128 વર્ષીય યોગ ગુરુ બાબા શિવાનંદનું નિધન
વારાણસીમાં લીધા અંતિમ શ્વાસ : વડાપ્રધાન મોદીએ વ્યક્ત કર્યો શોક : કોઈ પણ ઋતુ હોય, જમીન ઉપર જ સુતા હતા અને અડધુ ભોજન જ લેતા હતા : આજે અંતિમ સંસ્કાર
ઉત્તર પ્રદેશના વારાણસીમાં રહેતા ૧૨૮ વર્ષીય યોગ ગુરુ સ્વામી શિવાનંદ બાબાનું નિધન થયું. તેમને છેલ્લા ત્રણ દિવસથી BHUમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. બાબા શિવાનંદના વિદેશમાં પણ અનુયાયીઓ છે. તેમના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર માટે દુર્ગાકુંડ સ્થિત તેમના આશ્રમમાં રાખવામાં આવ્યો છે. અંતિમ સંસ્કાર સોમવારે કરવામાં આવશે.
તેમને ત્રણ વર્ષ પહેલાં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. પ્રયાગરાજ મહા કુંભમાં શિવાનંદ બાબાની શિબિર લગાવવામાં આવી હતી. કુંભમાં પહોંચ્યા પછી તેમણે સ્નાન પણ કર્યું હતું. શિવાનંદ બાબાના આધાર કાર્ડ પર જન્મ તારીખ ૮ ઓગસ્ટ ૧૮૯૬ નોંધાયેલી છે. તેમનો જન્મ અવિભાજિત બંગાળના શ્રીહટ્ટી જિલ્લામાં થયો હતો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર લખ્યું, યોગ સાધક અને કાશી નિવાસી શિવાનંદ બાબાના નિધનથી અત્યંત દુખ થયું છે. યોગ અને સાધનાને સમર્પિત તેમનું જીવન દેશની દરેક પેઢીને પ્રેરણા આપશે. યોગ દ્વારા સમાજની સેવા માટે તેમને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. શિવાનંદ બાબાનું શિવલોક પ્રયાણ સમસ્ત કાશીવાસીઓ અને તેમાંથી પ્રેરણા લેનારા કરોડો લોકો માટે ન પૂરી શકાય તેવી ખોટ છે.
બાબા શિવાનંદના પરિવારમાં ચાર સભ્યો હતા. તેમના માતા-પિતા ભીખ માંગીને આખા પરિવારનું ગુજરાન ચલાવતા હોવાનું કહેવાય છે. 4 વર્ષની વયે શિવાનંદ બાબાને તેમના માતા-પિતાએ નવદ્વીર નિવાસી બાબા ઓંકારનંદ ગોસ્વામીને સમર્પિત કરી દીધા હતા. જ્યારે શિવાનંદ 6 વર્ષના હતા ત્યારે માતા-પિતા અને બહેનનું ભૂખમરાના કારણે નિધન થયું હતું. જે બાદ તેમણે તેના ગુરુના સાનિધ્યમાં આધ્યત્મનું શિક્ષણ લીધું અને તેમની પ્રેરણાથી આજીવન બ્રહ્મચર્ચનું પાલન કર્યું હતું.
એવું કહેવાય છે કે બાબા શિવાનંદ દરરોજ ફક્ત અડધું પેટ ભરાય તેટલું જ જમતા હતા અને બાફેલું ભોજન વધારે પ્રમાણમાં લેતા હતા. તેઓ ક્યારેય ગરમીમાં એસીમાં સૂતા નહોતા. શિયાળામાં હીટરનો ઉપયોગ પણ નહોતા કરતા. તેઓ હંમેશા જમીન પર સાદડી પાથરીને ઊંઘતા હતા તેઓ ક્યારેય બીમાર પડ્યા નહોતા તેવું કહેવાય છે. 2019 માં, જ્યારે તેમણે કોલકાતા અને ચેન્નાઈની એપોલો હોસ્પિટલમાં તબીબી તપાસ કરાવી, ત્યારે તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું હતું.