નેપાળના કાઠમંડુમાં પ્લેન ક્રેશ થતા 18 મુસાફરોના મોત, દુર્ઘટનાની આ તસ્વીરોથી તમારું હૈયું કંપી જશે
નેપાળના કાઠમંડુમાં મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. ત્રિભુવન એરપોર્ટ પર ટેકઓફ દરમિયાન એક પેસેન્જર પ્લેન ક્રેશ થયું છે. આ વિમાનમાં 19 મુસાફરો હતા. અકસ્માત બાદ આમાંથી 18 મુસાફરોના મૃતદેહ મળી આવ્યા છે. આ અકસ્માતમાં પાયલોટનો જીવ બચી ગયો છે, જેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે વિમાન નેપાળના કાઠમંડુથી પોખરા જઈ રહ્યું હતું.
મળતી માહિતી મુજબ, સૂર્યા એરલાઈન્સનું પ્લેન નંબર 9N – AME (CRJ 200) હતું. પ્રારંભિક અહેવાલો સૂચવે છે કે વિમાન ટેકઓફ દરમિયાન રનવે પર લપસી ગયું હતું, જેના કારણે આ ભયાનક અકસ્માત થયો હતો. દુર્ઘટના બાદ પ્લેનમાંથી આગના ગોળા પણ નીકળતા જોવા મળ્યા હતા.
બચાવ કામગીરી ચાલુ
કાઠમંડુના ત્રિભુવન એરપોર્ટ પર આ દુર્ઘટના બાદ ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. રેસ્ક્યુ ટીમે વિમાનની આગને બુઝાવી દીધી છે. 18 લોકોના મૃતદેહો બહાર કાઢ્યા બાદ હવે બાકીના મુસાફરોની શોધ કરવામાં આવી રહી છે. વિમાનના પાયલોટ જે સુરક્ષિત રીતે બચી ગયા હતા તેની તબિયત સુધરે પછી અકસ્માત અંગે પૂછપરછ કરી શકાય છે.
અકસ્માતની તસવીરો સામે આવી
આ પ્લેન દુર્ઘટનાની કેટલીક તસવીરો સામે આવી છે, જેમાં જોવા મળી રહ્યું છે કે પ્લેનમાંથી આગની ઉંચી જ્વાળાઓ નીકળી રહી છે. દુર્ઘટનાને કારણે ત્રિભુવન એરપોર્ટ પર વિમાનોની અવરજવરને અસર થઈ છે.
ઘણી ફ્લાઈટ્સ ડાઈવર્ટ થઈ
આ દુર્ઘટના બાદ સાવચેતીના ભાગરૂપે ત્રિભુવન એરપોર્ટ પર લેન્ડિંગ કરી રહેલા વિમાનોના લેન્ડિંગને લખનૌ અને કોલકાતા તરફ વાળવામાં આવ્યા છે.
પ્રત્યક્ષદર્શીએ કહ્યું- ટેકઓફ થતાં જ ઝટકો લાગ્યો, પછી ક્રેશ થયું
ઘટનાસ્થળે હાજર રહેલા પ્રત્યક્ષદર્શીઓએ કાઠમંડુ પોસ્ટ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, “વિમાન રનવેના દક્ષિણી છેડેથી ઊડ્યું હતું. વિમાનને અચાનક જ ઝટકો લાગ્યો અને તેના વિંગ્સ જમીન પર અથડાયા. આ પછી પ્લેનમાં આગ લાગી ગઈ. ત્યાર બાદ તે રનવેના પૂર્વ ભાગમાં બુદ્ધા એર હેંગર અને રડાર સ્ટેશનની વચ્ચે પડી ગયું.
નેપાળમાં 2023માં થયેલી વિમાન દુર્ઘટનામાં 68 લોકોનાં મોત થયા હતા
નેપાળમાં દર વર્ષે પ્લેન ક્રેશ થવાની ઘટના સામે આવે છે. આ પહેલા 14 જાન્યુઆરી 2023ના રોજ નેપાળમાં વિમાન દુર્ઘટના થઈ હતી. આ દુર્ઘટનામાં કાઠમંડુથી 205 કિમી દૂર પોખરામાં યતિ એરલાઈન્સનું વિમાન ક્રેશ થયું હતું. તે ATR-72 પ્લેન હતું, જેમાં 68 મુસાફરો અને ચાર ક્રૂ મેમ્બર સવાર હતા. પોખરા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડિંગની માત્ર 10 સેકન્ડ પહેલા પ્લેન એક પહાડી સાથે અથડાયું હતું. જેના કારણે પ્લેનમાં આગ લાગી અને તે ખાઈમાં પડી ગયું.