19મો દિવસ 400 એર સ્ટ્રાઈક, 140 મોત
લેબનોનના અનેક લશ્કરી થાણા તબાહ વધુ એક હોસ્પિટલ નજીક બોમ્બમારો
ઇઝરાયલ હમાસનું યુદ્ધ જેમ જેમ આગળ વધતું જાય છે તેમ તેમ ઇઝરાયલની એર સ્ટ્રાઈકની સંખ્યા વધતી જાય છે. સોમવારે રાત્રે ઇઝરાયલે ગાઝા ઉપર 4000 એર સ્ટ્રાઈક કરી હતી. આ હુમલામાં 140 નાગરિકો માર્યા ગયા હોવાનું ગાઝાએ જાહેર કર્યું હતું. મૃતકોમાં મોટાભાગના બાળકો અને મહિલાઓ હતા. ખાન યુનિસ શહેરમાં ઇઝરાયેલી બોમ્બ મારામાં ચાર માળનું મકાન ધરાશયી થતા 32 લોકોના મૃત્યુ થયા હતા. તેમાં એક જ પરિવારના 13 સભ્યોનો સમાવેશ થાય છે.
ઇઝરાયેલી સેનાના પ્રવક્તા ડેનિયલ હગારિએ જણાવ્યા મુજબ સોમવારે રાત્રે ગાઝામાં 400 ટાર્ગેટ ઉપર બોમ્બ ફેકવામાં આવ્યા હતા. એ હુમલામાં હમાસ અને પેલેસ્ટાઈન ઇસ્લામિક જેહાદ સંગઠનના આશ્રયસ્થાનો, લશ્કરી થાણાઓ,ઓબ્ઝર્વેશન પોસ્ટ તેમજ મોર્ટાર અને એન્ટી ટેંક ગાઇડેડ મિસાઈલ પેડ નષ્ટ કરી દેવામાં આવ્યા હતા. એ હુમલામાં હમાસના વધુ એક ટોચના કમાન્ડર ઈબ્રાહીમ આલ શાખેરને પણ પતાવી દેવામાં આવ્યો હતો. 2021 માં મિસાઈલ હુમલા દ્વારા ઇઝરાયેલના સાર્જન્ટ ઓમાર કબીરને મારી નાખવાનો ઈબ્રાહીમ પર આરોપ હતો અને ઇઝરાયેલ ઘણા વખતથી તેની તલાશમાં હતું.
ઇઝરાયલે જણાવ્યા અનસાર સોમવારની એર સ્ટ્રાઈકમાં ગાઝા પટ્ટીના રાજાઇમા, સાતવી, જબાલીયા, ગર્જ તફા અને સાઈટોન ઉપરાંત સેન્ટ્રલ ગાઝા ઉપર હુમલા કરી આતંકીઓના છુપા સ્થાનો અને ટનલોને નાશ કરવામાં આવી હતી.
લેબેનોન સરહદ પર ધમાસણ
લેબેનોન સ્થિત હેઝબોલ્લાહ સંગઠનના લડાકુએ ઇઝરાયેલી નગરો ઉપર મિસાઈલ અને રોકેટ મારો ચાલુ રાખ્યો હતો. નાની ટેકરીઓના આડમાંથી આ લડાકુઓએ ઇઝરાયેલી સેના પર હુમલા કર્યા હતા. વળતા પગલા તરીકે ઇઝરાયલ એ લેબેનોના રામેશ, સબા હોકુલા, શેબા અને કફ્ર સુબા શહેરો પર એર સ્ટ્રાઈક કરી હેઝબોલ્લાહ ના લશ્કરી થાણાઓને તબાહ કરી નાખ્યા હતા. એ સરહદ પર યુદ્ધ વધુ ભીષણ બનવાના એંધાણ વર્તાતા બુસ્તાન, થેરા અને દાયારીન નગરોને ખાલી કરી દેવાયા હતા.
ત્રણ દેશના અમેરિકી થાણા ઉપર હુમલા
બાઇડન ચાલુ ભાષણે વોર રૂમમાં પહોંચ્યા
સીરિયામાંથી અમેરિકન લશ્કરી થાણા ઉપર હુમલા કરવામાં આવતા યુદ્ધની સ્થિતિએ ગંભીર વળાંક લીધો છે. સીરિયાના હાઉથી આતંકીઓ દ્વારા સાઉદી અરેબિયાના આલ શદાદ, ઈરાકના અલ તાંફ અને સીરીયાના ઓલ ઓમાર ખાતેના અમેરીકી લશ્કરી મથકો ઉપર મિસાઈલ અને સ્યુસાઇડ ડ્રોન દ્વારા હુમલા કરવામાં આવ્યા હતા. હમાસની તરફેણમાં હવે હેઝબોલ્લાહની માફક જ સીરિયાના આતંકવાદી જૂથો પણ ખુલ્લેઆમ મેદાનમાં આવી જતા મોટો ભડકો થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. સોમવારે અમેરિકાના વડાપ્રધાન જો બાઇડન રાષ્ટ્રજોગ પ્રવચન કરી રહ્યા હતા ત્યારે અચાનક જ એ ભાષણ અડધેથી પડતું મૂકી અને વોર રૂમમાં દોડ્યા હતા. સીરીયાએ કરેલા હુમલાના સંદર્ભમાં તેઓને વોર રૂમમાંથી તેડું આવ્યું હોવાનું માનવામાં આવે છે.
ઈન્ડોનેશિયા હોસ્પિટલમાં અંધારપટ
ગાઝાના બેઇટ લાહિયા નગરમાં આવેલી ઇન્ડોનેશિયા હોસ્પિટલમાં જનરેટર માટેનો ડીઝલનો જથ્થો ખતમ થઈ જતા હોસ્પિટલમાં અંધારપટ છવાઈ ગયો હતો. જનરેટરના અભાવે ઓક્સિજન પ્લાન્ટ બંધ થઈ ગયા હતા. તબીબોએ મોબાઇલ ફોનની ટોર્ચ ના આધારે ઓપરેશનો કરવા પડ્યા હતા. જોકે વીજ પુરવઠો ખોરવાવાને કારણે બેટરી ચાર્જ ન થતા હવે મોબાઈલ ફોન પણ ઠપ્પ થવા લાગ્યા છે. ગાઝાની અલ અવાહ હોસ્પિટલ ને બોમ્બમારામાં નુકસાન થયા બાદ દર્દીઓ અને ઘાયલોની ટેન્ટમાં સારવાર કરવામાં આવે છે. રવિવારે ઇઝરાયલે અલ વફા હોસ્પિટલના પ્રવેશ દ્વાર અને તેની આસપાસના વિસ્તારમાં બોંબ મારો કરતા દર્દીઓ અને ઘાયલોમાં દોડધામ મચી ગઈ હતી. એક તરફ ઇઝરાયેલમાં આરોગ્ય માળખું ભાંગી પડ્યા પછી હજારો દર્દીઓ અને ઘાયલો તબીબી સારવારથી વંચિત છે ત્યારે પણ ઇઝરાયલે સોમવારે ફરી એક વખત ગાઝાની તમામ હોસ્પિટલો ખાલી કરી દેવાની ચેતવણી આપી હતી.
ઈરાની ચેતવણી: મિસાઈલ એટેક
કરવામાં સંકોચ નહીં અનુભવીએ
ઈરાનના ડેપ્યુટી મીલીટરી ચીફ અલી ફાદવીએ કહ્યું કે જરૂર પડ્યે ઇઝરાયેલના હાઇફા નગર ઉપર મિસાઈલ છોડવામાં ઈરાન જરા પણ સંકોચ નહીં અનુભવે. તેમણે કહ્યું કે ઇઝરાયેલ અને અમેરિકાની બહુ વખણાયેલી આયર્ન ડોન સિસ્ટમ નો સક્સેસ રેટ માત્ર 30 ટકા જ છે. તહેરાન યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓને સંબોધન કરતી વેળાએ તેમણે કહ્યું કે ઈઝરાયેલ જુલમી અને બર્બર છે. તે જ્યાં સુધી જુલમ બંધ નહીં કરે ત્યાં સુધી તેણે ભોગવતા રહેવું પડશે.
તો ઈરાન અને હેઝબોલ્લાહને પૃથ્વીના પટ ઉપરથી ભૂસી નાખશું
ઈરાનના ડેપ્યુટી મીલેટરી ચીફે ધમકી આપ્યા બાદ ઇઝરાયેલના લશ્કરી પ્રવક્તાએ કહ્યું હતું કે જો ઇઝરાયેલ ઉપર હુમલો કરવાની ભૂલ કરશે તો હેઝબોલ્લાહ અને ઈરાન બંનેને પૃથ્વીના પટ ઉપરથી ભૂસી નાખશું. આ અગાઉ અમેરિકાના પ્રમુખ જો બાયડને પણ ઈરાનને આ યુદ્ધથી દૂર રહેવા અને અન્યથા પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવાની ચીમકી આપી હતી
અનેક વિશ્વ નેતાઓ ઇઝરાયેલ ની મુલાકાતે
મંગળવારે ફ્રાન્સના પ્રમુખ એમેન્યુઅલ મેક્રો, ગ્રીક પ્રાઇમ મિનિસ્ટર કાયરા કોસમિત્સોતાકીર અને ડચ પ્રાઇમ મિનિસ્ટર માર્ક યુરે ઇઝરાયેલની મુલાકાતે પહોંચ્યા હતા. આ નેતાઓએ ઇઝરાયેલની પડખે હોવાનો વિશ્વાસ અપાવ્યો હતો. આ અગાઉ અમેરિકાના પ્રમુખ બાઈડન, અમેરિકાના વિદેશ મંત્રી અને ડિફેન્સ મિનિસ્ટર, યુકે ના વડાપ્રધાન રીશી સુંનક,જર્મનીના ચાન્સેલર અને ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન સહિત પશ્ચિમના અનેક દેશોના નેતાઓ અને વડાઓ ઇઝરાયેલની મુલાકાત લઈ ચૂક્યા છે.