં મળી આવ્યા હતા.પરિવારજનોના કહેવા મુજબ રફિકભાઇ કેટલાક સમયથી બિમાર હોઇ માનસિક અસ્વસ્થ થઇ જતાં તેની દવા પણ ચાલુ હતી.જેથી બીમારીથી કંટાળીને આ પગલુ ભરી લીધુ હતું.