18 પ્રકારના કારીગરોને મળશે ટૂલકિટ માટે લોન
કેન્દ્ર સરકારે આજે વડાપ્રધાન મોદીજીના જન્મદિવસે, વિશ્વકર્મા જયંતિના અવસરે કારીગરો અને શિલ્પકારોના પરંપરાગત કૌશલ્યને વધારવા પીએમ વિશ્વકર્મા યોજના લોન્ચ કરી હતી. વડાપ્રધાનના હસ્તે આ યોજનાનું ઉદઘાટન થયું હતું . દિલ્હીના દ્વારકા સ્થિત ઈન્ડિયા ઈન્ટરનેશનલ કન્વેન્શન અને એક્સપો સેન્ટર (IICC) માં આ યોજનાની શરૂઆત કરાઈ હતી.
આ યોજના હેઠળ લાભાર્થીઓને 15,000 રૂપિયાની ટૂલકિટ પ્રોત્સાહન તરીકે અપાશે. પીએમઓેએ કહ્યું કે આ યોજના હેઠળ લાભાર્થીઓને પાંચ ટકા વ્યાજના રાહત દરે એકથી બે લાખ રૂપિયાની લોન પણ અપાશે. આ યોજના સમગ્ર ભારતમાં ગ્રામીણ અને શહેરી ક્ષેત્રોના કારીગરો અને શિલ્પકારોને મદદરૂપ થશે.
પીએમ વિશ્વકર્મા હેઠળ 18 પ્રકારના પરંપરાગત કારીગરોને આવરી લેવાશે. તેમાં સુથાર, સોની, શસ્ત્ર બનાવનાર, લુહાર, હથોડી અને ટૂલકીટ બનાવનાર, તાળા બનાવનાર, બોટ બનાવનાર, કુંભાર, શિલ્પકાર (પથ્થર કોતરનાર), પથ્થર તોડનારા, જૂતા બનાવનારા/ચંપલના કારીગરો, ચણતર, ટોપલી/ચટાઈ/સાવરણી બનાવનારા, ઢીંગલી અને રમકડા બનાવનારા (પરંપરાગત), વાળંદ, માળા બનાવનારા, ધોબીઓ, દરજીઓ અને માછીમારીની જાળ બનાવનારાઓ સામેલ છે.