લંડનમાં 16 વર્ષ જૂનું ભારતીયનું રેસ્ટોરન્ટ થયું બંધ: પાકિસ્તાની લોકો દ્વારા સતત સતામણી, પોલીસનો અસહકાર કારણભૂત
લંડનના હેમરસ્મિથમાં આવેલી પ્રખ્યાત ભારતીય રેસ્ટોરન્ટ ‘રંગરેઝ’ ના માલિક હરમન સિંહ કપૂરે આગામી મહિનાથી રેસ્ટોરન્ટ કાયમી ધોરણે બંધ કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણય અંગે તેમણે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકીને દાવો કર્યો છે કે, 16 વર્ષના યાદગાર સમય બાદ હું ભારે હૈયે આ નિર્ણય લઈ રહ્યો છું.
બિઝનેસ ચલાવવા માટેનો આર્થિક બોજ સતત વધી રહ્યો હતો. બીજી તરફ, પાકિસ્તાની જૂથો દ્વારા સોશિયલ મીડિયા પર અમને સતત નિશાન બનાવાઈ રહ્યા છે, ખોટા રિવ્યુ આપવામાં આવ્યા. આ દરમિયાન રેસ્ટોરન્ટ પર પણ વારંવાર હુમલા થયા છે, જેમાં શારીરિક હુમલા પણ સામેલ છે. આ સમગ્ર ઘટનામાં પોલીસ તરફથી પૂરતું રક્ષણ કે ટેકો પણ નથી મળ્યો.
આ પોસ્ટમાં હરમન સિંહે એ તમામ ગ્રાહકોનો આભાર માન્યો જેમણે વર્ષો સુધી તેમને સાથ આપ્યો. તેમણે લખ્યું છે કે, ‘ભલે મારો બિઝનેસ બંધ થઈ રહ્યો હોય, પરંતુ મારી હિંમત તૂટી નથી. હવે કોઈપણ બંધન વિના પૂર્ણ સમય સામાજિક સક્રિયતા પર ધ્યાન આપીશ અને આવા તત્ત્વો સામે લડતો રહીશ. દરેક અસલી ગ્રાહકનો આભાર જેમણે વર્ષોથી અમને સપોર્ટ કર્યો. હું હંમેશા તમારો આભારી રહીશ.’ આ દરમિયાન તેમણે રેસ્ટોરન્ટના ફોટોગ્રાફ પણ મૂક્યા છે.
હરમન સિંહે પોતાની પોસ્ટમાં લંડનની ‘મેટ્રોપોલિટન પોલીસ’ પ્રત્યે પણ નારાજગી વ્યક્ત કરી છે. તેમણે આરોપ લગાવ્યો કે વારંવારની ફરિયાદો અને જીવનું જોખમ હોવા છતાં સ્થાનિક પોલીસ તરફથી તેમને પૂરતું રક્ષણ કે સહાય મળી નથી. વધતા જતા ખર્ચ અને સતત સુરક્ષાના ભયને કારણે હવે આ વ્યવસાય ચાલુ રાખવો અશક્ય બની ગયો છે.
