આ છે રાજકોટનું ભવિષ્ય !! ગુંદાસરા ગામની સિમમાં આવેલા ફાર્મ હાઉસમાં મજા કરવા ભેગા થયા હતા ૧૪ મોટા ઘરના છોરું
ગોંડલ રોડ ઉપર ગુંદાસરા ગામની સિમમાં આવેલા ફાર્મ હાઉસમાં મજા કરવા ભેગા થયા હતા ૧૪ મોટા ઘરના છોરું
જે ઉંમર ભવિષ્યના ઘડતર માટેની હોય છે, જે ઉંમરે કંઈક બનવાની, કંઈક કરી છૂટવાની ખેવના હોય તે જ ઉંમરે મોંઘોદાટ દારૂ ખરીદીને પીવાની ટેવ' પડી જાય તો સ્વાભાવિક રીતે એક-બે નહીં બલ્કે દરેક વાલીઓ માટે લાલબત્તી ગણી શકાય. આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. હજુ તો મૂછનો દોરો પણ સરખી રીતે ફૂટ્યો ન્હોતો ત્યાં ૧૪ મોટા ઘરના છોરું મતલબ કે પ્રતિષ્ઠાવંત પરિવારના છોકરાઓ દારૂની મહેફિલ માંડીને બેઠા હતા ત્યાં જ પોલીસે દરોડો પાડીને તમામને પકડી પાડતાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. રાજકોટ (રૂરલ) એલસીબીએ ગોંડલ રોડ પર ગુંદાસરા ગામની સીમમાં આવેલા ફાર્મ હાઉસમાં ગોઠવાયેલી દારૂની પાર્ટી પર દરોડો પાડીને ધો.૧૧ તેમજ ધો.૧૨માં અભ્યાસ કરતાં ૯ સગીર વિદ્યાર્થીઓ ઉપરાંત તેમની સાથે મહેફિલમાં સામેલ પાંચ શખ્સો સહિત ૧૪ લોકોને પકડી પાડ્યા હતા. દારૂની આ મહેફિલનું આયોજન સત્યસાંઈ રોડ ઉમર રામધામ રોડ ઉપર રહેતા અને અભ્યાસ કરતાં તીર્થ મયુરભાઈ કણસાગરા દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યાં દારૂની આ મહેફિલ ચાલી રહી હતી તે ફાર્મ હાઉસ વિપુલ ખુંટની માલિકીની હોવાનું અને તેનો પુત્ર પણ આ
પાર્ટી’માં સામેલ હોવાનું ધ્યાન પર આવ્યું હતું.
પોલીસે સ્થળ પરથી તીર્થ કણસાગરા ઉપરાંત દેવાંશ હિતેશભાઈ પાદરિયા (રહે.નાનામવા ગામ), કરંજ કેયુરભાઈ મેઘપરા (રહે.૧૫૦ ફૂટ રિંગરોડ, સવન સ્ટેટસ બ્લોક નં.૧૨૦૧), ધ્વનિલ કલ્પેશભાઈ શાહ(રહે.ગોંડલ રોડ, માલવિયાનગર શેરી નં.૨ `પાર્શ્વ મકાન) તેમજ આશ્વત મહેશભાઈ રાઠોડ (રહે.કાલાવડ રોડ, કોટેચા ચોક સર્કલ પાસે, અનંત બિલ્ડિંગ પાછળ વેસ્ટર્ન એપાર્ટમેન્ટ) ઉપરાંત ૯ સગીર વિદ્યાર્થીઓને પકડ્યા હતા. ઉપરોક્ત ઉપરાંત અન્ય તમામ હજુ તો અભ્યાસ જ કરી રહ્યા હોવાનું તપાસમાં ખુલ્યું છે.
પોલીસે સ્થળ ઉપરથી બ્લેક લેબલ સ્કોચ વ્હીસ્કી, એબ્સોલ્યુટ વોડકા, સ્વીડીશ વોડકાની દારૂની ચાર બોટલ તેમજ બાલાજીના શીંગ ભુજીયા, સ્પ્રાઈટ અને બિસ્લેરી સહિતનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
વિદ્યાર્થીઓને આ દારૂ મળ્યો કેવી રીતે ?
સૌથી મોટો ચિંતાનો વિષય એ છે કે ૧૭-૧૮ વર્ષના અને હજુ તો અભ્યાસ જ કરી રહ્યા છે ત્યારે આ ૧૪ લોકોને વિદેશી અને તે પણ આટલો મોંઘો દારૂ મળ્યો કેવી રીતે હશે ? પોલીસ અત્યારે દારૂ આપનાર શખ્સની શોધખોળ શરૂ કરી છે પરંતુ વિદ્યાર્થીઓને આટલો સરળતાથી દારૂ મળી રહે તે પણ એક પડકારજનક વાત ગણી શકાય. કોઈ વિદ્યાર્થી હોય તેને દારૂ સુધી પહોંચવું અત્યંત કપરું હોય છે પરંતુ અવળી સંગતે ચડી જવાને કારણે જ આ માર્ગ સુધી પહોંચી ગયા હોવા જોઈએ.
મિત્ર પરનો ભરોસો મોંઘો પડ્યો !!
મહેફિલમાં પકડાયેલા તરુણની આપવીતી, ગયા’તા આમલેટ પાર્ટી' માટે અને હુક્કામાં દારૂ નાખીને જાણ બહાર પીવડાવી દીધો...
એક સારો મીત્ર હજારો સંબંધીઓની ગરજ સારે છે જ્યારે એક દુર્જન મિત્ર અંધકારની ખાઈમાં ધકેલી દે છે. આ જ કહેવતને યથાર્થ કરે છે આજની બનેલી આ ઘટના જેમાં એક મિત્ર સાથે માત્ર ડિનરપાર્ટી કરવા ગયેલો બીજો મિત્ર કેવી રીતે દારૂની મહેફિલમાં ફસાઈ ગયો ? તેની આપવીતી
વોઈસ ઓફ ડે’ સાથે વર્ણવે છે અને આ વાસ્તવિક ઘટના આજના ટીનેજર માટે રેડસિગ્નલ છે. રાજ (નામ બદલાવેલ છે) નામનો ટીનેજર પોતાના ધર્મ (નામ બદલાવેલ છે) નામના મિત્ર સાથે આમલેટ પાર્ટી' માટે ગયો હતો. જ્યાં ધર્મના અન્ય મિત્રો પણ આવ્યા હતા. બધા જ મિત્રો આ પાર્ટી માટે આવ્યા હતા. રાજે જણાવ્યું કે ઘરે પણ મેં આ જ કીધું હતું કે અમે બધા ભેગા થઈ ગેટ ટુગેધર કરીએ છીએ અને
આમલેટ પાર્ટી’ કરીશું પરંતુ હજુ તો ફાર્મહાઉસ પહોંચ્યાને થોડી મિનિટોમાં પોલીસ આવી અને બધાને પકડી લીધા હતા. જ્યારે આ ઘટનામાં રાજ કેવી રીતે ફસાયો તેનું વર્ણન કરતાં તેણે જણાવ્યું કે અમને હુક્કામાં દારૂ નાખીને આપ્યો હતો જેની અમને જાણ જ ન હતી. જ્યારે પોલીસ આવી ત્યારે અમે બધા ડરી ગયા હતા કારણ કે આ રીતે અમને ફસાવવામાં આવ્યા હશે તેનો સ્વપ્નમાં પણ ખ્યાલ હતો નહીં. ધર્મ સાથે ગયેલા બધા મિત્રોએ આ જ રીતે હુક્કામાં દારૂ નાખીને આપ્યો હતો જ્યારે ખુદ ધર્મ પોતે આ સકંજાથી દૂર રહ્યો હતો. મેં કે અન્ય મારા મિત્રોએ ક્યારેય ડ્રિન્ક કર્યું પણ નથી અને આ રીતે અમને ફસાવી દેવામાં આવ્યા. અમારી બદનામી સાથે અમારી કારકીર્દિને પણ અસર પહોંચી છે. આ ઘટનાથી અમારા પરિવારને પણ અમારા પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. હવે કઈ રીતે વિશ્વાસ પરત મેળવવો ? અમારું મનોબળ તૂટી ગયું છે. અમારા સાથે બનેલી આ ઘટના પછી અન્ય ટીનેજર્સ અને કોલેજિયન્સ સબક લ્યે.